હેટ સ્પીચના મામલે ફેસબુકને 400 બ્રાન્ડ એડ બંધ કરશે..
- ફેસબુક પર પ્રેશર લાવવા સિન્ડીકેટ રચાઈ
ફેસબુકે હેટ સ્પીચ દૂર કરવામાં ઢીલી નિતી અપનાવી છે જે સૌની નજરમાં આવી ગઇ છે. ફેસ બુક વિવાદમાં ફસાઇ ગયું
પ્રસંગપટ
ઘેર-ઘેર વપરાતું ફેસબુક વિવાદમાં સપડાયું છે. ફેસબુક પર આવતી જાહેરાતોેનું કોઇ સ્ક્રીનીંગ નહોતું કરાતું એટલે લોકો તેના પર હેટ સ્પીચ અને બદનક્ષી ભરી જાહેરાતોનો મારેા ચલાવતા હતા. અમેરિકામાં ચાલી રહેલા રંગભેદના વિવાદ સમયે ફેસબુકનો ઉપયોગ ધિક્કાર ફેેલાવવા થવા લાગ્યો હતો. સોશ્યલ નેટવર્ક પર ફેસબુક લોકપ્રિય છે. પરંતુ આ પ્લેટફોર્મ પર જાહેરાતો પર કોઇ બ્રેક નથી હોતી એટલે મિસ્ચીફ મેકરો માટે છૂટ્ટો દોર મળી ગયો હતો.
અમેરિકામાં જ્યારે અશ્વેત જ્યોર્જને પોલીસે ઘૂંટણથી દબાવીને મારી નાખ્યો ત્યારબાદ ઉદ્દભવેલા રંગભેદ સામેના આંદોલનમાં કેટલાક શ્વેત સંગઠનોએ ફેસબુકને પોતાના ધિક્કાર ફેલાવવાનું પ્લેટફોર્મ બનાવી દીધું હતું. ફેસબુકને સમાજ જીવનમાં ઉંમેરાતા ઝેરની પડી નહોતી. પરિસ્થિતિ એવી આવી છે કે ફેસબુક પર જાહેરાતો આપનારાઓએ સિન્ડીકેટ બનાવીને ફેસબુકનો બોયકોટ કરવાની ઝુંબેશ શરૂ કરવી પડી હતી. ફેસ બુકના બોસ માર્ક ઝુકરબર્ગે બોયકોટ કરનારી કેટલીક કંપનીઓને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરેકની એકજ માંગણી છે કે પહેલાં ફેસબુક પરની હેટ સ્પીચ બંધ કરો પછી ધંધાની વાત કરીએ.
હવે પરિસ્થતિ એવી વણસી છે કે કોકા કોલા અને સ્ટાર બક્સ સહિતની ૪૦૦ બ્રાન્ડની જાહેરાતો ગઇકાલે બુધવારથી ફેસ બુક પર જોવા નહીં મળે. અમેરિકાના સિવિલ રાઇટ્સ ગૃપે મોટી બ્રાન્ડવાળી કંપનીઓને કહ્યું છે કે તમે સોશ્યલ નેટવર્ક પર પ્રેશર લાવવા તેમને જાહેરાતો આપવાનું બંધ કરો. ૪૦૦ બ્રાન્ડ ફેસબુક પર પ્રેશર લાવી શકે છે. સોશ્યલ નેટવર્ક જાયન્ટસ બની ગયા છે. લોકોને તેનું વળગણ થઇ ગયું છે. ફેસબુક લોકપ્રિય હોવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે ઓપરેટીંગમાં આસાન છે અને વારંવાર નવા ફીચર્સ આપ્યા કરે છે. કેટલીક સરકારી ઓફિસોમાં ફેસબુક બ્લોક કરેલું હોય છે કેમકે કર્મચારીઓ ફેસબુકને વધુ સમય ફાળવતા હોય છે.
