Get The App

સાયબર સ્લેવ બનાવતા નેટવર્કના 1600 સૂત્રધારો બિહારમાં હતા

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
સાયબર સ્લેવ બનાવતા નેટવર્કના 1600 સૂત્રધારો બિહારમાં હતા 1 - image

- 7000 લોકોને ગુનેગારના ટ્રેપમાંથી બહાર કઢાયા 

- પ્રસંગપટ

- જો કોઇ કામ કરવાની ના પાડે તો તેને ખાવાનું આપવાનું બંધ કરાતું હતું અને ફટકારવામાં આવતા હતા

વિદેશમાં જઇને વધુ પૈસા કમાવવાનું સપનું દરેક યુવાન જોતો હોય છે. ભારતમાં બેરોજગારી વધી છે. વિદેશમાં જઇને ડોલર કમાઇને ભારતમાં પોતાના ફેમિલીને સમૃધ્ધ કરવાની તક મોટાભાગના યુવાનો શોધતા હોય છે. પરંતુ આજકાલ યુવાનોની મહત્ત્વાકાંક્ષાનો પણ વેપાર કરવામાં આવે છે. વિદેશની મહત્ત્વાકાંક્ષા સંતોષવાની લ્હાયમાં આ યુવાનો ક્યારે સાયબર સ્લેવ (ગુલામ)બની જાય છે તેની તેમને ખબર પણ નથી પડતી.

યુવાનોને સાયબર સ્લેવ બનાવતું મોટું નેટવર્ક છે. યુવાનો અનેક સપનાં લઇને વિદેશની ધરતી પર ઉતરે છે ત્યારે જોબ શોધવા માટે વિવિધ એજન્ટોના સંપર્કમાં આવે છે. આ એજન્ટો તેમની સાથે ખતરનાક ગેમ રમતા હોય છે. પોતાની ઓળખાણ દેશના શાસકો સાથે હોવાથી નોકરી આસાનીથી મળી શકશે એવા પ્રોમીસ આપીને યુવાનોને ખેંચી લવાય છે. 

એજન્ટો ગુનાખોરીના નેટવર્ક સાથે સંકળાયેલા હોઇ તેમને પણ યુવાનો દીઠ તગડું કમિશન મળતું હોય છે. બિહારની પોલીસે ક્મ્બોડિયા, મ્યાનમાર, થાઇલેન્ડ,વિયેટનામ અને લાઓસમાં ભારતના યુવાનોને સાયબર સ્લેવ બનાવતી ગેંગ સાથે સંકળાયેલા ૧૬૦૦ લોકોની ઉલટ તપાસ શરૂ કરી છે. 

આ ગેંગ યુવાનેાને વિદેશમાં જવાના મોટાં સપના બતાવતી હતી. યુવાનોને તગડા પગારની ઓફર કરવામાં આવતી હતી. વિદેશમાં છ મહિના જોબ કરશો એટલે ગાડી ખરીદી શકાશે. ઘેર નિયમિત પૈસા મોકલાશે, પગારમાં સતત વધારો થયા કરશે , રહેવાની મફત સવલતો અને વિઝાની પ્રોસેસ ફટાફટ કરી અપાય જેવા ગળચટ્ટાં પ્રોમિસ આપીને યુવાનેાને ટ્રેપમાં ફસાવાય છે.હકીકતે બિહારના યુવાનોને આંબળી પીપળી બતાવીને વિદેશ મોકલીઅપાતા હતા અને ત્યાં સાયબર ક્રિમિનલો તેમના પાસપોર્ટ જપ્ત કરીને તેમને ફરજીયાત ઓનલાઇન ફ્રોડ સ્કીમ ચલાવવાનું કહેવાતું હતું.

આ યુવાનોને રહેવાનું મફત હતું પરંતુ તે જેલ સમાન હોય છે. તેમને ખાવાનું મળે છે. ઘેર પૈસા મોકલવાનું પણ મળે છે પરંતુ તે પાછા ફરી શકતા નહોતા કેમકે પાસપોર્ટ લઇ લેવાતો હોય છે. તેમના વિઝા પુરા થઇ જાય તો પણ તેમને છોડવામાં આવતા નહોતા. ત્યાંથી ભાગવું પણ અશક્ય હતું.

અખબારોમાં જ્યારે જાહેરાત આવે ત્યારે તેમાં લખ્યું હોય છે કે કોમ્પ્યુટર આવડે તેમને પહેલી પસંદ. બિહારના નાના શહેરોમાં યુવાનો કોમ્પ્યુટર શીખવા જાય ત્યારે ત્યાં પણ વિદેશ જવાની લાલચ આપતા લોકો પહોંચી જતા હતા. 

કોરોના કાળ અને ત્યાર બાદના સમયમાં યુવાનોને  વિદેશ મોકલતી ગેંગ બહુ સક્રિય જોવા મળી હતી. બીજી તરફ ભારતમાં સાયબર ફ્રોડની સંખ્યામાં પણ સતત વધારો થયો હતો.

માલવેર મોકલવા, ફોન પર ધમકી આપવી, સિસ્ટમ હેક કરવી વગેરે કામો કરવાની પ્રેકટીસ કરાવાતી હતી. જે યુવાનો વિદેશમાં વસસાટ કરવાના સપનાં જોતાં હતા તેમને પુરી રાખવામા આવતા હતા.

ભારત સરકારે કમ્બોડિયાના સત્તાવાળાઓ સાથે રહીને સાયબર સ્લેવરીમાં ફસાયેલા ૭૦૦૦ લોકોને ગુનેગારના ટ્રેપમાંથી બહાર કઢાયા હતા. તેમની પાસે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા કામો કરાવાતા હતા. જો કોઇ કામ કરવાની ના પાડે તો તેને ખાવાનું આપવાનું બંધ કરાતું હતું અને ફટકારવામાં આવતા હતા.

કમ્બોડીયા ખાતેની ભારતીય કોન્સ્યુલેટ સુધી ફરિયાદ પહોંચાડાયા પછી નેટવર્ક પકડવામાં આવ્યું હતું.

આ યુવાનો કમ્બોડીયા કેવી રીતે પહોંચ્યા અને ક્યા એજન્ટો હતા તે નેટવર્કમાં બિહારના ૧૬૦૦ લોકો પકડાયા હતા.