- સમસ્યાના મૂળમાં ઇરાનનો અણુ પ્રોગ્રામ છે
- પ્રસંગપટ
- 1975માં ઇઝરાયલની કુલ માંગના 70 ટકા જેટલું ઓઇલ ઇરાનથી આયાત થતું હતું
ઇઝરાયલ-ઇરાન વચ્ચેનું યુદ્ધ વિનાશક રાહ પર આગળ વધી રહ્યું છે. તેમને પાછા વાળી શકાય એમ નથી. હજારો માણસોની ખુવારી થવાનો ભય સતાવી રહ્યો છે. એક સમયે ઇઝરાયલ અને ઇરાન મિત્ર રાષ્ટ્રો હતા. ઇરાનમાં શાસન બદલાતાં નવા શાસકોને ઇરાન દુશ્મન લાગવા માંડયું હતું. ઇરાન પાસે અણુ બોંબ બનાવવા માટે જરૂરી એવું સમૃધ્ધ યુરેનિયમ છે, જે તેલ એવિવને જોખમકારક લાગે છે.
ભૂતકાળ પર નજર કરીએ તો ૧૯૪૮માં જ્યારે સ્ટેટ ઓફ ઇઝરાયલની જાહેરાત થઈ ત્યારે મુસ્લિમ શાસન ધરાવતા મોટા ભાગના દેશોએ તેને માન્યતા નહોતી આપી, પણ શિયા બહુમતી વાળા ઇરાને તેને માન્યતા આપી હતી. શાહ મોહમ્મદ રેઝા પહેલવીના શાસન કાળમાં ઇરાન પશ્ચિમના દેશો તરફ, ખાસ કરીને અમેરિકા તરફ ઢળેલું હતું. ઇઝરાયલ અમેરિકાના ટેકા પર આધારિત હોવાથી તે પણ ઇરાનને પોતાનો મિત્ર દેશ ગણતું હતું.
૧૯૫૦-૬૦ના દાયકાલ દરમિયાન ઇઝરાયલે બિન-આરબ દેશોનું જોડાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. તૂર્કી અને ઇથોપિયા તેમાં જોડાયા હતા. ૧૯૫૮માં ઇરાન, તૂર્કી અને ઇઝરાયલે ટ્રાઇડેન્ટ (ત્રિશુળ) કરાર કર્યા હતા. જેમાં શસ્ત્રોના સોદા, ગુપ્ત માહિતીની આપલે અને આર્થિક સહકારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એક સમયે આ બન્નેે દેશો વચ્ચે એવા સંબંધો હતા કે ઇઝરાયલ ઇરાનને લશ્કરી બાબતોમાંં ટેકનિકલ સપોર્ટ પુરું પાડતું હતું. આર્થિક ક્ષેત્રે પણ ઇરાન-ઇઝરાયલના સંબંધો બહુ મહત્ત્વના સાબિત થયા હતા. ૧૯૬૭માં જ્યારે કેટલાક આરબ દેશોએ ઇઝરાયલનો બોયકોટ કરીને ઓઇલ આપવાનું બંધ કરેલું ત્યારે ઇરાને તેને ઓઇલ પુરૃં પાડયું હતું. તેની સામે ઇઝરાયલે ઇરાનને આધુનિક કૃષિ ટેકનોલોજી પૂરી પાડી હતી.
સમગ્ર ઇરાનમાં ઇઝરાયલી ટેકોનોલોજીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં કામો થતાં હતાં. તૂર્કિસ્તાન અને ઇથિયોપિયા સાથે ઇઝરાયલે ધીરે ધીરે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા હતા. ૧૯૬૦-૭૦ના દાયકામાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે આર્થિક અને સલામતીના મુદ્દે ભાઇચારો જોવા મળતો હતો. ઇઝરાયલમાં ઓઇલ સપ્લાય કરવામાં ઇરાન મોખરે રહેતું હતું. ૧૯૭૫માં ઇઝરાયલની કુલ માંગના ૭૦ ટકા ઓઇલ ઇરાનથી આવતું હતું. તે વખતે ઇઝરાયલ ઇરાનને શસ્ત્રો પણ વેચતું હતું, જેના કારણે ઇઝરાયલની સરંક્ષણ ઉત્પાદનોની ક્ષમતા વધી હતી. ઇરાકમાંના કુરદીશ અલગતાવાદીઓને ઠેકાણે પાડવામાં ઇઝરાયલે ઇરાકને મદદ કરી હતી.
