Get The App

11,344 સિલ્ક સાડી, 750 જોડી સેન્ડલ જયલલિતા વિલ બનાવતાં ચૂકી ગયાં

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
11,344 સિલ્ક સાડી, 750 જોડી  સેન્ડલ જયલલિતા વિલ બનાવતાં ચૂકી ગયાં 1 - image

- 113.72 કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નથી

- પ્રસંગપટ

- અવિશ્વાસના દરખાસ્ત પછી થયેલા મતદાનમાં વાજપેઇ સરકાર માત્ર એક વોટથી હારી ગઈ હતી, તે એક વોટ જયલલિતાનો હતો

એક સમયે જે રાજકારણમાં  કિંગમેકર કહેવાતાં હતાં તે તમિળનાડુનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનો બંગલો હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દીધો છે. તેમના નિવાસનો ૧.૬૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો અને વારંવાર અપાયેલી નોટીસનો કોઇ જવાબ નહોતો મળ્યો.

જયલલિતા ભારતના રાજકારણમાં કાયમ માટે યાદ એેટલા માટે રહેશે કે તેમના એક વોટના કારણે અટલ બિહારી વાજપેઇના નેતૃત્વવાળી એનડીએ સરકાર ઉથલી પડી હતી. ૧૭ એપ્રિલ ૧૯૯૯ના રોજ વાજપેઇ સરકાર અવિશ્વાસની દરખાસ્ત સમયે મતદાન થયેલું ત્યારે વાજપેઇ સરકારને ૨૬૯ વોટ મળ્યા હતા, જ્યારે વિપક્ષને ૨૭૦ વોટ મળ્યા હતા. જે એક વોટથી વાજપેઇ સરકાર હારી તે  જયલલિતાનો હતો. તેઓ એનડીએનાં સાથી પક્ષના વડાં હતાં, પરંતુ છેલ્લે તેઓ ગુલાંટ મારીને વિપક્ષ સાથે બેસી ગયા હતાં.

છ વાર તમિળનાડુના મુખ્ય પ્રધાન બનેલાં જયલલિતા રાજકીય ક્ષેત્રે બાહોશ પુરવાર થયાં હતાં, પરંતુ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિનું વિલ કરવાનું તેઓ ચૂકી ગયાં હતાં. તેમના નજીકના કોઇ વારસદાર તો નહોતા જ, પરંતુ દૂરના વારસદારો પણ શોધવા પડે એમ છે. જે બંગલાને સીલ મરાયું છે તે હૈદરાબાદની લગડી કહી શકાય તેવો વિસ્તાર છે. આ સંપત્તિ અવાવરૂ પડી રહી હતી. તેનું કોઇ ધ્યાન રાખતું નહોતું. તેથી જ તેનો પ્રોપર્ટી ટેક્સ વધીને ૧.૬૦ કરોડ સુધી પહોંચી ગયો હતો. 

કાયદાના નિષ્ણાતો જણાવે છે કે જ્યારે વિલ ના હોય ત્યારે  સૌથી પહેલાં પુત્રો, પુત્રીઓ કે પતિ યા પત્નીને દાવેદાર ગણવામાં આવે છે. તે પણ ના હોય તો પતિના સંબંધીઓને વારસદાર ગણી શકાય છે. તે ના હોય તો માતા-પિતા આવે છે. પહેલાં પિતા તરફના સંબંધીઓ આવે છે, પછી માતા તરફના સંબંધીઓ. 

કોર્ટ કેસ દરમ્યાન જયલલિતાએ સંપત્તિ જાહેર કરી હતી ત્યારે તેનું કદ ૧૧૩.૭૨ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. તેમાં અચલ સંપત્તિમાં વેદ નિલયમ બંગલાનો સમાવેશ થાય છે, જે  ૨૪,૦૦૦ સ્કેવરફૂટમાં પથરાયેલો છે અને તેનો બિલ્ટ અપ એરિયા ૨૧,૬૬૨ સ્કેવર ફૂટ છે. 

એફિડેવીટ અનુસાર બંગલાની કિંમત ૪૩.૯૬ કરોડ આંકવામાં આવી છે. ૧૯૬૭માં તેમણે માતા સાથે રહીને ૧.૩૨ લાખની સંપત્તિ ખરીદી હતી. તેલંગણામા રંગા રેડ્ડી જીલ્લાના છય્યુર ગામમાં ૩.૪૩ એકર જમીન છે, જ્યારે જેડીમેટલ ગામમાં  ૧૪.૫૦ એકર જમીન છે, જેની હાલની માર્કેટ વેલ્યૂ ૧૪.૭૮ કરોડ થવા જાય છે. તેમની માતા સાથે ખરીદેલી જમીનના પણ કોઇ વારસદાર નથી. આ ઉપરાંત તેમણે જાહેર કરેલી અન્ય સંપત્તિમાં ચેન્નાઇમાં તેમની  ત્રણ અને હૈદરાબાદમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની માર્કેટ વેલ્યૂ ૧૩.૩૪ કરોડ થવા જાય છે.

જયલલિતાએ પોતાની પાસે ૪૧,૦૦૦ રૂપિયા રોકડ અને ૧૦.૬૩ કરોડની બેંક ડિપોઝીટ બતાવી હતી. આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે  તેમની ૨.૪૭ કરોડની ડિપોઝીટ ફ્રીઝ કરી હતી. આ જ કેસમાં જયલલિતા પાસેથી જપ્ત કરવામાં આવેલું ૧,૨૫૦ કિલો ચાંદી અને ૨૧.૨૮ કિલો સોનું કર્ણાટક સરકારની ટ્રેઝરીમાં જમા પડયું છે.

જયલલિતાએ પાંચ કંપનીઓમાં તેમણે ભાગીદાર તરીકે ૨૭.૪૪ કરોડનું રોકાણ પણ કર્યું હતું. તેમની પાસે ગાડીઓની લંગાર હતી - બે ટોયેટો કાર, એક ટેમ્પો ટ્રાવેલર, એક સ્વરાજ મઝદા મેક્સી, ૧૯૮૦ની  એમ્બેસેડર, ૧૯૯૦ની બનાવટની કોન્ટેસા, વગેરે. 

૧૯૯૬-૯૭માં જ્યારે તેમને ત્યાં વધુ પડતી સંપત્તિના કેસમાં દરોડા પડયા ત્યારે તેમના કબાટમાંથી ૧૧,૩૪૪ સિલ્કની સાડી, ૭૫૦ જોડી સેન્ડલ, ૨૫૦ શાલ, ૪૪ એરકન્ડીશનર, ૯૧ કાંડા ઘડિયાળ, ૮૬ પંખા ઇત્યાદિ મળી આવ્યાં હતાં. આ ચીજો સરકારે જપ્ત કરેલી છે. 

જયલલિતાની પોતાના પક્ષ પર  અદ્ભૂત પકડ હતી. તેમના અવસાન પછી પક્ષ નબળો પડી ગયો હતો અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી ડીએમકેની સત્તા આવી ગઇ હતી. 

અહીં ઉલ્લેખનીય છેકે અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ જેવાઓ પણ વિલ બનાવવાનું ચૂકી ગયા હતા. જોકે જયલલિતા જેવી અબજોની સંપત્તિ તેમની પાસે નહોતી.