ફેસબુકે કહ્યું હતું કે અમારી પોલીસી હેઠળ નહીં આવતી જાહેરાતોને અમે બંધ કરી દઇશું. પરંતુ તેની પોલીસી કઇ તેનો કેાઇને ખ્યાલ નથી આવતો. સામે છેડે જાહેરાત આપનારા કહે છે કે પોલીસીની વાત પછી પહેલાં સાઇટ પરથી રંગભેદના વિરોધની હેટ સ્પીચો દુર કરો.
ફેસ બુક ધારે તો સ્ક્રીનીંગ સોફ્ટવેર લગાવી શકે છે પરંતુ તેનો સૌથી મોટો આશય વધુ હીટ્સ મેળવવાનો છે. ધિક્કાર ભર્યું લખતા સંગઠનોને રોકવાના કોઇ મૂડમાં તે હોય એમ લાગતું નથી. દરમ્યાન ફેસબુકના એકલ દોકલ સ્ટાફને પણ ઘેરી લેવાના બનાવો નોંધાયા હતા.
સ્ટોપ હેટ ફોર પ્રોફીટ નામની પણ ઝુંબેશ શરૂ કરાઇ છે. આ સંગઠન કહે છે કે ફેસબુકે પ્રેાફીટ પર ધ્યાન આપવાના બદલે લોકોમાં ફેલાવાતા વેરઝેર પર પણ ધ્યાન આપવુંં જોઇએ. ફેસબુક સામે ઝુંબેશ ચલાવનારાઓ ફેસબુકની આવકને બ્લોક કરવા માંગે છે. એટલે તો ડિજીટલ માર્કેટીંગ એજંસીઓનો સંપર્ક કરીને તેને જાહેરાતો ના મળે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. કોઇ પણ બ્રાન્ડને જાહેરાત ના આપવા સમજાવવી આસાન નથી કેમકે તેના બિઝનેસ પર પણ અસર પડતી હોય છે.
ફેસબુકે હેટ સ્પીચ દુર કરવામાં ઢીલી નિતી અપનાવી છે જે સૌની નજરમાં આવી ગઇ છે. ફેસ બુકે વગર લેવે દેવે પેટમાં શૂળ ઉભી કરી છે.ફેસબુકની કેટલીક એડ તો હેટ સ્પીટની બાજુમાં હોય છે. તેથી એવી ઇમેજ ઉભી થાય છે કે એડ આપનારે ધિક્કાર સ્પીચ મુકેલી છે. એવી રજૂઆતો કરાઇ છે કે આવી જાહેરાત આપનારાઓને ફેસ બુકે વળતર ચૂકવવું જોઇએ.
અહીં મહત્વનું એછે કે સોસ્યલ નેટવર્કનું સૌથી મોટું પ્લેટફોર્મ ફેસબુક છે. તેના કારણે લાખો ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. પરંતુ જ્યારે વિશ્વની ૪૦૦-૫૦૦ બ્રાન્ડ એક થઇને ફેસબુકનું નાક દબાવે ત્યારે શક્ય છે કે તે ધાર્યું કામ કરાવી શકશે.
બોયકોટ કરનારાઓને ફેસબુક મળી રહ્યું છે પરંતુ હેટ સ્પીચ દુર કરવાની દિશામાં કોઇ નક્કર પગલાં લીધા હોય એમ લાગતું નથી. સોશ્યલ નેટવર્ક પર રંગભેદ, જાતિ વિષયક, સેક્સ બાબતે, એલજીબીટી કોમ્યુનિટી બાબતે ધિક્કાર જોવા મળે છે. આ વાંચીને તેના અસરગ્રસ્તોને આઘાત લાગે છે. જે લોકો ફેસબુકને પોતાનું સમજતા હતા તેજ ખલનાયક સમાન વર્તતું હોઇ તેનો બોયકોટ કરવા સુધી મામલો પહોંચી ગયો છે.
ફેસબુકનો બોયકોટ જ્યારે ૪૦૦ બ્રાન્ડ કરે ત્યારે અન્ય સોશ્યલ નેટવર્ક પણ હેટ સ્પીચ દુર કરવા લાગ્યા છે. જાહેર ખબરોની બેઠી આવક કોણ જવાદે?