Get The App

દિલ્હીને વાયુ પ્રદૂષણની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે કડકાઇ જરૂરી

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીને વાયુ પ્રદૂષણની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે કડકાઇ જરૂરી 1 - image

- કૃત્રિમ વરસાદ નિષ્ફળ જતાં લાચાર પરિસ્થિતિ

- પ્રસંગપટ

- રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૌએ તમામ મતભેદો ભૂલીને પર્યાવરણના મુદ્દે એક છત્ર નીચે આવવાની જરૂર છે

દિલ્હીની હવામાં પ્રસરેલું પ્રદૂષણ દરેક મોટા શહેરો માટે ખતરાની ધંટડી સમાન છે. ઓલ ઇન્ડિયા ઇન્સટીટયુટ ઓફ મેડિકલ સાયન્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડો.રણદીપે દિલ્હીમાં પ્રસરેલા હવાના પ્રદૂષણને સાયલન્ટ કીલર કહ્યું છે. આ પ્રદૂષણ માત્ર શ્વસનતંત્ર પર હુમલો નથી કરતું પણ સમગ્ર શરીરને નુકશાન કરી શકે છે.

તાજેતરમાં દિલ્હીની સરકારે ૩ કરોડ ખર્ચ્યા છતાં કૃત્રિમ વરસાદનું એક ટીપું પડયું નથી એવી ટીકા થઇ રહી છે પરંતુ હકીકત તો એ છે કે તેમના પ્રયાસની પ્રશંસા થવી જોઇએ. કેમકે કૃત્રિમ વરસાદજ દિલ્હીની હવામાં પ્રસરેલા રજકણોને દબાવી શકે છે.

ડો રણદીપ કહે છેકે ૦.૧ માઇક્રોનથી પણ નાના કહી શકાય તેવા સૂક્ષ્મ પાર્ટીકલ માત્ર ફેફસા સુધી પહોંચે છે એમ માનવાની જરૂર નથી તે શરીરના લોહી સાથે ભળીને શરીરના દરેક ભાગમાં પ્રસરે છે. તે શરીરમાં સોજો લાવી શકે છે. તે શરીરમાં લોહી ફેરવતી નળીઓને સાંકડી બનાવી શકે છે. જેના કારણે સ્ટ્રોક અને હાર્ટએટેક પણ આવી શકે છે.

સામાન્ય રીતે એમ મનાય છે કે હવાના પ્રદૂષણથી કફ અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય છે.પરંતુ ડો રણદીપના મતે આ સાઇલન્ટ કીલરના માઇક્રો પાર્ટીકલ કેન્સરને પણ નોંતરી શકે છે. વિશ્વમાં ૨૦૨૪માં હવામાં પ્રદૂષણથી થયેલા મોત પર નજર કરીયે તો તે આંકડો ૮.૧ મિલીયનને વટાવી ગયો છે એેટલેકે આ આંક કોરોનામાં થયેલા મરણ કરતાં પણ વધારે છે.

કૃત્રિમ વરસાદ માટે અમલમાં મુકાતું ક્લાઉડ સીડીંગ બહુ ખર્ચાળ હોય છે. દિલ્હીની સરકારે આઇઆઇટી કાનુપર સાથે કૃત્રિમ વરસાદ માટે એમઓયુ કર્યા હતા. એક કિલોમીટર વિસ્તારમાં ક્લાઉડ સીડીંગ પાછળ ૨૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે આવા પ્રોજેક્ટ સફળ થતા નથી.

દિવાળીના દિવસોમાં મોટા પાયે ફટાકડા ફૂટવાના કારણે અમદાવાદ જેવા સ્વચ્છ શહેરમાં પણ હવાનું પ્રદૂષણ જોવા મળ્યું હતું. જ્યારે કોલસાનો ઉપયોગ રસોઇ કામમાં થતો હતો ત્યારે કેટલાક મજૂર વિસ્તારોમાં સાંજના સમયે સખત ધૂમાડો પ્રસરી જતો હતો. ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જતો હતો.

કૃત્રિમ વરસાદ પડશે અને દિલ્હીના લોકોને રાહત થશે તે વાત હવે તાત્કાલીક સમયમાં આગળ વધી શકે એમ નથી. દિલ્હીને હવાના પ્રદૂષણથી મુક્ત કરવાના પ્લાન એક દિવસમાં એક  કૃત્રિમ વરસાદથી નિવારી શકાય એમ નથી. યમુના નદીના પ્રદૂષણને દુર કરવા જેમ પાંચ વર્ષનું પ્લાનીંગ કરવું પડે છે એમ દિલ્હીના પ્રદૂષણના કેસમાં પાંચ વર્ષથી પણ વધુ લાંબા પ્લાનીંગની જરૂરી છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે તે પર્યાવરણની રક્ષા માટે લેવાયેલા તમામ પગલાનું માર્કેટીંગ કરવા પાછળ લાખોનો ધૂમાડો કરતી હતી.

દિલ્હીમાં વર્તમાન ભાજપની સરકારે છઠની પૂજા વખતે યમુનાના કિનારા સ્વચ્છ કરીને વાહવાહી મેળવી લીધી હતી પરંતુ હવાનું કાળમૂખું પ્રદૂષણ દિલ્હીના લોકોને ગળી જવા તેયાર બેઠું છે તે બાબતે બહુ ધ્યાન રાખ્યું નહોતું.

દિલ્હીની સરકારે પોતાના પ્રધાનોને પેટ્રોલ-ડિઝલની કારના બદલે ઇલેકટ્રીક કાર પર શિફ્ટ થવું ફરજીયાત કરવા જેવા  કડક નિર્ણયો લેવા પડશે. લોકો વધુ ઈવી ખરીદતા થાય તે માટે સબસીડી આપવી પડશે. ધૂમાડો ઓકતા દરેક ઉદ્યોગોને સીલ મારવા જેવી હિંમત બતાવવી પડશે. ડિઝલના ધૂમાડા ઓકતી ટ્રકો તેમજ ખેતરોમાં બળાતા વેસ્ટ સામે પણ  કડક બનવું પડશે. દિલ્હીમાં વૃક્ષોની માત્રા બમણી કરવા પ્રયાસ કરવા પડશે.

દિલ્હીના હવા પ્રદૂષણની સમસ્યા રાજકીય નથી પરંતુ સત્તા પર બેસીને પર્યાવરણ સાથે છેતરપીંડી કરતા લોકોના કારણે ઉભી થયેલી છે. રાજકીય તખ્તા પર પડશે એમ દેવાશે જેવી નિતી  પર્યાવરણ સામેના જંગમાં અપનાવી શકાય એમ નથી. સરકાર ગમે તેની હોય પણ હવાના પ્રદૂષણ બાબતની બેદરકારી કોઇને છોડતી નથી. દિલ્હીમાં રાજકીય પક્ષો તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓએ તમામ મતભેદો છોડીને એક છત્ર નીચે આવવાની જરૂર છે. 

લોકોના સાથ સહકાર વગર પ્રદૂષણના રાક્ષસને નાથી શકાય એમ નથી. દિલ્હીમાં દર વર્ષે બહુ મોટા પાયે રાવણ દહન થાય છે એમ જો પ્રદૂષણના રાક્ષસનું દહન કરાત તો આવી લાચાર સ્થિતિ ઉભી ના થાત.