- 2024માં આઇપીઓ માર્કેટ મારફતે 1.5 લાખ કરોડ મળ્યા
- પ્રસંગપટ
- 10થી 12અબજ ડોલરના આઇપીઓ લાઇનમાં છેતમામ રોકાણકારો માટે આસાન પ્લેટફોર્મ
ભારતમાં આઇપીઓનું માર્કેટ તેજીમાં છે. છાશવારે નવા આઇપીઓ બહાર પડે છે. રોકાણકારોનો એક વર્ગ માત્ર આઇપીઓમાં રોકાણ કરતો હોય છે. દરેક આઇપીઓ ભરવાનો. આખા કુટુંબના નામના ડીમેટ એકાઉન્ટ ખોલાવેલાં હોય છે. તમામ ફોર્મ ભરીને બેંકમાં સબમિટ કરવાના હોય છે. જો આઇપીઓ લાગે તો તેટલા જ પૈસા બેંકખાતામાંથી કપાય છે.
આઇપીઓમાં રોકાણ કરનારાને ફાવટ આવી ગઇ છે. લિસ્ટીંગ થયા પછી તેમાં થોડો વધુ ભાવ મળતા હોય તો પણ લોકો તે વેચી નાખે છે. તેના કારણે પૈસૌ ફરતો રહે છે.
છેલ્લા બે મહિનામાં ૮૦ કંપનીઓ બજારમાં આવી હતી અને કુલ ૩૫,૦૦૦ કરોડના આઇપીઓ આવ્યા. લોકો નવા ફોર્મ ભરતા થાકતા નથી. દરેક આઇપીઓ ભરીને થોેડું ઘણું કમાઇ લેતો મધ્યમવર્ગ હવે આઇપીઓ ભરી ભરીને થાક્યો હોય એમ લાગે છે. કેમ કે કેટલાકને તેમની રોકાણ કરવાની સ્ટાઇલ ફાવતી નથી. વળી, રોકાણ ગમે ત્યાં બ્લોક થઇ શકે છે. આઇપીઓની સદ્દનસીબી એ છેકે આઈપીઓના તમામ રોકાણકારો અધીરા અને જલદી કમાઈ લેવાની લાલચવાળા હોતા નથી. આ પ્રકારના રોકાણકારો થોડા નિયંત્રણમાં રહેતા હોય છે. તેમણે આઇપીઓ માટે અલાયદું બજેટ ફાળવ્યું હોય છે.
આઇપીઓ ભરનારા પોતાની સિન્ડીકેટ પાસેથી પૈસા કઇ રીતે પરત મેળવવા તેની તપાસ કરતા હોય છે. એક સમય હતો કે જ્યારે લોકો આઇપીઓ ભરવાથી કંટાળતા હતા. ભરેલા પૈસા વગર વ્યાજે આઇપીઓની ઓફર કરનાર કંપનીઓ પાસે વ્યાજ વિના પડયા રહેતા હતા.
લોકો આઇપીઓના રોકાણમાં રસ લઇ રહ્યા છે તેની પાછળનું મહત્ત્વનું કારણ આઇપીઓ લાવતી કંપનીઓએ સેબીની કાયદાનું કડક પાલન કરવું પડે છે, તે છે. એક સમય હતો કે જ્યારે આઇપીઓ ભરનારાના પૈસા અટવાઇ જતા હતા. કોઇ વ્યક્તિ આઇપીઓ ભરે પછી જો તેને શેર્સ ના લાગે તો તેણે રોકેલા પૈસા પરત આવતા ત્રણ મહિનાથી વધુ સમય થઇ જતો હતો. આઇપીઓ ભરવા માટે આવેું નાણું પરત મોકલવાના બદલે કંપનીઓ તેનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં રોકાણ માટે કરતી હોવાના આક્ષેપો જાહેરમાં થઇ ચૂક્યા છે.
આઇપીઓ લાવતી કંપની પરત આપવાના થતા પૈસા વ્યાજ વગર ત્રણ મહિને મોકલી આપતી હતી. આઇપીઓની જંગી રકમ પોતાની બેંકમાં જમા થયા બાદ તેને પાછી બેંકમાં મોકલતા દરેકને ચૂંક આવતી હતી. જોકે સેબીએ કાયદો કડક બનાવતાં હવે જે ફોેર્મ પર શેર્સ લાગે છે તેના જ પૈસા બેંકના ખાતામાંથી કપાય છે. જેના કરાણે આઇપીઓમાં રોકેલો પૈસો પહેલાંની જેમ અટવાતો નથી અને લોકોને અન્ય રોકાણ કરવાની તક મળે છે.
સીટી બેંકના વડાએ તાજેતરમાં કહ્યું હતું કે આગામી ત્રિમાસિક ગાળામાં ૧૦થી ૧૨અબજ ડોલરના આઇપીઓ આવી રહ્યા છે. અમેરિકાએ ટેરિફનું શસ્ત્ર ઉગામીને ભારતના અર્થતંત્રને ડામાડોળ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આઇપીઓ મારફતે સેબી કંપનીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતમાંથી જ્યારે વિદેશી રોકાણકારો નાણાં પરત ખેંચી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્તરના રોકાણકારો આઇપીઓ જેવા પ્લેટફોર્મ પર પાછા આવી શકે છે. આઇપીઓમાં રોકાણથી ભલે બમણી કમાણી ના થાય, પણ બેંકના વ્યાજ કરતાં વધુ છૂટે છે એમ કહી શકાય. છેલ્લા બે મહિનામાં એસએમઇ સહીતના ૮૦ આઇપીઓ બજારમાંજોવા મળ્યા છે. આ કંપનીઓ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. ૩૧ જેટલી મોટી કંપનીઓએેે આઇપીઓ મારફતે ૩૧,૦૦૦ કરોડ ઉભા કર્યા હતા. આવી કંપનીઓ પૈકી ૧૬ના શેર ભાવ ઇસ્યુના ભાવ કરતાં નીચા છે. આઇપીઓમાં ત્વરીત નફો રળવા માંગતા રોકાણકારો નિરાશ થતા હોય છે. એસએમઇ ક્ષેત્રના આઇપીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
૫૮ એસએમઇમાંથી ૩૧ના ભાવ ઇસ્યુ કરતાં પણ નીચા ભાવે બોલાઇ રહ્યા છે. કેટલાક તો ઇસ્યુપ્રાઇસ કરતાં ૨૦થી ૨૫ ટકા નીચે ચાલી રહ્યા છે. વિશ્વમાં ભારત સૌથી મોટું આઇપીઓ માર્કેટ ધરાવે છે. ૨૦૨૪માં ભારતમાં આઇપીઓ માર્કેટ મારફતે ૧.૫ લાખ કરોડ ઉભા કરાયા હતા જ્યારે ૨૦૨૫માં બજારો નબળા હોવા છતાં સપ્ટેમ્બર સુધીમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયા આઇપીઓ મારફતે ઉભા કરાયા હતા. આઇપીઓ માર્કેટમાં દરેક નવોદિત રોકાણકારોને રસ હોય તે સ્વભાવિક છે. જો આઇપીઓ સાથે લાંબા સમયના રોકાણનો કોન્સેપ્ટ અપનાવાય તો તે સોનામાં સુગંધ સમાન બની શકે છે.


