- જો જીભના સ્વાદને જીતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે
- પ્રસંગપટ
- અહિંસા અંગે ગાંધીજી માનતા - 'કોઇએ મન વચન અને કર્મથી પણ હિંસા કરવી નહીં
ગોળ ચશ્મા પહેરેલ, હાથમાં ટેકણલાકડી, પહેરવેશમાં માત્ર ખાદીની ટૂંકી પોતડી પહેરેલ, શ્યામવર્ણો શરીરે સૂકલકડી સામાન્ય માનવી હોવાની પ્રથમ નજરે માન્યતા કે ધારણા બંધાય ગાંધીજી માટે ! વાસ્તવમાં ગાંધીજી આંતરિક સદ્ગુણોસંપન્ન એક ભવ્યતાથી ભવ્ય અને દિવ્ય દેવઅંશો સમાન હતા. ગાંધીજી માટે કહું તો - સૌનેે હરહંમેશ સદ્ગુણોથી સૌંદર્યવાન હોવાની અનુભૂતિ થઇ છે. ગાંધીજીનો હસતો ચહેરો જોઉં ત્યારે તેઓનાં મોટાં મોટાં નેત્રોમાંથી પ્રેમ-સ્નેહ-મૈત્રીભાવ એક જીવંત મૂર્તિની જ છબી ઉપસી આવે. તેઓનો આ હસતો ફોટો જોઉં ત્યારે મારા મનસપટલ ઉપર એક ત્વરિત ચિત્ર અંકિત થાય - આ એ જ પ્રતિભા છે, આ એ જ વિશ્વમાનવ - વિશ્વવિભૂતિ છે જેણે જગતને સત્ય અને અહિંસાની બહુમૂલ્ય વિચારધારા આપી છે.
અહિંસા અંગે ગાંધીજી માનતા - 'કોઇએ મન વચન અને કર્મથી પણ હિંસા કરવી નહીં. ધૃણા-તિરસ્કાર-અણગમો વગેરેથી અલિપ્ત રહી કોઈપણ માનવને લેશમાત્ર દુઃખ પીડા આપવા નહીં ! આ વિચારધારાએ મોહનલાલ ગાંધીને 'મહાત્મા ગાંધી' બનાવ્યા. બ્રિટિશરોના વહીવટ સંદર્ભે ગાંધીજીને વિચારોમાં મતભેદ-મતમતાંતર બની રહેતાં છતાં બ્રિટિશરો પ્રત્યે રાગ નહીં, દ્વેષ નહીં દુશ્મની ધૃણા તિરસ્કાર નહીં. કેવો માનવ મૂલ્યોથી સુશોભિત સમભાવ આદર ! તેઓ માનતા સત્ય અને અહિંસા એકબીજાના પૂરક અને સહસંબંધી છે જેના પાયામાં સત્યને શોધતી અહિંસા જ રહેલી હોય છે.'
ગાંધીજી સત્યના ખાસ આગ્રહી હતાં. તેઓ વકીલાતનો વ્યવસાય સેવા સમર્પણ-ખિસ્સાખર્ચ માટે કરતાં ! કેસ લડવામાં માત્ર સત્ય જ રજૂ કરતાં - 'જૂઠાણાંને અવકાશ નહીં - મોકળાશ નહીં !' 'ગાંધીજી અસીલને ચોખ્ખી સ્પષ્ટતા કરતાં - ભાઇ, કેશ જુઠ્ઠો હશે તો માર્ગદર્શન મળશે નહીં. વર્તમાન સમયમાં આ વિચારધારા કેટલી વિકટ જણાય છે. આથી ઉમદા સત્યનું શું સન્માન, હોઈ શકે ! આવી સત્યપ્રેરિત કાર્યશૈલીથી તેઓ અસીલો તરફથી સ્નેહ-પ્રેમ સંપાદન કરતા. 'અશ્પૃશ્યતા'' અંગે ગાંધીજી કહેતા, અશ્પૃશ્યતા નિવારણ એ અહિંસાનો જ એક ભાગ છે. મનવજાત પ્રત્યે ધૃણા નફરત, તિરસ્કાર ન કરીએ તો સીધેસીધી અહિંસા અમલી બને પરિણામ સ્વરૂપ અશ્પૃશ્યતા નિવારણ સંભવે, અહિંસા દીપી ઊઠે. આપણે સૌ એક જ બ્રહ્માનાં સંતાનો છીએ પછી માનવ માનવ વચ્ચે ભેદભરમ, ભેદભાવ કેવાં ? તેઓનાં મતે મહંમદભાઈ અને મગનભાઈ બન્ને સમાન હતા, અહીં સમાનતા-સમરસતા અને માનવમૂલ્યોનું આદરભાવ સાથેનું જતન. ગાંધીજીની સક્રિયતા અને કર્તવ્યનિષ્ઠા ટાંકુ તો તેઓ માનતાં, 'હું કર્તવ્ય બજાવતો - બજાવતો મડદું થઇને પડું એ મને અત્યંત ગમે. મારે છેલ્લાં શ્વાસ સુધી કાર્યરત રહેવું છે.' વિશેષ સાહજિક હળવી રમૂજવૃત્તિ અને નિરંતર સક્રિયતા ઉદ્યમ તેઓના ઉમદા સ્વાસ્થ્યનું રહસ્ય બની રહેતું. તેઓ વિશેષરૂપે નિત્યપ્રાર્થના અને નિત્ય સ્વચ્છતાના આગ્રહી બની રહેતા.
ગાંધીજી બ્રહ્મચર્ય અંગે કહેતાં - 'જો જીભના સ્વાદને જીતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે. વિકારો - વિષયવાસનાને નિષ્ક્રિય બનાવવા અલ્પાહાર, ફળાહાર અને ઉપવાસ ઉપયોગી બની રહે.' વળી ગાંધીજી માટેના વિશેષણ 'મહાત્મા ગાંધી'થી તેઓ અત્યંત નારાજ હતા. તેઓ કહેતા, 'હું એક અલ્પાત્મા, મહાત્મા વળી કેવો ?' અદ્ભુત નમ્રસભર આંતરિક સૌંદર્ય ગુણવૈભવ ! ગાંધીજી અમર રહેશે.
ઉપરોક્ત વિચારધારા સંદર્ભે મને લાગે છે કે જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી ગાંધીજીનં સ્વચ્છતા,સમરસતા,સાદગી, સરળતા,અહમ્શન્યતા,ઉપવાસ, બ્રહમચર્ય,સત્ય અને અહિંસાના ખ્યાલો ખૂબ જ 'હૃદયસ્પર્શી' અને પ્રેરણાત્મક બની રહ્યા છે. સરકારી ઓફિસો, ખાનગી સંસ્થાઓ, હોસ્પિટલો, પોર્ટ એરપોર્ટ રેલવે, નાની મોટી દુકાનોમાં ગાંધીજીનો ભીંતે રહેલો હસતાં ચહેરો જોઇએ ત્યારે મનોમન મંથન થાય - 'ગાંધીજી હજુ સર્વત્ર છે, અમર છે - અજેય છે સૌ ભારતીયો અને વિશ્વમાનવોનાં હૃદયમંદિરમાં જીવંત છે - આપણાં સૌની વચ્ચે હયાત હોય તેવી અવશ્ય અનુભૂતિ થાય.'


