ટેકનોલોજી ક્ષેત્રે બૂમ બરાડા કરતા સીઇઓથી સ્ટાફ ટેન્શનમાં રહે છે
- બેંગલુરૂના ડેટા એનાલીસ્ટની આપવીતી
- પ્રસંગપટ
- બોસને એ ખબર નથી હોતી કે સ્ટાફમાં રહેલી ક્રિએટીવીટી ઓછી થતી જાય છે
કેટલીક કંપનીઓમાં બોસ એટલા ગુસ્સાવાળા હોય છે કે સ્ટાફ તેમની પાસે કોઇ નવા આઇડયાની કે સ્ટાફની સુખાકારી માટેના પગલાંની વાત કરવા જઇ શકતો નથી તે તો ઠીક પણ રજા લેવા માટેની રજૂઆત કરવા પણ જઇ શકતો નથી. કેટલાક બોસ એટલા ટેન્શનમાં ફરતા હોય છે કે તેમની પાસે કોઇની સાચી વાત સાંભળવાનો પણ સમય નથી હોતો.
આ સાથે ભારતમાં વર્ક કલ્ચર કેવું છે તે પણ જાણવા મળે છે. પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અનેક વાર કંપનીના બોસના કે તેમણે નીમેલા સીઇઓના ગુસ્સાનો ભોગ બનતા આવ્યા છે. ભારતમાં એક તરફ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાનો ચીપીયો ઇન્ફોસિસના નારાયણમૂર્તિ જેવા મોટા માથા પછાડી રહ્યા છે. તેમના આઇડયાની ટીકા પણ થઇ છે અને સરાહના પણ કરાઇ છે. સાથે સાથે તેમની કંપનીના લોકોએ વધુ કામના કલાકો માટે પૈસાની સ્પષ્ટતા કરવા પણ કહ્યું હતું.
કંપનીના બોસના ગુસ્સાના ભોગ બનનારા કામ પર ધ્યાન નથી આપી શકતા તેની અસર ઉત્પાદન પર પડે છે. બહુ ઓછા લોકો બોસનો ગુસ્સો સહન કરી શકતા હોય છે. કેટલાક જોબ છોડી દે છે તો કેટલાક સંયમ રાખીને સહન કર્યા કરે છે. સ્ટાફની ભૂલ હોય તો તેને કોઇ ખખડાવે તે સમજી શકાય છે પરંતુ વિના કારણે ગુસ્સો કરીને સ્ટાફને ખખડાવનારા બોસને એ ખબર નથી હોતી કે સ્ટાફ હેબતાઇ જાય છે અને તેનામાં રહેલી ક્રિએટીવીટી ઓછી થતી જાય છે.
દેશની સેંકડો કંપનીએાના બોસ અને સીઇઓ સ્ટાફ પાસે કામ લેવા ગુસ્સો કરે છે અને ત્યારે તેમને સમયનું બહુ ભાન નથી રહેતું.
ગયા અઠવાડિયે બેંગલુરૂની એક ટેકનોલોજી કંપનીમાં કામ કરતા ટેકનોલોજીસ્ટે પોતાના સીઇઓના ગુસ્સાભર્યા સ્વભાવ વિશેની વાત સોશ્યલ નેટવર્ક પર ફરતી કરી હતી. તેણે લખ્યું છેકે મારા સીઇઓ ટેકનોલોજીના બેક ગ્રાઉન્ડ વાળા નથી છતાં જે કામ ત્વરીત ના થઇ શકે તે માટે ડેડ લાઇન આપીને પછી ગુસ્સો કરે છે. હું કહું એ રીતે કામ કેમ ના થાય તેમ કહીને તે ગુસ્સો કરે છે.
આ ટેકનોલોજિસ્ટે બેંગલુરૂની એક સ્ટાર્ટઅપ કંપનીમાં ડેટા એનાલીસ્ટ તરીકે જોબ લીધી હતી. તેણે લખ્યું છેકે મારા બોસે મને ટાર્ગેટ કરીને એટલો માનસિક ત્રાસ આપ્યો હતો કે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. તેણે લખ્યું છે કે મેં કંપનીમાં સાત મિહના માટે કામ કર્યું હતું પરંતુ મારા બોસ તરફથી એટલો બધો માનસિક ત્રાસ હતો કે મારે જોબ છોડવી પડી હતી.
તેણે લખ્યું છેકે મારો બોસ નોન ટેકનીકલ હતો. તેને ખબર નથી હોતી કે તે પ્રોજક્ટ કરવા માંગે છે તેમાં ઓછામાં ઓછો કેટલો સમય જાય પરંતુ તે સમજાયા વગર ચોક્કસ સમયમાં પ્રોજક્ટ પુરો કરવા માટે આગ્રહ કરતા હતા અને ના થાય તો સતત બૂમ બરાડા પાડતા હતા.
તેમણે કહ્યું કે ગુગલ મીટ પર જ્યારે હું મારા બોસને મળ્યો ત્યારે તેમણે તરતજ બરાડા પાડવા શરૂ કર્યા હતા અને મારી વાત સાંભળવા તૈયારજ નહોતા. હું એટલો ત્રસ્ત થઇને ટેન્શનમાં આવી ગયો કે ધ્રૂજવા લાગ્યો હતો અને સીધોજ હોસ્પિટલમાં જતો રહ્યો હતો.
ઝીરો ટેકનીકલ બેક ગ્રાઉન્ડ ધરાવનાર બોસ જ્યારે પોતે ડેટાના નિષ્ણાત હોય એ રીતે ડેટા એનાલીસ્ટને ખખડાવે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. ટેકનીકલ લાઇનમાં બોસ તેના સ્ટાફ કરતાં વધુ સ્માર્ટ હોય તોજ તે વર્ચસ્વ ઉભું કરી શકે. સોશ્યલ નેટવર્ક પર બરાડા પાડતા સીઇઓ બાબતે અનેક પ્રત્યાઘાત જોવા મળ્યા છે. કેટલાકે લખ્યું છે કે બહુ બરાડા પાડે તેને આવડતું નથી હોતું તો કેટલાકે લખ્યું છે કે બરાડા પાડવા કેટલાકના સ્વભાવમાં હોય છે. કેટલાક બોસ સ્ટાફની ભૂલોજ શોેધ્યા કરતા હોય છે. કેટલાકે લખ્યું છેકે ભાઇ તે સાત મહિના સુધી સહન શા માટે કર્યું?