મંદી અને બેરોજગારીની બૂમો વચ્ચે બ્લેક ફ્રાઇડે પર ધૂમ ખરીદી થઈ

- થેંક્સ ગિવીંગ, બ્લેક ફ્રાઇડે અને સાયબર મન્ડે સેલની ધૂમ
- પ્રસંગપટ
- અમેરિકામાં ટેરિફના પગલે રોજીંદી ચીજો મોંઘી થઇ હતી અને લોકોની ખરીદશક્તિ ઘટી ગઇ હતી
સેલ-ડિસ્કાઉન્ટ-સ્કીમ-કોમ્બો ઓફર વગેરેનાં ઝૂલતાં પાટીયાં દરેક ગ્રાહકને આકર્ષતાં હોય છે. દુનિયાભરની કંપનીઓ પોતાનું વેચાણ વધારવા સેલ માટે યોગ્ય સમયની રાહ જોતી હોય છે. ગ્રાહકો પણ ખરીદી માટે સેલની રાહ જોઈને બેઠા હોય છે. ચાલુ દિવસ કરતાં સેલના દિવસોમાં ચીજો સસ્તી મળતી હોવાની માન્યતા વિશ્વભરમાં પ્રસરેલી છે. અમદાવાદની રતનપોળ જેવા વિસ્તારમાં તો ૩૬૫ દિવસ સેલના પાટીયાં જોવા મળે છે.
તાજેતરમાં અમેરિકામાં થેંકસ ગિવીંગ સેલ (૨૭ નવેમ્બર), બ્લેક ફ્રાઇડે સેલ (૨૮ નવેમ્બર), સાયબર મન્ડે સેલ (૧ ડિસેમ્બર) વગેરેએેે ધૂમ મચાવી હતી. થેંકસ ગિવીંગમાં સેલનો લાભ લેવાનું ચૂકી ગયેલાઓેએ બ્લેક ફ્રાઇડે પર ખરીદી કરી હતી. તેમાં પણ ચૂકી જનારાઓેએે સાયબર મન્ડે સેલ પર હાથ અજમાવ્યો હતો. થેંક્સ ગિવીંગ,બ્લેક ફ્રાઇડે અને સાયબર મન્ડે સેલ એકબીજાને ટકરાઇ ગયા હતા. ટૂંક સમયમાં ક્રિસમસ સેલ શરૂ થશે.
અમેરિકામાં ઓનલાઇન ખરીદી નવી વાત નથી. લોકો રોજીંદા સ્તરે ઓનલાઇન ચીજો ખરીદે છે. સેલમાં ચીજો સસ્તી મળશે તેવી માન્યતાના પગલે લોકો ખરીદીને સેલના દિવસો સુધી અટકાવી રાખે છે. અમેરિકામાં ઓનલાઇન સેલના દિવસો લગભગ ફિક્સ્ડ હોય છે. વળી, અમેરિકામાં ભારત જેટલા તહેવારો પણ નથી.
આ વખતે બ્લેક ફ્રાઇડે સેલમાં વિક્રમી એવું ૧૮ અબજ ડોલરનું વેચાણ થયું હતું. આવું જંગી વેચાણ દર્શાવે છે કે અમેેરિકામાં ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. એક અહેવાલ અનુસાર, ગયા વર્ષ કરતાં આ વર્ષે બ્લેક ફ્રાઇડે પર વેચાણ ૯.૧ ટકા જેટલું વધ્યું છે. સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધીમાં વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન દર મિનિટે ૧૨.૫ મિલિયન ડોલરનું વેચાણ થઈ રહ્યું હતું. થેંક્સ ગિવીંગ ડેનું ઓનલાઇન સેલ પણ જબરદસ્ત રહ્યું.
અલબત્ત, સિક્કાની બીજી બાજુ પણ સમજવા જેવી છે. થેક્સ ગિવીંગ ડે સહિતના કેટલાક સેલ ફ્લેાપ જશે એમ લાગતું હતું, પરંતુ એવું બન્યું નહીં. ઓનલાઇન સેલનો પ્રભાવ લોકોના મગજ પર છવાયેલો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં તેમણે ટેરિફનું શસ્ત્ર ઉગામી કડક પગલાં લેવાં શરૂ કર્યા હતા. તેની આડ અસર એવી થઇ કે અમુક રોજીંદી ખોરાકી ચીજોના ભાવો તો લગભગ બમણા થઇ ગયા હતા. દુનિયાભરના દેશો પર ટેરિફ લાદવાથી અમેેરિકામાં ખાધાખોરાકીનો માલ મોંધો થઇ ગયો હતો. અમેેરિકાનો બહુ મોટો વર્ગ મોંધવારીનો માર ખાઇ રહ્યો છે. અનેક લોકોએ સેલમાં ખરીદી કરવાનું માંડી વાળ્યું હતું. ટેરિફ પછી વધેલા ભાવો અમેરિકાના લાખો લોકોને પરવડે એવા નહોતા. એક તરફ બેરોજગારીની બૂમો અને બીજી તરફ ટેરિફના પગલે રાજીંદી ચીજોમાં ભાવ વધારાના કારણે લોકોની ખરીદશક્તિ ઓછી થઇ ગઇ હતી. લોકો મર્યાદામાં રહીને ખરીદી કરતા હતા. આમ છતાંય બ્લેક ફ્રાઇડે સેલમાં વિક્રમી વેચાણ થયું તેની સૌએ નોંધ લેવી પડી છે.
થેક્સ ગિવીંગ ડેનો કોન્સેપ્ટ ભારતમાં પણ શરૂ થયો છે, પરંતુ આપણે ત્યાં દિવાળી જેવા તહેવારોના પ્રભાવ એટલો બધો છે કે થેંક્સ ગિવીંગ ડે પોતાની હાજરી નોંધાવી શકતો નથી.
અમેરિકામાં ઓનલાઇન ખરીદીનો આગ્રહ રાખતા લોકાનેે સાયબર મન્ડે લોકપ્રિય છે. આ સેલમાં કેટલીક ચીજો એક્સક્લુઝિવ કે સ્પેશિયલ તરીકે વેચાણ માટે મુકાય છે. જે ઓફલાઇન કે અન્ય સાઇટ પર જોવા મળતી નથી.
૪૩ દિવસના શટડાઉન પછી પણ લોકો સાયબર મન્ડેના દિવસે ધૂમ વેચાણ થયું હતું. સંભવત: આ આંકડો ૧૪.૨ અબજ ડોલરને વટાવી જશે.
આવી જંગી ખરીદી કર્યા પછી પણ અમેરિકનો હજુ ક્રિસમસ સેલની રાહ જોઇને બેઠા છે. ક્રિસમસનું ખ્રિસ્તી દેશોમાં વિશેષ મહાત્મ્ય હોવાનું. ભારતીયો જેમ દિવાળી પર મન મૂકીને ખરીદી કરે છે, એવો જ માહોલ અમેરિકામાં ક્રિસમસ પર ઊભો થાય છે. ક્રિસમસ સેલનું વિશેષ આકર્ષણ હોય છે, કેમકે તેમાં ચીજો વધુ સસ્તી ઓફર થાય છે.

