Get The App

સી.એ. થયેલા યુવાને હિલીયમ ગેસથી જીવન ટૂંકાવ્યું : એકલતાનો ભોગ બન્યો

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
સી.એ. થયેલા યુવાને હિલીયમ ગેસથી જીવન ટૂંકાવ્યું : એકલતાનો ભોગ બન્યો 1 - image

- વિશ્વમાં દર કલાકે 100 લોકો એકલતાને લીધે મોતને ભેટે છે

- પ્રસંગપટ

- વિધવા માતાએ બીજે લગ્ન કરી લીધાં એટલે દાદી પાસે ઉછર્યો હતો, પરંતુ દાદી ગુજરી જતાં સાવ એકલો પડી ગયો

- ધીરજ કંસલ

એકલતા માણસને અંદરથી ઉધઇની જેેમ કોરી ખાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ અનુસાર, વિશ્વમાં દર કલાકે ૧૦૦ લોકો એકલતાની ગુંગળામણ અનુભવીને મોતને ભેટે છે. ભારતમાં સંયુક્ત કુટુંબની પ્રથા આજે પણ ઠીક ઠીક જીવતી છે. સંયુક્ત પરિવારમાં રહેતા લોકો પોતાની સમસ્યા કુટુંબીજનો સાથે શેર કરી શકે છે, પેટ ખોલીને વાત કરી શકે છે. સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ ધરાવનારને તેનો પાડોશી કે સગા કાકા-ભત્રીજાનાં કુટુંબો પણ પ્રત્યક્ષ ઓળખતા ન હોય તેમ બને. સોશિયલ નેટવર્કે એકલતા વધારી છે, કેમ કે માણસ તેમાં ખૂંપેલો રહે છે અને પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે ભૂલી જાય છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલો ૨૫ વર્ષનો યુવાન આપઘાત કરે ત્યારે આઘાત લાગવો સ્વાભાવિક છે. જેની પાસે ઉચ્ચ શિક્ષણ હતું, હાથમાં નોકરી હતી, ભવિષ્યમાં ઉજળી તકો મળવાની હતી એવા યુવાને જીવન ટૂંકાવતા પહેલાં લખ્યું કે મૃત્યુ એ સૌથી સુંદર અનુભવ છે. ધીરે ધીરે જીવ નીકળે એવું મૃત્યુ તેણે પસંદ કર્યું હતું. 

આ ૨૪ વર્ષના યુવાનનું નામ ધીરજ કંસલ હતું. એ ગુરૂગ્રામ ખાતે જોબ કરતો હતો. એની વર્કપ્લેસ પર એની વયજૂથનાં  અનેક યુવકો-યુવતીઓ કામ કરે છે. તેણે જીંદગી પ્રત્યે આટલી નફરત શા માટે થઇ તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી, પરંતુ એટલી જાણકારી જરુર મળી છે કે મૃત્યુને વીંટળાઇ જવાની તૈયારી તેણે ૨૦-૨૫ દિવસ અગાઉથી શરુ કરી દીધી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા તેણે ખૂબ મહેનત કરી હશે. પોતાની કારકિર્દીને એન્જોય કરવાનો સમય આવ્યો ત્યારે તેણે મોત વહાલું કરી દીધું. પોતાની વિદાય માટે તેણે ૨૦થી ૨૮ જુલાઇ સુધી આઠ દિવસ માટે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. ત્યાં ગાઝિયાબાદથી ઓનલાઇન હિલીયમ ગેસ મંગાવ્યો હતો. આ વાયુ એને નાના સિલિન્ડરમાં ડિલીવર થયો હતો. હિલીયમથી કેવી રીતે મોતને નોતરી શકાય છે તેની  સમજ એ કેળવી ચૂક્યો હતો.

 આત્મહત્યા કરવાની ક્ષણો આવી ત્યારે સૌથી પહેલાં એણે પોતાના મોં પર પ્લાસ્ટિક વીંટાળી દીધું અને પછી તેમાં હિલીયમ ગેસ ભરવો શરૂ કર્યો. ગેસ શ્વાસ વાટે શરીરમાં જતાં જ એ ગૂંગળાવા લાગ્યો ને આખરે મોતને ભેટયો. 

