Get The App

રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે શસ્ત્રોનો કરાર થતાં પાકિસ્તાન સ્તબ્ધ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે શસ્ત્રોનો કરાર થતાં પાકિસ્તાન સ્તબ્ધ 1 - image

- અફઘાનિસ્તાન પાસે ઝનૂન છે પરંતુ શસ્ત્રોની ટેકનોલોજી નથી

- પ્રસંગપટ

- અફઘાન-તાલિબાનના ટેકાથી બલૂચિસ્તાનના બળવાખોરોએ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે

તાલિબાન અને રશિયા વચ્ચેના વધેલા સંંબંધો હવે લશકરી કરાર સુધી પહોંચતા પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ જાય તે સ્વભાવિક છે. પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર બાપડું બિચારૂં બની રહ્યું છે. પકિસ્તાન ત્રાસવાદનું ઉછેર કેન્દ્ર છે તે ભારત જાહેરમાં કહી રહ્યું છે પરંતુ અમેરિકા તેની આળપંપાળ કરી રહ્યું છે. છેલ્લે અખાતી યુધ્ધમાં મધ્યસ્થી બનવાના પ્રયાસમાં બેઠકો પાકિસ્તાનમાં યોેજવામાં આવી હતી. ભારતમાં રહેલા પાકિસ્તાની સમર્થકોની લોબીના લોકો  ત્યારે પાકિસ્તાનની પ્રશંસા કરતા હતા. પરંતુ પાકિસ્તાનમાં રાખેેલી બેઠકો અનિર્ણિત રહેતા પાકિસ્તાન ભોંઠું પડયું હતું.

ભારત પર હુમલો કરવાના અને ઓપરેશન સિંદુરનો બદલો લેવાના સપનાં જોતા પાકિસ્તાનમાં મોઘવારીના પગલે આંતરવિગ્રહ જેવી સ્થિતિ ઉભી થઇ છે. કાશ્મીર સરહદેથી કરાતી ત્રાસવાદી પ્રવૃત્તિમાં વ્યસ્ત પાકિસ્તાન ફાવી શકતું નથી કેમકે ભારતે સરહદે ત્રાસવાદીઓને પકડવાના બદલે તેમને ફૂંકી મારવાની પેાલીસી અમલી બનાવી ચૂક્યું છે. છેલ્લા વર્ષમાં અને ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાન કાશ્મીર હમારા હૈ વાળું ગાણુ ભૂલી ગયું હોય એમ લાગે છે.

બાંગ્લાદેશમાં શરૂ થયેલી અરાજક્તાના ખભે બંદૂક મુકીને પાકિસ્તાન બાંગ્લાદેશની સરહદેથી  યુધ્ધનો મોરચો ખોલવાની તૈયારી કરતું હતું. પ.બંગાળની બાંગ્લાદેશ તરફની ખુલ્લી સરહદોનો વ્યૂહાત્મક ઉપયોગ પાકિસ્તાન કરવા માંગતું હતું. પરંતુ પ.બંગાળમાં ભગવો ફરકતો જોઇને  પાકિસ્તાને બાંગ્લાદેશની સરહદથી હુમલાનો શેખચલ્લી વિચાર પડતો મુકવો પડયો હતો. ભારત પર બાંગ્લાદેશની સરહદેથી હુમલો કરવાના સપનાં જોતા પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને પહેલો આઘાત ત્યારે લાગ્યો હતો કે જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર હારી ગઇ હતી અને તેના સ્થાને  ભાજપ સરકારે હવાલો સંભાળતા બાંગ્લાદેશની સરહદેથી હુમલો કરવાના પ્લાન રોળાયાં હતા. 

મુનીરને બીજો આઘાત અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જ્યારે રશિયા સાથે હાથ મિલાવ્યા ત્યારે આવ્યો છે. રશિયા સાથે તાલિબાનોના લશ્કરી કરાર થાય તે દર્શાવે છેકે રશિયા તાલિબાનોને શસ્ત્રો પણ આપશે અને તે ચલાવવાની તાલીમ પણ આપશે. પાકિસ્તાનની કમનસીબી એ છે કે બલૂચિસ્તાન સતત લડાઇના મૂડમાં રહે છે. મુનીર કહી ચૂક્યા છેકે બલૂચિસ્તાનના બળવાખોરોને તાલીબાનો ટેકોે આપી રહ્યા છે. હવે જ્યારે તાલિબાનોને રશિયા લશ્કરી સહાય કરશે ત્યારે રાજકીય સમિકરણો અનુસાર રશિયા બલૂચિસ્તાનના બળવાખોરોને પણ આડકતરી મદદ કરી રહ્યું હોવાનું કહેવાશે.

ભારત પોતાના દેશની સલામતી ને અગ્રીમતા આપી રહ્યું છે ત્યારે સોશ્યલ નેટવર્ક સહીતના તમામ પ્લેટફોર્મ પાકિસ્તાનની કમનસીબી પ્રદર્શીત કરી રહ્યા છે. કહે છે કે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોભાલની રશિયા મુલાકાત બાદ રશિયા અફઘાનિસ્તાન પર પ્રેમ વરસાવવા લાગ્યું છે. અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાન છોડયું ત્યારે તેના બગડેલા શસ્ત્રો અને બગડેલા લશ્કરી વાહનો વગેરે  સરંજામ અફઘાનિસ્તાનમાં છોડીને ગયા હતા. અફઘાનનું તાલિબાની સૈન્ય હવે રશિયા સાથે કરાયેલા કરાર મુજબ અમેરિકા હવે અફઘાનિસ્તાનમાં પડી રહેલો સરંજામ રીપેર કરવા રશિયાની મદદ લેશે. વૈશ્વિક રાજકારણમાં રશિયા-અફઘાનિસ્તાન વચ્ચેના લશ્કરી કરારથી અનેક દેશોના સૈન્યે પોતાની વ્યૂહ રચના બદલવી પડશે.  રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી કરારનો સૌથી વધુ લાભ અફઘાનિસ્તાન ઉઠાવશે. 

અફઘાનિસ્તાન પાસે ઝનૂન છે પરંતુ યુધ્ધમાં વપરાતા શસ્ત્રોની ટેકનોલોજી નથી. તે ટેકનોલોજી હવે રશિયા પુરી પાડશે. ભારતને ઘેરવા માંગતા પાકિસ્તાનના શાસકો પાસે હવે બહુ વિકલ્પો નથી બચતા. ભારતના શાસકો વારંવાર કહી ચૂક્યા છેકે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે.   પાકિસ્તાન અફઘાનિસ્તાનને કાચું પોચું  સમજી બેઠું હતું. પરંતુ અફઘાનિસ્તાન આજે પણ પાકિસ્તાન સરહદે છૂટા છવાયા હુમલા કરે છે.  એવીજ રીતે પાક્સ્તિાન પણ ભારત સામે હોકાટા-પડકારા સિવાય આગળ વધતું નથી. રશિયા-કાબુલ વચ્ચેના લશ્કરી કરાર પાકિસ્તાન માટે ડરાવનારા છે જ્યારે ભારતના ચહેરા પર સ્મિત ફરકાવી રહ્યા છે.