mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

40 વર્ષ પહેલાંનો ખાલિસ્તાની વાઇરસ ફરી માથું ઉંચકી રહ્યો છે

Updated: Mar 2nd, 2023

40 વર્ષ પહેલાંનો ખાલિસ્તાની વાઇરસ ફરી માથું ઉંચકી રહ્યો છે 1 - image


- ઓપરેશન બ્લ્યૂ સ્ટારના પડઘા આજેય સંભળાય છે

- પ્રસંગપટ

- ભાગલાવાદી તત્ત્વો અનુકુળ વાતાવરણ મળતાં જ ફરી જીવિત થાય છે : પંજાબમાં પુનઃ હિંસાચાર

ત્રાસવાદ,નક્સલવાદ, કોમવાદ વગેરેના વાઇરસ સમાજ જીવનમાં સુષુપ્ત અવસ્થામાં પડયા હોય છે. તેમને ફેવરેબલ વાતાવરણ ઊભું થાય અથવા એવું વાતાવરણ ઊભું કરવામાં આવે  તો આવા વાઇરસ ફરી જીવિત થાય છે અને તે પોતાના ગંદા હાથ સમાજ તરફ લંબાવે છે. પંજાબમાં ખાલિસ્તાનવાદ એવો વાઇરસ છે કે જેને દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૪૦ વર્ષ પહેલાં સફાયો કરી નાખ્યો હતો. આ વાઇરસ તેને ફેવરેબલ વાતાવરણ મળતાંજ ફરી માથું ઉંચકી રહ્યો છે. ચાર દાયકા પહેલાં ં ઇન્દિરા ગાંધીએ બોલ્ડ નિર્ણય લઇને ખાલિસ્તાનવાદી નેતા ભીંદરાણવાલે અને તેમના સાથીએાને એવો સબક શીખવાડયો હતો કે ખાલિસ્તાની વિચાર ફરી માથું ના ઉંચકે... પરંતુ ભારતના રાજકારણમાં રાજકીય સત્તાની લાલસા અનેક વાર આડું વેતરતી હોય છે. 

પંજાબમાં હાલ આમઆદમી પાર્ટીનું શાસન છે અને ત્યાં જાહેરમાં તલવારો વીંઝતા લોકોને પોલીસ ચોકી પર કબજો જમાવતાં જોઇને ફરી ૪૦ વર્ષ જુની યાદો તાજી થઇ છે. આવા કિસ્સાઓમાં 'નેશન ફર્સ્ટ'વાળી થિયરીનું બાષ્પીભવન થઇ જતું હોય છે. 

ભીંદરાણવાલે મરાયો ત્યારનો સમય અહીં યાદ કરવા જેવો છે. ઇન્દિરા ગાંધીએ જે રીતે ત્રાસવાદનો ખાત્મો કર્યો તે ઘટનાક્રમને પુનઃ પ્રકાશમાં લાવવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીનું આ એક એવું બોલ્ડ સ્ટેપ હતું કે તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ઓપરેશન બ્લ્યૂ સ્ટારે આખા દેશનું જ નહીં, દુનિયાનું ધ્યાન પણ ખેંચ્યું હતું. 

બીજી જૂન, ૧૯૮૪ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇન્દિરા ગાંધીએ ખાસ કરીને પંજાબના લોકોને શાંતિ રાખવાનું અને પંજાબના દરેક વર્ગના લોકોને સાથે રાખીને ચાલવાનું એલાન કર્યુ હતું. ચાર જ દિવસ પછી, ૬ જુનેે એક ૩૭ વર્ષના શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. તે મૃતદેહ જરનૈલસિંહ ભિંદરાણવાલેનો હતો. લશ્કરી  ઓપરેશનમાં ભિંદરાણવાલેના ૧૫૦૦થી ૨૦૦૦ લોકો માર્યા ગયા હતા. પવિત્ર સુવર્ણ મંદિર અને અતિ પવિત્ર એવા અકાલ તખ્તમાં ઘૂસેલા ભિદંરાણવાલેના સાથીઓને બહાર ખેંચી લાવવા ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લ્યૂ સ્ટાર અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. આ ઓપરેશનની ગૂંજ પંજાબમાં આજેય ગૂંજી રહી છે. 

પંજાબના મોગા જીલ્લાના એક નાના ગામમાં ભિંદરાણવાલેનો જન્મ થયો હતો. પહેલાં તે શીખ ધર્મનો પ્રચાર કરતો હતો. તેનાં બે સંતાનો હતાં. ઘરબાર છોડીને તે ધર્મના પ્રચાર માટે નીકળી ગયો હતો અને જોતજોતામાં દમદમી તક્સાલનો વડો બની ગયો હતો. શીખોને તે સામનો કરવા અને પોતાની સાથે જોડાવા ઇજન આપતો હતો. શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિનો કબજો મેળવવા ભિંદરાણવાલેેએ કરેલા પ્રયાસને કેંાગ્રેસે પણ ટેકે આપ્યા હતો. પડદા પાછળ ચાલતી  વાત એવી પણ છે કે જ્ઞાાની ઝૈલ સિંહ અને સંજય ગાંધી પંજાબમાં શિરોમણી અકાલી દળ સામે કોઇ યુવા શીખ નેતાને તૈયાર કરવા માંગતા હતા. તેમની નજર ત્યારે ભિંદરાણવાલે પર પડી હતી. તેમણે ભિંદરાણવાલેને ટેકો આપીને શીખ સમાજમાં તેમનું માન વધાર્યું હતું. જોકે પછી ભીંદરાણવાલે કોંગ્રસના કાબુમાં રહેતો નહોતો. 

૧૯૭૮ની એપ્રિલમાં નિરંકારીઓનું સંમેલન હતું, તો બીજી તરફ ભિંદરાણવાલેે પણ સભા રાખી હતી. તેણે લોકોને એવા ઉશ્કેર્યા કે તેઓ  સંમેલનમાં એકત્રિત થયેલા નિરંકારીઓ પર તૂટી પડયા. પોલીસે ગોળીબાર કરવા પડયા, જેમાં અડધો ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ આખા પંજાબમાં ભિંદરાણવાલેનું નામ ગાજતું થઈ ગયું હતું. 

ભિંદરાણવાલે શીખોના કલ્યાણની વાતો કરતાં કરતાં ભાગલાવાદી  એવા ખાલિસ્તાની તત્ત્વો સાથે જોડાઇ ગયો હતો. શીખોના મનમાં ભિંદરાણવાલે માટે ગૌરવ હતું, કેમ કે તેમની આગળ સરકાર ઝૂકતી હતી. ૧૯૮૩માં હિંસાચાર એટલેા વધ્યો હતો કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું હતું. ભિંદરાણવાલે સુવર્ણ મંદિરમાં સાથીઓ સાથે ઘૂસી ગયો હતો. પોતાનો વિરોધ કરનારાને એ જાહેરમાં હત્યા કરી નાખતો હોવાથી પોલીસ દળ પણ ગભરાયેલું રહેતું હતું. તેથી જ સુવર્ણ મંદિરમાં ઘૂસી ગયેલા ત્રાસવાદીઓને બહાર ખેંચી લાવવા ઓપરેશન બલ્યૂ સ્ટારનો નિર્ણય લેવાયો હતો. આ એક હિંમતભર્યો નિર્ણય હતો જેના પડધા આજે પણ સંભળાઈ રહ્યા છે. 

Gujarat