FOLLOW US

પ્રાદેશિક પક્ષોને ટકાવી રાખવાનું કામ બહુ કપરું બની ગયું છે

Updated: Mar 3rd, 2023


- આમ આદમી પાર્ટી માટે આગામી સફર મુશ્કેલીભરી

- પ્રસંગપટ

- આમ આદમી પાર્ટી ગમે એટલા પ્રયાસો કરે, પણ તેના લલાટે લાગેલી ભ્રષ્ટાચારની કાળી ટીલી ભૂંસી શકાય એમ નથી

રાજકીય પક્ષો ચપટી વગાડતાંજ ઊભા થઇ જાય છે અને ક્યારે અદ્રશ્ય થઇ જાય છે તેની ખબર પણ નથી પડતી. રાજકીય પક્ષો ચલાવવા આસાન નથી. કેટલાયનાં પાટિયાં પડી  ગયાં છે અને કેટલાંય પક્ષો કોઈ પ્રાઇવેટ કંપનીની જેમ ચલાવાઇ રહ્યા છે. અનેક પરિવારોેએ જાણે પોતાના કુટુંબ માટે પક્ષ ઊભા કર્યા છે અને સાથે સાથે કાયમી આવક પણ ઊભીકરી દીધી છે. 

દિલ્હીમાં આમ આદમી પાર્ટી પોતાની શાખ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે. પાંચ-પંદર મિત્રોને ભેગા કરીને વોટ્સએપ ગુ્રપ બનાવી શકાય, પણ રાજકીય પક્ષ ઊભો ના કરી શકાય. અરવિંદ કેજરીવાલ અને તેમના મિત્રોએ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાના બહાને ઊભો કરેલો રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી દરેક સ્તરે આવકાર પામ્યો હતો, કેમ કે તેનો હેતુ બહુ સ્પષ્ટ હતો. આ પક્ષ લોકોના દિલ જીતી શક્યો હતો. પરંતુ ભ્રષ્ટાચારની લપસણી ભૂમિ પર ક્યારે પગ પડી ગયો તેની તેમને ખબર જ ના પડી. લોકોએ તેમને ચેતવ્યા હતા, પરંતુ વિસ્તારવાદની નીતિની પાછળ પડેલા પક્ષે પહેલાં ગોવામાં ઝુકાવ્યું અ્ને પછી ગુજરાતમાં ઝુકાવ્યું. 

ચૂંટણી લડવા માટે જોઇતો પૈસૌ ક્યાંથી લાવવો તેની મથામણ કરવામાં બહુ ગાજેલો આ પક્ષ ભ્રષ્ટાચારના વમળમાં ફસાઇ ગયો. આજે પક્ષના નાયબ મુખ્યપ્રધાન અને અનેક ખાતાં સંભાળતા પ્રધાન સત્યેન્દ્ર જૈન જેલમાં છે. હવે આમ આદમી પાર્ટી પોતાના પર લાગેલા લાંછનને દૂર કરવા ભલે  ગમે  એટલા પ્રયાસો કરે, પણ તેના લલાટે લાગેલી ભ્રષ્ટાચારની કાળી ટીલી ભૂંસી શકાય એમ નથી. 

અનેક પ્રાદેશિક પક્ષો એક કુટુંબ દ્વારા ચાલે છે. ભારતમાં તડજોડવાળા રાજકારણને કારણે પ્રાદેશિક પક્ષો માલેતુજાર થતા આવ્યા છે. આમ આદમી પાર્ટી કોઇ કુટુંબવાદ નહીં, પણ સિદ્ધાંતોના પગલે ઊભરી આવી હતી. દેશ સેવા કરતાં કરતાં પક્ષને રાજકીય સત્તા મેળવવાનો ચસ્કો લાગ્યો અને તે પોતાના મૂળ ટ્રેક પરથી નીચે ઉતરી ગઇ હતી. પંજાબનો વિજય એ આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા હતી, તો દિલ્હીમાં ફરી વાર સરકાર તેમજ એમસીડીમાં વિજય પણ શાબાશીને પાત્ર હતાં, પરંતુ તેમની પૈસો કમાવવાની ચાલ પકડાઈ ગઈ. 

એક વાત સાચી છે કે દેશના મુખ્ય રાજકીય પક્ષો અનેક વાર પ્રાદેશિક પક્ષોનો પડકાર ઝીલી શક્યા નથી. જેમ કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને ભાજપ કે કોંગ્રેસ હરાવી શકતું નથી. કોંગ્રેસ અને ભાજપ જેવા મુખ્ય રાજકીય પક્ષો સામાન્યપણે પ્રાદેશિક પક્ષોને ગાંઠતા નથી, પરંતુ કાજકીય સત્તાલાલસા તેમને જોડાણ કરવા માટે ફરજ પાડે છે. 

ગયા બુધવારે ઉત્તર પૂર્વનાં રાજ્યોની વિધાનસભાનાં આવેલાં પરિણામોમાં પ્રાદેશિક પક્ષોનો સામનો કરવામાં ભાજપ અને કોંગ્રેસ બંને હાંફી ગયા હતા. ઉત્તર પૂર્વના પ્રાદેશિક પક્ષો ક્યારેય નેશનલ સ્ટેજ પર આવવાનો પ્રયાસ કરતા નથી. તેમની સત્તા માટેની લીલા પોતાના પ્રદેશ પૂરતી જ જોવા મળે છે.  

સિદ્ધાંતવિહોણા પ્રાદેશિક પક્ષો રાજકારણમાં લાંબુ ટકી શકતા નથી. મોટા રાજકીય પક્ષોના પ્રતાપે તે ધબકતા રહે છે. બિહારની વાત કરીએ તો બિહારના પ્રાદેેશિક પક્ષેાને કેન્દ્રમાં તડજોડવાળા રાજકારણની ફાવટ આવી ગઇ છે. 

લાલુપ્રસાદ યાદવે સતત કેન્દ્રની ટેકાવાળી સરકારોમાં જોડાઇને કન્દ્રીય પ્રધાનપદું મેળવે રાખ્યું હતું. બિહારના ત્રણેય પ્રાદેશિક પક્ષ - લાલુપ્રસાદનો  રાષ્ટ્રીય જનતા દળ, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી અને નીતિશકુમારનો જનતાદળ (યુ) - કેન્દ્રીય સત્તામાં રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં શરદ પવારનો એનસીપી સ્થાનિક રાજકારણ પર પ્રભાવ ઊભો કરી શક્યો છે. 

છેલ્લા એક-દોઢ દાયકા પર નજર કરીએ તો પ્રાદેશિક પક્ષ ઊભો કરનારા નેતાઓએ પોતાનું પ્રમુખ પદ પોતાનાં સંતાનોને ટ્રાન્સફર કર્યું છે. તેથી જ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, દુષ્યંત ચૌટાલા,ઉદ્ધવ ઠાકરે, સુખબીરસિંહ બાદલ, એમ.કે. સ્ટાલીન વગેરે નેતાઓ ઉભરી શક્યા. જે-તે રાજકીય પક્ષો કુટુંબ હસ્તક રહ્યા.

આમ આદમી પાર્ટીની સ્થાપના વખતના કોઇ નેતા એની રહ્યા નથી.  અરવિંદ કેજરીવાલના વન-મેન-શો સમાન આમ આદમી પાર્ટી માટે આગામી સફર મુશ્કેલીભરી રહેવાની છે એ તો નક્કી. 

Gujarat
News
News
News
Magazines