Get The App

નક્સલવાદીઓના મનમાં નફરતનાં બીજ રોપનારાની તપાસ જરૂરી છે

Updated: Apr 2nd, 2025

GS TEAM

Google News
Google News
નક્સલવાદીઓના મનમાં નફરતનાં બીજ રોપનારાની તપાસ જરૂરી છે 1 - image

- પ્રસંગપટ

- નક્સલવાદનો અંત હવે નજીકમાં જ છે 

- નક્સલવાદીઓને શસ્ત્રો કોણ પૂરાં પાડે છે અને કોણ તેમને તાલીમ આપે છે તે હજુ સુધી જાણી શકાયું નથી

છત્તીસગઢનાં જંગલોમાં છુપાયેલા નક્સલવાદીઓ જેવા બહાર આવવા જાય છે કે સલામતી દળોની ગોળીઓનો ભોગ બને છે. જેના માથે ૨૫ લાખનું ઇનામ હતું એવા જગદીશ નામના એક નક્સલ સહીત ૧૮ નક્સલવાદીઓ તાજેતરમાં ઠાર મરાયા છે.  આ ૧૮ નક્સલવાદીઓમાં ૧૧ તો મહિલાઓ હતી.  નક્સલવાદીઓના છૂપા અડ્ડાઓમાં રસોઈ વગરે કામકાજ માટે મહિલાઓને ભરતી કરવામાં આવે છે. આ મહિલાઓને પછી આર્મીનો પોશાક પહેરાવીને દેશના જવાનો પર ગોળીઓ છોડવાનું પણ શીખવવામાં આવે છે. 

 નક્સલવાદીઓને શસ્ત્રો કોણ પૂરા પાડે છે અને તેમને તાલીમ કોણ આપે છે તેના જવાબ સલામતી દળો સંભવતઃ હજુ સુધી શોધી શક્યા નથી. જ્યારે પણ સલામતી દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણો થાય છે ત્યારે શસ્ત્રોનો જંગી જથ્થો મળી આવતો હોય છે. સામાન્ય હાથબોંબ કે એકે-૪૭ જેવાં અસ્ત્રોશસ્ત્રોની હેરફેર હજુય ચોરીછૂપીથી થઈ શકે છે, પણ રોકેટ લોન્ચર્સ કઈ રીતે એમના સુધી પહોંચી જાય છે તે મહાપ્રશ્ન છે. 

એક નહીં, પણ સાત-સાત રોકેટ લોન્ચર્સ જંગલો સુધી કોણ લાવ્યું, કોણ તેને જંગલોની સરહદ પરથી નક્સલીઓના અડ્ડા સુધી લઇ ગયું વગેરે બાતમી મળતી નથી. આ ગેંગ સાથે સંકળાયેલા લોકો મોંમાં મગ ભરીને બેઠા હોય છે. અગાઉ સલામતી દળોની કોબ્રા ટુકડીના જવાનો સાથે અથડામણ થઇ ત્યારે યુદ્ધ દરમિયાન સરહદે વપરાતાં હોય એવા શસ્ત્રોનો ઉપયોગ નક્સલવાદીઓએ કર્યો હતો. બીજીએલ તરીકે ઓળખાતા બેરલ આકારના ડઝનબંધ બોંબ સલામતી દળો પર છોડવામાં આવ્યા હતા. છત્તીસગઢના સુકામા અને બીજાપુર જીલ્લાના આંતરિયાળ વિસ્તારો અટલે કે રાયપુરથી દક્ષિણમાં ૪૫૦ કિલોમીટર અંદર બસ્તર ક્ષેત્રમાં આ અથડામણ થઇ હતી.

નક્સલવાદીઓ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ કરીને બોંબ છોડશે એવું તો સલામતી દળોએ વિચાર્યું પણ નહોતું.  એફઓબી તરીકે ઓળખાતા ફોરવર્ડ ઓપરેટીંગ બેઝીસ પરના જવાનોે કહ્યું હતું કે નક્સલવાદીઓ પાસે શસ્ત્રો ખલાસ થઈ ગયા ત્યારે જંગલોના બંકર્સમાં છુપાઇ ગયા હતા. તેઓ જે સ્થળેથી બોંબમારો કરતા હતા ત્યાંથી રોકેટ લોન્ચર્સ મળી આવ્યાં હતાં. લશ્કરના જવાનો માટે આ બહુ ગંભીર બાબત હતી. પકડાયેલા  નક્સલવાદીઓ પાસેથી રોકેટ લોન્ચર્સ ક્યાંથી લાવ્યાં અને તે ઓપરેટ કરતાં કોણે શીખવ્યું તે જાણી શકાયું નહોતું. તેનું કારણ એ હતું કે રોકેટ લોન્ચર્સ હસ્તગત કરતી અને તેને ઓપરેટ કરવાનું શીખવતી ગેન્ગ જુદી હતી. 

દેખીતું છે કે આ રોકેટ લોન્ચર્સ  નક્સલવાદીઓ પૈસા આપીને ખરીદતા ન હોય. દેશવિરોધી  તાકતો તેમને  સલામતી દળો સામે લડવા માટે રોકેટ લોન્ચર્સ મફતમાં પૂરા પાડે છે અને તેને ઓપરેટ કરવાની ટ્રેનિંગ પણ આપે છે. રાજકીય પીઠબળ વગર આ ગતિવિધિ આકાર લે તે સંભવ નથી.  

સરકારનું લક્ષ્ય ૨૦૨૬ સુધીમાં નક્સલવાદનો સફાયો કરવાનું છે. સલામતી દળોને છૂટો દોર આપાયો છે. નક્સલવાદીઓને શરણે આવવા ઓફર કરાઇ છે. તેમને જંગલમાં રહેવું હોય તો રહી શકે છે, પરંતુ તેમણે સ્થાનિક ગ્રામ્યલોકોને રંઝાડવાનું બંધ કરવું પડશે. નક્સલવાદીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળશે તો દેશદ્રોહીઓની ચુંગાલમાંથી બચી શકશે.

પોતાના જ દેશના જવાનો પર ગોળીઓ છોડવાની તેમની હિંમત જોઇને સહેજે સવાલ થાય કે આ નક્સલીઓના આટલી નફરત ક્યાંથી આવતી હશે. ખરેખર, આ નફરતનાં બીજ રોપનારાની તપાસ થવી જોઇએ. છત્તીસગઢના જંગલોમાં કામ કરતી નક્સલવાદીઓની ગેંગ ધીમે ધીમે ખતમ થઇ રહી છે. તેમના સાથીઓ કાં તો ફૂંકાઇ મર્યા છે અથવા તો જંગલોમાં ઊંડે ભાગી ગયા છે.

સલામતી દળોએ ભીંસ વધારી છે અને તેઓ જંગલોમાં વધુ ને વધુ  ઊંડે જતા થયા છે.  નક્સલવાદીઓનો શસ્ત્રોનો જથ્થો ખલાસ થઇ ગયો છે. તેમને મળતી મદદો બંધ થઇ ગઇ છે. નક્સલવાદનો અંત હવે નજીકમાં દેખાય છે. દેશની આંતરિક શાંતિને ડામાડોળ કરવા માગતાં તત્ત્વોની કેન્દ્ર સરકારે કમર તોડી નાખવી જોઇએ.