- ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને વિઝામાં પરિવર્તન
- પ્રસંગપટ
- ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથેનું ટ્રેડ ડીલ લગભગ નક્કી થઇ જશે
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને આજે ૧૦૧ દિવસ પૂરા થયા છે. શપથ વિધિ સાથે જ ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર ઉગામીને દુનિયાભરના દેશોના બિઝનેસ વર્તુળોની ઊંઘ હરામ કરી નાખી હતી, જેમાં ભારતનો સમાવેશ પણ થઈ ગયો. ટેરિફ અને રેસિપ્રોકલ ટેરિફના અહેવાલોએ બિઝનેસ ક્ષેત્રને આર્થિક ફટકાની ગણત્રી કરતા કરી દીધા હતા. ભારતના વડાપ્રધાનને 'માય ફ્રેન્ડ મોદી' કહીને સંબોધતા ટ્રમ્પને ભારત પર ટેરિફનું શસ્ત્ર છોડવામાં કશો સંકોચ નડયો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેની વોરનો અંત લાવવાના પ્રયાસના એક ભાગ રૂપે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાં મીડિયાની સામે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ વાટાઘાટનો ફિયાસ્કો થઈ ગયો અને દુનિયાભરમાં ઘજાગરા થયા હતા. ટ્રમ્પની અદા પોતે જાણે વિશ્વના સુપ્રીમો હોય એવી હતી, પણ ઝેલેન્સકીએ સામે બાંયો ચઢાવી હતી. ટેરિફના મુદ્દા કરતાંય ઝેલેન્સ્કીની અનપેક્ષિત પ્રતિક્રિયા ટ્રમ્પ માટે વધારે આઘાતજનક હતી. રશિયાની તુલનામાં નબળા મનાતા યુક્રેનના ઝેલેન્સ્કીએ ટ્રમ્પનું માન રાખવાના બદલે તેમની સામે જવાબો આપ્યા હતા. હતાશ ટ્રમ્પે ઝેલેન્સ્કીને બહાર જવાનો રસ્તો બતાવી દીધો હતો.
ટ્રમ્પના ૧૦૦ દિવસના શાસનના ઉજવણી ગઇ કાલે ગુરૂવારે કરવામાં આવી ત્યારે તેમણે ટેરિફ અને ઇમિગ્રેશન બાબતે એમણે લીધેલાં પગલાંની પ્રશંસા થઈ હતી. ૨૯ એપ્રિલે યોજાયેલી આ સભામાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. મેક્સિકો બોર્ડર સીલ કરીને ત્યાંના લગભગ આખેઆખા સિક્યોરિટી સ્ટાફને બદલીને ત્યાંથી ઘૂસતા લોકો પર બ્રેક મારવાનું ઐતિહાસિક પગલું ડોનાલ્ડ ટ્રમ્પે ભર્યું હતું.
મેક્સિકો સરહદે સાત માઇલની દીવાલ ઊભી કરવા વિશેષ બજેટ પણ ટ્રમ્પે પાસ કરાવ્યું હતું. વેનેઝુએલાથી આવેલા લોકોને પરત ધકેલવાના કાયદામાં પણ સુધારો કરાયો હતો. વેનેઝુએલાના ૧૩૭ લોકોને કોઇ પણ આરોપ વગર પકડી લેવાયા ત્યારે સુપ્રીમ કોર્ટ તેમને પહેલાં નોટીસ આપે પછી પકડો એવો ચુકાદો આપ્યો હતો.
ટ્રમ્પે અમેરિકાના વહિવટી તંત્રમાં ચાલતી ગોબાચારી અટકાવવાનું અને કાર્યક્ષમતાનો અભાવ સુધારવાનું કામ ઇલોન મસ્કને સોપ્યુ ંહતું. ઇલોન મસ્કે કાર્યક્ષમ ન હોય તેવા અથવા જરુર કરતાં વધારે હોય તેવા સ્ટાફની હકાલપટ્ટી ચાર્જ સંભાળતાંની સાથે જ શરૂ કરી દીધી હતી.
એક તરફ ટેરિફ અને બીજી તરફ ઇમિગ્રેશનના મુદ્દે કડક પગલાં ભરીને ટ્રમ્પે ત્યાં વસતા અથવા ભણતા ભારતીયોમાં ટેન્શન ઊભું કર્યું હતું. જોકે વહિવટી તંત્રનાં અનેક પગલાંને કોર્ટમાં પડકારાયાં હતાં. જેમ કે, અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણતા અસંખ્ય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના ખ-૧ વિઝાને રદ કરવામાં આવ્યા હતા, પણ ખૂબ બધા કોર્ટ કેસ અને રિસ્ટ્રેનિંગ ઓર્ડર બાદ સરકારે પારોઠનાં પગલાં ભર્યાં હતાં અને આ રીતે ઇન્ટરનેશન સ્ટુડન્ટ્સના ભવિષ્ય પર લટકી રહેલી તલવાર મ્યાન થઈ થઈ હતી.
ટ્રમ્પના ૧૦૦ દિવસ ભારતીય વિદ્યાર્થીઓ માટે કપરા પૂરવાર થયા છે. મેરીટ આધારિત ઇમિગે્રશન સિસ્ટમ ચોક્કસ બની શકી નહોતી એટલે વિદ્યાર્થીઓ રાહ જોઇને બેઠા છે. વિઝાની ચકાસણી વધુ કડક બનાવાઇ હતી. જે ધનિક વિદેશીઓ પાંચ મિલિયન ડોલર ખર્ચી શકે તેમને અમેરિકામાં પરમેનન્ટ રેસિડન્સી અને સંભવતઃ સિટીઝનશિપ આપવાની નવી ગોલ્ડ કાર્ડ નવી સ્કીમ પણ મુકવામાં આવી હતી. ઈમ્-૫ની જગ્યાએ ગોલ્ડ કાર્ડે સ્થાન લીધું હતું.
ભારત પરની ટેરિફને છ મહિના પાછી ધકેલીને ટ્રમ્પે ભારતના બિઝનેસ ક્ષેત્રને રાહત કરી આપી છે. ૧૦૦ દિવસ દરમ્યાન અમેરિકામાં પણ ટ્રમ્પનો વિરોધ જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયે હજારો લોકોએ ટ્રમ્પ અને ઇલોન મસ્કનો વિરોધ કરતાં પોસ્ટરો સાથે રેલી કાઢી હતી.
ટ્રમ્પના ૧૦૦ દિવસના શાસનમાં શરૂઆતનો જે જુસ્સો હતો તે અંતિમ દિવસોમાં ઠંડો પડતો દેખાયો હતો. ગઇ કાલના અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથેનું ટ્રેડ ડીલ લગભગ નક્કી થઇ જશે, તેના કારણે ભારતના ઉદ્યોગો માટે અનેક નવી તકો ઊભી થશે. આમ, ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના ૧૦૧ દિવસ દરમિયાન આક્રમકતાથી સમાધાનકારી વલણ સુધી વલણો જોઈ શકાયાં છે.