બે-ત્રણ દિવસ બાદ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પોલીસને બોલાવવામાં આવી ને આ રીતે આખો મામલો સામે આવ્યો. 

સીએ થયેલો એક આશાસ્પદ યુવાન આ રીતે દુનિયાને અલવિદા કહી દે તે ઘટના જેટલી કરુણ છે એટલી આઘાતજનક પણ છે. ઘીરજ કંસલે અંતિમ પગલું ભરતા પહેલાં તેણે ફેસબુક પર લખ્યું હતું કે મૃત્યુ એ મારા જીવનની સૌથી સુંદર ક્ષણો છે. મારા મૃત્યુ પાછળ આંસુ ના વહેવડાવશો. આપઘાત કરીને હું કશું ખોટું કરી રહ્યો નથી, કેમ કે મારા પર કોઇ જવાબદારી નથી. ધીરજે એમ પણ લખ્યું કે મોત એ મારી પસંદગી છે. મને જીવનમાં મળેલી દરેક વ્યક્તિએ મને બહુ હૂંફ આપી છે. માટે હું પાલીસને વિનંતી કરું છું કે મારા મોત માટે કોઇને પણ પરેશાન ના કરશો.

ધીરજના અંગત જીવનની વિગતો જાણતાં ખ્યાલ આવે કે તે ખૂબ એકલો પડી ગયો હતો અને અંદરથી ત્રસ્ત થઈ ચૂક્યો હતો. તેના પિતાનું મૃત્યુ થયું હતું અને માતાએ બીજે લગ્ન કરી લીધાં હોવાથી એ પોતાની દાદી પાસે ઉછર્યો હતો. દાદી ખૂબ પ્રેમાળ હતાં, ધીરજનું બહુ ધ્યાન રાખતાં . દાદી ગુજરી ગયાં પછી ધીરજને એકલતા ઘેરી વળી હતી. એ સૌને કહ્યા કરતો હતો કે મારું હવે કોઇ નથી. દુનિયામાં હું સાવ એકલેા છું.

એકલતા એ આધુનિક જમાનાની વિકરાળ સમસ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય ફાળવે છે અને અસલી સંબંધો વિકસાવવામાં કાચા પડી રહ્યા છે.  વાસ્તવિક સંબંધો અને વર્ચ્યુઅલ વર્લ્ડ  વચ્ચે ગેપ મોટો થતો જાય તેમ એકલતા ચઢી બેસે છે. એકલતા દૂર કરવા કેટલાક લોકો દારુ અને ડ્ગ્સના વ્યસની બની જાય છે. આ વ્યસનો એને તંદ્રામાં રાખે છે ને સરવાળે એને ખૂબ નુક્સાન પહોંચાડે છે.

દેવાના બોજમાં ડૂબેલા કિસાનો આપઘાત કરે ત્યારે તેની પાછળનાં કારણો સમજમાં આવે છે, કોઇ દુખિયારી સ્ત્રી આત્મહત્યા કરે ત્યારે પણ કારણો સમજી શકાય છે. હતાશ માણસ લોકો ક્યાં તો ફાંસો ખાય છે કાં નદી-નાળામાં ઝંપલાવી દે છે અથવા ઊંચી બિલ્ડિંગ પરથી પડતું મૂકે છે.  અમુક મધ્યમવર્ગીય કુટુંબોએ સામુહિક ઝેર ખાઇને અલવિદા કરી દીધી હોય એવુંય બન્યું છે.

અભ્યાસ કહે છે કે દુનિયામાં દર છમાંથી એક વ્યક્તિ એકલતાનો તીવ્ર અનુભવ કરે છે. કોઈને શરીર સાથ આપતું ન હોય, સતત સાજુમાંદુ રહેતું હોય ત્યારે એ માનસિક રીતે સાવ એકલો પડી હોય તેવું અનુભવવા લાગે છે. અંતર્મુખી લોકો ઘણીવાર આજુબાજુ રહેતા લોકો સાથે કે પોતાની ઓફિસમાં કામ કરતા લોકો સાથે સંબંધો કેળવી શકતા નથી. તેઓ સામાજિક બની શકતા નથી. આનું પરિણામ માનસિક રોગમાં આવી શકે છે, અને ધીરજ જેવા યુવાનો આત્મહત્યા જેવો આત્યંતિક ઉપાય પસંદ કરી લે છે.