સાયબર ક્રિમિનલોની ગેંગ વિવિધવેશમાં ત્રાટકી કરોડો આંચકી લે છે
- સાયબર ક્રિમિનલ ગેંગ સાયલન્ટ રહીને ખંખેરે છે
- પ્રસંગપટ
- હોંશિયાર મનાતા લોકો સામે ચાલીને કરોડો રૂપિયાનો ચાંલ્લો સાયબર ક્રિમિનલોને કરી આવે છે
ઓનલાઇન ફ્રોડ કરનારા રોજ નવા ફ્રોડની ટેકનીક શોધતા હોય એમ લાગે છે. પોલીસના નેટ વર્ક કરતાં પણ તેમનું નેટવર્ક વધુ પાવરફૂલ હોય એમ લાગે છે. લોકોમાં રહેલી લાલચને તે ઓળખી ગયા છે પરંતુ હવે લોકોમાં રહેલો પોલીસ, ઇન્કમટેક્ષ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી તપાસ એજંસીઓના ડરને પણ ઓળખી ગયા છે. જો ડર ગયા સો મર ગયા જેવો માહોલ સાયબર ક્રિમિનલની ગેંગે ઉભો કર્યો છે. જગતમાં રહેલી મોટી માછલીઓ એમ માનતી હતી કે આપણને કોઇ સ્પર્શી શકે નહીં અને આપણા એકાઉન્ટ ખાતા સાથે કોઇ છેડછાડ કરી શકે નહીં. પરંતુ સાયબર ક્રિમિનલ એટલા શક્તિશાળી બની ગયા છે કે આ કહેવાતી મોટી માછલીઓ સામે ચાલીને કરોડો રૂપિયાનો ચાંલ્લો સાયબર ક્રિમિનલ ગેંગને કરી આવે છે.
સાયબર ક્રિમિનલોની ગેંગ વિવિધ વેશમાં ત્રાટકતી હોય છે. કોઇ શેરબજારમાં રોકાણ કરવા લલચાવે છે તો કોઇ તપાસ એજંસીના અધિકારી બની જાય છે. કોઇ પ્રોડક્ટ વેચવાથી ઘેર બેઠા લાખો રૂપિયા મળશે એમ કહે છે તો કોઇ સેક્સ રેકેટમાં ફસાવે છે. ઓનલાઇન લોકોને શું ગમે છે તે સર્ચ કરીને તેમને ફસાવાય છે. ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિને શું પસંદ હોય છે તેના પર સાયબર ક્રિમનલોએ રિસર્ચ કર્યું હોય એમ લાગે છે.
સાયબર ક્રિમિનલ ગેંગ અને ગુંડા ટોળકીમાં કોઇ ફર્ક છે તો તે એટલોજ છે કે ગુંડા ટોળકી ખૂના મરકી કે મારપીટ કરીને લુંટ ચલાવે છે જ્યારે સાયબર ક્રિમિનલ સાયલન્ટ રહીને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે. ગુંડાઓની ટોળકી મારપીટ કરે છે ત્યારે ઇજાગ્રસ્ત લોકો દવાખાને જઇને દવા કરાવે છે અને ભવિષ્યમાં ઘરમાં કે કારમાં કોઇ હથિયાર રાખવાનું વિચારવા લાગે છે. સાયબર ક્રિમિનલ ત્રાટકે છે ત્યારે આર્થિક રીતે પાયમાલ થયેલો માણસ કોઇને કશું કહી શકતો નથી અને મૂઢ બની જાય છે. દેખાદેખી શેરબજારમાં નાણા રોકનારાઓનું બેલેન્સ જ્યારે ઝીરો થઇ જાય છે ત્યારે તે સમાજના ડરે કે કુટુંબના ડરે કડવો ઘૂંટ ગળીને બેસી રહે છે. પૂણેના ૨૭૨ લોકો જ્યારે એકસાથે ઇન્વેસ્ટમેન્ટની લાલચમાં સપડાયા ત્યારે કોઇ પોલીસ પાસે જઇને કેસ કરવા તૈયાર નહોતું કેમકે દરેક પોતાની હોંશિયારીની લોકો કેવી ઠેકડી ઉડાડશે તે વિચારીને ડરતા હતા. આ ઓનલાઇન છેતરપીંડી ૧૨૫ કરોડ રૂપિયાની હતી.
ઓનલાઇન શેર ટ્રેડીંગ કરનાર કંપનીએ રોકાણકારોની વધુ કમાવાની લાલચનો લાભ ઉઠાવ્યો હતો. દરેકને શેરબજારમાં વધુ કમાવાની લાલચ આપી હતી. કોઇને કહેશોે નહીં, આ સ્કીમ ચોક્કસ લોકો માટેજ છે. તમારી પાસે કમાવી લેવાની તક આવી અને રોજ તમારૃં એકાઉન્ટ ચેક કરી લેજો. દરેકના ખાતામાં શરૂઆતમાં રોકાણના ૧૫ ટકાથી વધુ રકમ જમા થવા લાગી હતી. દરેક ખુશ હતા. પરંતુ જ્યારે ખાતામાંથી પૈસા ઉપાડવાની શરૂઆત કરીકે કૌભાંડીએ બધા વ્યવહારો બ્લોક કરી દીધા હતા.
શરૂઆતમાં લોકોને કહેવાયું કે સર્વરનો પ્રોબલેમ છે. ત્રણ ચાર દિવસ લાગશે. જોકે લોકોને અઠવાડિયા પછી ખબર પડીકે આપણે છેતરાયા છે. સાયબર ક્રિમિનલોની દુનિયા ઇન્ટરનેટ ટેકનોલોજીના જાણકારો સાથે સંકળાયેલી છે. દરેક અસરગ્રસ્તે ૪૫ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તાજેતરમાં વર્ધમાન જૂથના પ્રેસિડેન્ટ પણ સાયબર ક્રિમિનલના ટ્રેપમાં આવી ગયા હતા. તેમની સામે ક્રિમિનલોએ મની લોન્ડરીંગનું શસ્ત્ર ઉગામીને ડરાવ્યા હતા અને સાત કરોડ પડાવી લીધા હતા. આ કેસમાં અધિકારીઓ નકલી હતા. જેમને ફસાવવમાં આવ્યા તે બહુ હોંશિયાર હતા. તે સાબિતી મેળવ્યા વગર કે નજરે જોયા સિવાય ફસાય એમ નહોતા. તેમના માટે બધુંજ નાટકીય રીતે ઉભું કરાયું હતું. તેમને અધિકારીઓએ દમદાટી પણ આપી હશે એમ મનાય છે. તેમના થોડા ધણા પૈસા પાછા આવ્યા તે માટે પોલીસના ત્વરીત પગલાંના પ્રશંસા કરવી જોઇએ પરંતુ સાયબર પોલીસ પાસે ઢગલો કેસો પડયા છે.
કહે છે કે બેંકોમાં ખોલાવેલા બોગસ ખાતા સાયબર ક્રિમિનલો માટે મહત્વનું કામ કરી રહ્યા છે. આ લોકો જેને ફસાવે છે તેની પાસે બેંકોમાં પૈસા જમા કરાવે છે. કમનસીબી એ છે કે બેંકો કૌભાંડીઓના ખાતા પર કોઇ નજર રાખી શકતી નથી. સાયબર ક્રિમિનલોનું નેટવર્ક અનેક તબક્કા સાથે સંકળાયેલું હોઇ તેમના સુધી પહોંચવું કે તેમને ઓળખવું બહુ મુશ્કેલ બની જાય છે.