ગુંડાઓને છાવરવાની નીતિના પગલે બળાત્કારીઓ બેફામ
- તૃણમૂલ કોંગ્રેસ પર ગુંડાઓની આળપંપાળનો આરોપ
- પ્રસંગપટ
- 2011માં મુખ્યપ્રધાન મમતા બેનરજી ખુદ પોલીસ સ્ટેશને ગયા અને તોફાનીઓને છોડાવી દીધા હતા
ગામડામાં માનવભક્ષી વાઘ, લોકોને કરડતું હડકાયું કૂતરૃં જેવા પ્રાણીઓની પાછળ ગામના લોકો દોડે છે, તેમને ઘેરી લઇને પતાવી નાખે છે પરંતુ માનવજાતમાં શેતાન બનીને ફરતા બળાત્કારીઓ સામે ત્વરીત કોઇ પગલાં લઇ શકાતા નથી.
છેલ્લા એક દાયકાથી કોલક્તામાં બળાત્કાર જેવા ગુનાઓ કર્યા કરતો ૩૧ વર્ષનો મનોજીત મિશ્રા બિન્દાસ્ત એટલા માટે છે કે તેના પર તૃણમૂલ કોંગ્રેસનું લેબલ મારેલું છે. તે તૃણમૂલ કોંગ્રેસની છાત્ર પરિષદનો નેતા છે. તેના સાથીઓ પણ તૃણમૂલ કોંગ્રસમાં છે.ગઇ ૨૮ જુને કોલેજની એક વિદ્યાર્થીનીને કોલેજના ચોકીદારની ઓરડીમાં ખેંચી જઇને સામુહીક બળાત્કાર કરનારા મોનોજીત શર્માની ધરપકડ દેખાડા પૂરતીજ છે.
તેની ધરપકડ કરાયા પછી કેટલીક યુવતીઓએ મોંઢું ખોલ્યું છે. પોતાના કાર્યકરોને સાચવવા કે તેમના ગોરખધંધા પર ઢાંક પિછોડો કરવાનો ધંધો દરેક રાજકીય પક્ષ કરતો આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ ગુંડાઓની આળ પંપાળ કરતી આવી છે. પ.બંગાળમાંથી ડાબેરી સરકારની વિદાય પછી ડાબેરી પક્ષો સાથે જોડાયેલા ગુંડાઓ અને અસામાજીક તત્વો મમતા બેનરજીની સત્તા સાથે જોડાઇ ગયા હતા. કોઇ પણ ગુંડો રાજકીય પક્ષમાં જોડાય ત્યારે તેની બે શરત હોય છે કે મારા ધંધાને આંચ ના આવવી જોઇએ અને મને પોલીસ હેરાન ના કરવી જોઇએ.
મનોજીત શર્મા અને તેની રેપીસ્ટ ગેંગ વિશે કોલેજના દરેક માહિતગાર હતા. સાઉથની ફિલ્મોમાં જોવા મળતા ખલનાયક જેવા રેપીસ્ટો સત્તાધીશ રાજકીય પક્ષ કે પોલીસ તંત્રના ટેકા સિવાય મનમાની કરી શકે નહીં.
મમતા બેનરજીને ગુંડાતત્વો સાથે ફાવટ આવી ગઇ છે. પ.બંગાળની સરહદ પરના જીલ્લાઓમાં બળાત્કાર સામાન્ય ધટના બની ગઇ છે. નથી કોઇ ફરિયાદ કરતું કે નથી કોઇ ફરિયાદ લેતું. મુખ્ય પ્રધાન મમતા બેનરજી સુધી ફરિયાદ જાય તો ગુંડાઓે બમણા જોરથી ત્રાસ આપવાનું શરૂ કરતા હતા.
મમતા બેનરજી ખુદ ગુંડાઓની આળપંપાળ કરતા હોય એવી એક ધટના અહીં આપી છે. ૨૦૧૧ના નવેમ્બરમાં કેટલાક અસામાજીક તત્વોને છોડાવવા મુખ્ય પ્રધાન મમતા બેનરજી ખુદ પોલીસ સ્ટોશને દોડી ગયા હતા અને પોલીસ અધિકારીઓને તતડાવીને બધાને છોડાવી દીધા હતા.
કોલક્તાના ભોવનીપુર પોલીસ સ્ટોશને કેટલાક તોફાની તૃણમૂલ કોંગ્રસના કાર્યકરોને પકડી લવાયા હતા. આ લોકો રોડ પર ફટાકડા ફોડતા હતા . તેમને વારંવાર ચેતવણી આપવા છતાં પણ ખસતા નહોતા જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે દંડાવાળી કરીને બધાને હટાવ્યા હતા અને પોેલીસની સામે થઇ જનારા કેટલાકને ખેંચીને ભોવનીપુર પોલીસ સ્ટેશને લાવીને બેસાડી દેવાયા હતા.
મુખ્યપ્રધાન મમતા બેનરજીને ખબર પડી કે તેમના કાર્યકરોને પકડી લેવાયા છે. તે ધારત તો મુખ્યપ્રધાન તરીકે ફોન કરીને બધાને મુક્ત કરાવી શકત પરંતુ તે જાતેજ પોલીસ સ્ટેશને ગયા હતા અને ત્યાં હાજર પોલીસ અધિકારીઓને તતડાવ્યા હતા. મુખ્યપ્રધાન પોલીસ સ્ટેશનમાં બેઠા છે તે ખબર પડતાંજ બહાર લોકોના ટોળેટાળાં આવી ગયા હતા. તે દરેક તૃણમૂલ કોંગ્રસના કાર્યકરો હતા.
મમતાએ પોલીસ અધિકારીઓને તતડાવ્યા હતા તે તો ઠીક પણ તેમના પક્ષના કાર્યકરોને પકડનારા પોલીસો પાસે માફી મંગાવી હતી. સિનીયર પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા હતા કે પક્ષના કાર્યકરોને પકડનાર પોલીસો સામે પગલાં લો.
જે લોકોને પકડવામાં આવ્યા હતા તેમને છોડવામાં આવ્યા હતા અને પોલીસની ગાડીમાં તેમને પક્ષની ઓફિસે છોડવા પોલીસો પોતે ગયા હતા. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રસના કાર્યકરોમાંથી પોલીસનો ડર જતો રહ્યો હતો. આજે પણ કોલક્તામાં તૃણમૂલ કોંગ્રસના કાર્યકરને પોલીસ હાથ પણ લગાડી શકતી નથી.
મમતા સામે ચાલીને પોલીસ સ્ટેશને એટલા માટે ગયા કે પોલીસ તંત્રને ખ્યાલ આવેકે તેમના પક્ષના કાર્યકરને પકડવાના નથી. ગુંડાઓને છાવરવાની નિતીના પગલે તો રેપીસ્ટો ઉભા થતા હોય છે. ૨૦૨૪ની શરૂઆતના મહિનાઓમાં સંદેશખલી વિસ્તારમાંથી શ્રણીબધ્ધ બળાત્કારની ફરિયાદો ઉઠી હતી. સમાચાર માધ્યમોેએ બહુ ઉહાપોહ કર્યા હતો પરંતુ પોલીસે તપાસનું પીલ્લું વાળી દીધું હતું.
મનોજીત શર્મા જેવાઓ રાજકીય પીઠબળના જોરે દાદાગીરી કરતા હોય છે. મમતા બેનરજીએ ગુંડાતત્વો સામે કડક પગલાં લેવાની જરૂર છે.