- ઇન્દોરમાં ઝાડા-ઉલટીનો ગંભીર રોગચાળો
- પ્રસંગપટ
- વાસી ખાદ્યસામગ્રી ગરમ કરીને લોકોને પધરાવી દેવામાં આવતી હોવાથી સ્વાસ્થ્ય પર જોખમ
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ, મધ્યપ્રદેશમાં પાણીનું પ્રદૂષણ વગેરે માનવજાત સામે બહુ ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે. પાણીનું પ્રદૂષણ શરીર પર તરતજ અસર કરે છે. હવાના પ્રદૂષણને નાથવા એર પ્યોરીફાયર કે મોંઢે માસ્ક રાખી શકાય છે પરંતુ પાણી કે ખોરાકમાંના પ્રદૂષણની અસર માનવ શરીર પર ત્વરીત થાય છે અને તે અટકાવી શકાતું નથી.
શરીરમાં પ્રવેશતા પ્રદૂષણના ઝેરી પાર્ટિકલનો સામનો શરીરની જીવાણુ પ્રતિકારક શક્તિ કરી શકતી નથી. જેના પગલે ઝાડા-ઉલટી શરૂ થઇ જાય છે. લગ્ન સમારંભો, સખત ગરમીમાં ચાલતા જમણવારો, મધ્યાન્હ ભોજન યોજનામાં જમતા બાળકો વગેરે અનેકવાર ઝાડા-ઉલટીના રોગચાળાની ઝપટમાં આવી જાય છે.
લગ્ન સમારંભોમાંથી એક સાથે ૨૦૦ જેટલા લોકો ઝાડા-ઉલટીની સારવાર માટે આવે ત્યારે દવાખાનાઓનું વહિવટી તંત્ર વહિવટ કરી શકતું નથી.ઝાડા ઉલટીના કેસોની ગંભીરતા સમજવાની જરૂર છે. આરોગ્ય અટકાવી પણ શકાય છે અને તેની સારવાર પણ થઇ શકે છે છતાં વિશ્વમાં દર વર્ષે પાંચ વર્ષની અંદરના ૪ લાખથી વધુ બાળકો મોતને ભેટે છે. પોષણયુક્ત ખોરાકના અભાવ વાળા બાળકો પણ ઝાડા ઉલટીનો શિકાર બનતા હોય છે.
મોટા શહેરોમાં મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર ઝાડા-ઉલટીની દવા ઉપલબ્ધ હોય છે પરંતુ દુર ગામડાઓમાં કોઇ સવલતો હોતી નથી. એકાદ લૂઝ મોશન ગમે તેવા પહેલવાનને પણ ઢીલો ઢફ બનાવી દે છે.
ઝાડા ઉલટી બહુ ખતરનાક હોય છે તેમાં અસરગ્રસ્તના પેટમાં ખોરાક કે પાણી ટકતાં નથી હોતા. મધ્યપ્રદેશમાં ઝાડા ઉલટીના કેસો બેકાબુ છે. પ્રદૂષિત પાણીનો લોકો ભોગ બન્યા છે. લેબેારેટરી ટેસ્ટ પરથી જણાય છે કે ઝાડા-ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ઇન્દોરની હોેસ્પિટલોમાં ૧૪૦૦ લોકો સારવાર લઇ રહ્યા છે જ્યારે ત્રણે લોકોના મોત થયા છે. ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન લીકેજ થયા બાદ તેમાં પ્રદૂષિત પાણી મીક્સ થયા બાદ લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા હતા.
દેશ આઝાદ થયો ત્યારથી આરોગ્ય અને ગંદકીની સમસ્યા ભારતને જળોની જેમ વળગેલી છે. પ્રદૂષિત હવા, પ્રદૂષિત પાણી, આરોગ્ય સારવારના ધાંધીયા વગેરે કાયમી સ્તરે જોવા મળી રહ્યું છે. ખુલ્લો ખોરાક અને સત્તવાળાઓના આંખ મીચામણાના કારણે અનેક લોકો ઝાડા ઉલટીના ભોગ બની રહ્યા છે. ખુલ્લા ખોરાક પર ફરતી જીવાત અને માખીના કારણે ખોરાક પર વત્તી ઓછી ગંદકી ફેલાય છે.
આપણે ત્યાં સરકાર સ્વચ્છતાના અનેક પ્રયોગો કરાયા છે, તેને અમલી બનાવવા પ્રયાસ કરે છે પરંતુ તેના સતત અમલીકરણ પર કોઇ ધ્યાન નથી આપતું. સ્વચ્છ ભારત માટેની ઝુંબેશ પણ આવા જ એક પ્રયાસનું નામ છે.
પ્રદૂષણની અસર વાળું પાણી ઘણીવાર ઝેર બની શકે છે. હવામાં પ્રદૂષણ અને ખોરાકી ઝેર અસરગ્રસ્ત પાણી જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે મળાશય પરનો અંકુશ ગુમાવી દે છે. મળાશયના આંતરડા નબળા પડતાંજ મળાશયમાં રહેલા સ્ટૂલ (મળ) પરની પકડ ઢીલી પડી જાય છે.
લોકો પણ બેજવાબદાર ભરી રીતે વર્તે છે. ખુલ્લા રાખેલા વાસણોમાં રહેલો ખોરાક અને બે-ચાર દિવસની વાસી ચટની લોકો ચાટી ચાટીને ખાતા જોવા મળે છે. વેચનાર દુકાનદાર કે રેંકડી વાળો વાસી માલ ગરમ કરીને વેચવાનો ધંધો કરતા હોય છે. લોકો જાણે છે કે ખુલ્લો રાખેલો ખોરાક ખાવો નહીં પરંતુ કોઇ પોતાની જાત માટે અને પોતાના સ્વસ્થ આરોગ્ય માટે પણ સાચી સલાહનું અનુકરણ કરવા તૈયાર નથી હોતા.
ખુલ્લો ખારાક વેચનારા અને તેમની તપાસ માટે આવતા ઇન્સપેક્ટરો વચ્ચેની સાંઠગાંઠના કારણે બહાર વેચાતો મોટા ભાગનો ખુલ્લો ખોરાક જોખમી હોય છે. લોકો જાણે છે પણ તેમનો સ્વાદનો ચટાકો તેમને લલચાવતો હોય છે. જોકે, હવે તો બહારનો ખોરાક લેવાનું કાયમી બની ગયું હોય એમ લાગી રહ્યું છે.
ઝાડા ઉલટીનું જોખમ માનવ સર્જીત છે. પાણીની લાઇનો પર નજર રાખવી એ સત્તાવાળાનું કામ છે જ્યારે ખુલ્લો ખોરાક ખાવો એ વ્યક્તિગત જાગૃતિ સાથે વણાયેલી જવાબદારી છે. જાગૃત લોકો પ્રવાસ દરમ્યાન ઝાડાની અસર ઓછી કરવા કાચા પૌંઆ સાથે રાખે છે જેથી જરૂર પડે તેનો ફાકો મારી શકાય.