૧૯૭૯ સુધી બંને દેશ વચ્ચેના ભાઇચારાથી વિશ્વ માહિતગાર હતું. ૧૯૭૯માં ઇરાન રિવોલ્યુશનના પગલે નવા શાસક આયાતોલ્લાહ રૂહોલ્લાહ ખોમૈની આવતાં ઇઝરાયલ સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ પડી હતી. ઇરાનના નવા શાસકો ઇઝરાયલને નફરત કરવા લાગ્યા હતા અને તેને દેશ તરીકે કે પાડોશી તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. ઇરાનના નવા શાસકો પેલેસ્ટાઇનની વધુ તરફેણ કરતા હતા. ઇરાને આખરે ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, જેના કારણે તેમની વચ્ચે વેરઝેર ઉભા થયા હતા.૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં ઇરાન હઝબુલ્લાહ, હમાસ જેવા ત્રાસવાદી સંગઠનનોની પીઠ થાબડતું હતું. તેમને ટ્રેેનિંગ, ફંડીંગ ઉપરાંત શસ્ત્રો પૂરાં પાડતું હતું. ક્રમશઃ ઇરાન માનવા લાગ્યું હતું કે ઇઝરાયલ તેનું સૌથી મોટું દુશ્મન છે.
ત્યારબાદ થોડો સમય તેમની વચ્ચે આંશિક સુમેળ રહ્યો હતો, પરંતુ ૧૯૯૦માં ઇરાનના અણુ બોંબ બનાવવાના પ્રોગ્રામના કારણે તેમના સંબંધો સાવ ખાડે પહોંચી ગયા હતા અને પછી બંને કટ્ટર દુશ્મન બની ગયા હતા.
ઇઝરાયલે એક તબક્કે ઇરાનની અણુક્ષમતાની સામે ઓપરેશન રાઇઝીંગ લાયન શરૂ કર્યું હતું. તેનો મુખ્ય આશય પોતાના અસ્તિત્વ સામે ઊભા થયેલા અણુ ખતરાનો સામનો કરવાનો હતો.
બે દાયકા સુધી ઇઝરાયલ અવઢવમાં રહ્યું હતું. અંતે ઇઝરાયલે મહત્ત્વનો નિર્ણય લીધો અને ઇરાનના અણુબોંબ બનાવતાં સેન્ટરો તેમજ બેલેસ્ટિક મિસાઇલ બનાવતી ફેકેટરી પર હુમલો કર્યો હતો. ઇરાન અણુ બોંબ બનાવતું બંધ થાય તે માટેનો આ પ્રયાસ હતો. ગયા વર્ષે પણ ઇઝરાયલે ઇરાનનાં અણુ મથકોને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઇરાને વળતો હુમલો કર્યો હતો. દેખીતું છે કે આ તમામ ઓપરેશન્સમાં ઇરાનની સ્પાય એજન્સી સાવક અને ઇઝરાયલની સ્પાય એજન્સી મોસાદની દેખીતી રીતે જ ખૂબ મહત્ત્વની ભૂમિકા હોવાની.
૨૦૨૫ની ૧૩ જૂને ઇઝરાયલે ઇરાનનાં અણુમથકોને ટાર્ગેટ કરીને કરેલા હુમલામાં અણુ વિજ્ઞાની અને કેટલાક નાગરિકો માર્યા ગયા હતા. ઇઝરાયલના વડાપ્રધાન નેત્યનાહૂને કહેતા હતા કે જ્યાં સુધી ઇરાનના સુપ્રીમો ખોમેની ખતમ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ થવાનું નથી. હવે અલી ખામેની માર્યા ગયા છે અને યુદ્ધ વધુ ભભૂકી ઉઠયું છે.


