- સરકાર બજેટ વધારે છે, પણ સિસ્ટમ સુધારતી નથી
- પ્રસંગપટ
- પહેલાં મહારાષ્ટ્ર અને હવે ગુજરાતઃ એક્સપાયર્ડ દવાઓના જથ્થા માટે વહિવટકારો જવાબદાર
તાજેતરમાં મહારાષ્ટ્રના વસઇ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાનો જથ્થો પકડાતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે તપાસનો આદેશ આપ્યો છે. ગુજરાતમાં પણ ૪ કરોડની દવાઓ એક્સપાયર્ડ થઇ ગઇ તે હેલ્થ કર્મચારીઓની બેદરકારી જ દર્શાવે છે.
સરકારી હોસ્પિટલોમાં જ્યારે એક્સપાયર્ડ (વાપરવાની વીતી ગયેલી તારીખવાળી) દવાઓનો ઢગલો મળી આવે ત્યારે હોસ્પિટલોના વહીવટકારોની જવાબદારી નક્કી થવી જોઇએ.
મેડિકલ ક્ષેત્રે નવાં સંશોધનો સતત થતા રહે છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારીત મેડિકલ સંશોધનો પણ થાય છે. ઓનલાઇન ડોક્ટરી સલાહ અપાય છે, દવાઓ આસાનીથી ઓેનલાઇન ઓર્ડર કરી શકાય છે, પરંતુ મેડિકલ સવલતો આપતી સરકારી હોસ્પિટલોની લાલિયાવાડીનો ઉકેલ હજુ સુધી સરકારને મળ્યો નથી, અથવા તો કદાચ સરકાર જ આ લાલિયાવાડી ચાલવા દે છે. લોકો માટે અસરકારક તબીબી તંત્ર ઉપલબ્ધ હોય તે પ્રાથમિક જરૂરીયાત છે, પરંતુ લોકોને આરોગ્ય સંબંધિત આધુનિક સવલતો મળી રહે તે બાબતમાં સરકારને બહુ રસ હોય એમ લાગતું નથી.
પ્રાઇવેટ હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોની સરખામણીમાં બહુ ખર્ચાળ હોય છે, છતાં લોકો ત્યાં સારવાર લેવાનો આગ્રહ રાખે છે. આરોગ્યના મામલામાં લોકો પૈસાને નહીં, પણ અસરકારક સારવારને પ્રાધાન્ય આપે છે. પ્રાઇવેટ હોસ્પિટલોના પેરા મેડિકલ સ્ટાફનો પગાર સરકારી હોસ્પિટલોના સ્ટાફ કરતાં લગભગ અડધો હોવા થતાં તેમના કામમાં ચોક્સાઈ જોવા મળે છે.
સરકારી હોસ્પિટલોના તગડા બજેટ કરતાં અડધા બજેટમાં ચાલતી પ્રાઇવેટ હોસ્પિટલો કમાણી પણ કરે છે અને લોકોને અસરકારક સારવાર પણ આપે છે. કેન્દ્ર અને રાજ્યમાં બહુમતીવાળી સરકાર હોવા છતાં સરકારી હોસ્પિટલોને કોર્પોરેટ હોસ્પિટલો જેવો સ્પર્શ આપી શકી નથી. કમનસીબી તો એ વાતની છે કે સરકારી હોસ્પિટલો કે નાનાં સારવાર કેન્દ્રોની વધતી સંખ્યા સરકાર ગણાવ્યા કરે છે, પરંતુ ત્યાં ્અપાતી સારવારની ગુણવત્તા, સ્વચ્છતાનો અભાવ, ડોક્ટરેા વગેરેની કામગીરી વગેરેની ભાગ્યે જ સમીક્ષા થાય છે.
હોસ્પિટલો હીલીંગ સિસ્ટમનો ભાગ છે. વ્યક્તિ જ્યારે પોતાના સ્વજનને લઇને હોસ્પિટલ પહોંચે છે ત્યારે તે થોડો હાશકારો અનુભવે છે, કેમ કે તેમની દર્દીની જવાબદારી ડોક્ટરો તેમજ સ્ટાફ ઉપાડી લે છે.
કેટલીક સરકારી હોસ્પિટલો કોર્પોરેટ હોસ્પિટલો કરતાં પણ વધુ સારી અને સસ્તી સારવાર આપે છે, પરંતુ લોકોના મનમાંથી સરકારી હોસ્પિટલો લગભગ ઉતરી ગઇ છે. સરકારે હેલ્થકેર માટે પાંચ લાખની સારવાર જેવી ફ્રી સવલતો આપી છે જે આવકાર્ય છે, પરંતુ સમગ્રપણે સરકારી હેલ્થ સેક્ટરમાં આમૂલ પરિવર્તનની જરૂર છે.
સરકારી હોસ્પિટલોમાં ભીડ હોય, દર્દીઓએ કલાકો સુધી બેસી રહેવું પડે, દવાઓની અછત હોય, સ્ટાફની શોર્ટેજ હોય, સ્ટાફ દર્દીના સંબંધીઓ સાથે દાદાગીરી કે ઝગડા કરતો હોય, ચારે બાજુ ગંદકી હોય... આવી ફરિયાદો રોજીંદી બની ગઇ છે.
કોર્પોરેટ હોસ્પિટલોની સિક્યોરિટી સિસ્ટમને માન આપતી પ્રજા પ્રાઇવેટ હોસ્પિટલોમાં સિક્યોરિટી સ્ટાફ સાથે મારામારી કરતી નજરે પડે છે. સરકારી હોસ્પિટલોમાં અપાતી મફત કે સસ્તા દરની સારવારને પ્રજાનો પૂરો સાથ મળતો નથી. તાજેતરમાં દિલ્હીની સરકારે હેલ્થ બજેટમાં વધારો કર્યો છે. અહીં સ્ટાફની અછત ૨૭ ટકા જેટલી છે. કેન્દ્ર સરકારે પણ ૨૦૨૬-૨૭ના બજેટમાં હેલ્થ અને ફેમિલી વેલફેર માટેના બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે.
ભારતમાં ૧,૦૦૦ લોકોની સામે ૧.૪ હોસ્પિટલો છે. ગામડાંમાં લોકોને સ્પેશિયલિસ્ટ ડોક્ટરો મળતા જ નથી એટલે તેમને સારવાર માટે ફરજિયાતપણે શહેરમાં આવવું પડે છે.
કેટલાક સેવાભાવી લોકોએ મફત સારવાર આપતી હોસ્પિટલો ઊભી કરી છે, જ્યાં દર્દી તેમજ તેમના સંબંધીઓને રહેવા-જમવાની સવલતો અપાય છે. અહીં તમામ સારવાર મફત આપે છે. ગામડાના દર્દીઓ માટે આવી સેવા બહુ ઉપયોગી સાબિત થઇ રહી છે.
જ્યાં સુધી સરકારી હોસ્પિટલોના કામકાજને લોકભોગ્ય નહીં બનાવાય ત્યાં સુધી અહીં લાલિયાવાડી ચાલતી રહેવાની છે. સરકાર કરોડો રૂપિયા હેલ્થ સેક્ટર માટે ફાળવે છે ત્યારે લોકોને તેનું વળતર મળે તે જરૂરી છે. સેવાભાવી ટ્રસ્ટો નવી હોસ્પિટલો બનાવે તે બરાબર છે, પણ ખરેખર તો સરકારી હોસ્પિટલોને સુધારવાનું કામ તેમને સોંપવું જોઇએ.


