- સ્વૈચ્છિક નિવૃત્તિ અને બાયઆઉટને મા-માસી જેવો સંબંધ
- પ્રસંગપટ
- માઇક્રોસોફ્ટ કંપની એક તરફ ડેટા સેન્ટર્સ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે, તો બીજી બીજું સ્ટાફને ઓછો કરી રહી છે
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે બહુ જાણીતી એવી કંપની માઈક્રોસોફ્ટે તેના સ્ટાફના બાયઆઉટની જાહેરાત કરી હોવાથી આશ્ચર્ય સર્જાયું છે. લોકો શેરબજારની બાયબેક સિસ્ટમ વિશે જાણે છે, પરંતુ સ્ટાફના બાયઆઉટની વાત પ્રમાણમાં ઓછી જાણીતી છે. માઇક્રોસોફ્ટ તેના કર્મચારીઓને બાયઆઉટ (Buyout) ઓફર કરી રહ્યું છે. આપણે જેને સ્વૈચ્છીક નિવૃત્તિ કહીએ છીએ તેને અને બાયઆઉટને મા-માસી જેવો સંબંધ છે.
સામાન્યપણે બાયઆઉટ એટલે એક એવો વ્યવહાર જેમાં એક પક્ષ બીજી કંપનીમાં નિયંત્રિત હિસ્સો અથવા માલિકી હસ્તગત કરે છે. જોકે, માઈક્રોસોફ્ટને લગતા તાજેતરના સમાચારોના સંદર્ભમાં, બાયઆઉટનો અર્થ કર્મચારીઓ માટેની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના છે. આ એક એવું નાણાકીય પેકેજ છે જે સ્ટાફને સ્વેચ્છાએ કંપની છોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આખું ટેક જગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉછાળાને કારણે આવતા મોટા ફેરફારો સામે ઝઝૂમી રહ્યું છે અને હકાલપટ્ટીનો માર ઝીલી રહ્યું છે. દુનિયામાં જ્યારે છટણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે માઇક્રોસોફ્ટે થોડો અલગ અભિગમ અપનાવ્યો છે. માઈક્રોસોફ્ટ તેના કેટલાક અમેરિકન કર્મચારીઓને બાયઆઉટ ઓફર કરશે. ૫૧ વર્ષ જૂની આ દિગ્ગજ કંપની માટે આ પ્રથમ ઘટના છે.
એક અહેવાલ મુજબ, માઇંક્રોસોફ્ટના અમેરિકા ખાતેના કુલ કર્મચારીઓમાંથી લગભગ ૭% કર્મચારીઓ બાયઆઉટ માટે પાત્રતા ધરાવે છે. ગુરુવારે એક મેમોમાં જાહેર કરાયેલ આ વન-ટાઇમ રિટાયરમેન્ટ પ્રોગ્રામ છે, જે સીનિયર ડિરેક્ટર અને તેનાથી નીચેના લેવલ પર કામ કરતા અમેરિકન કર્મચારીઓને લાગુ પડશે. જેમની નોકરીના વર્ષો અને ઉંમરનો સરવાળો ૭૦ કે તેથી વધુ થાય છે, તેવા કર્મચારીઓ તેનો લાભ લઇ શકશે.
એમ્પ્લોયી બાયઆઉટ એટલે કંપની દ્વારા આપવામાં આવેલી સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો એક વિકલ્પ, જ્યાં કામદારોને તેમની નોકરી છોડવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. લેઓફ (છટણી)થી આ વિપરીત સ્થિતિ છે. લેઓફમાં કર્મચારીઓને જવાનું કહેવામાં આવે છે, જ્યારે બાયઆઉટ કર્મચારીઓને પસંદગીની તક આપે છે. બાયઆઉટની ઓફર સ્વીકારનાર કર્મચારીને એકસાથે સારી એવી રકમની ચુકવણી થશે, કંપની તરફથી અપાતા વિવિધ લાભો પણ મળશે. જે કર્મચારીઓ બાયઆઉટના નેજા હેછળ આવે છે તેમને ૭ મેના રોજ વિગતો પ્રાપ્ત થઈ જશે.
વહેલી નિવૃત્તિના વિશે આમેય વિચારી રહેલા કર્મચારીઓ માટે આ એક આસાન અને આકર્ષક સ્કીમ છે.
દેખીતી રીતે જ આ સ્ટાફ ઘટાડવાનો પ્રયાસ છે. બાયઆઉટનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કંપનીઓ છટણીનો આશરો લીધા વિના ખર્ચ ઘટાડવા અને નવી ટીમ ઉભી કરવા માંગતી હોય.
સામાન્ય રીતે વ્યવસાયમાં મંદી હોય, અન્ય ઉદ્યોગ પર શિફ્ટ થવું હોય, કંપની નવેસરથી માળખું તૈયાર કરાતું હોય ત્યારે બાયઆઉટની જરૂર પડે છે. માઈક્રોસોફ્ટના કિસ્સામાં, આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ટેક ઉદ્યોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે.
માઇક્રોસોફ્ટ કંપની ડેટા સેન્ટર્સ અને છૈં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે, જેના કારણે તે સ્ટાફને ઓછો કરી રહી છે. ૨૦૨૫ સુધીમાં માઈક્રોસોફ્ટ પાસે લગભગ ૨૨૮,૦૦૦ કર્મચારીઓ હતા, જેમાં અંદાજે ૧૨૫,૦૦૦ અમેરિકામાં હતા. કંપની તાજેતરના વર્ષોમાં પહેલેથી જ છટણીના અનેક રાઉન્ડમાંથી પસાર થઈ ચુકી છે.
બાયઆઉટ પ્રોગ્રામ હેઠળના ફેરફારો કંપનીનો નવો અભિગમ સૂચવે છે. એઆઈનો ઉદય માત્ર પ્રોડક્ટ્સ જ નથી બદલી રહ્યો, તે નોકરીઓ પણ બદલી રહ્યો છે.
જેમ જેમ કંપનીઓ ઓટોમેશન અને નવી ટેકનોલોજીમાં વધુ રોકાણ કરે છે, તેમ તેમ ભૂમિકાઓ બદલાતી જાય છે. અચાનક નોકરીમાં કાપ મૂક્યા વિના મોટા ફેરફારને મેનેજ કરવા માટે બાયઆઉટ એક સ્વીકાર્ય માર્ગ બની રહ્યો છે.


