- એક્ઝિટ પોલનાં પરિણામોને લોકો ચ્યુંઇંગ ગમની જેમ ચગળ્યા કરે છે
- પ્રસંગપટ
- રાજકીય સત્તા હાંસલ કરવાનારાઓ માટે એક્ઝિટ પોલની જીત અમૃત સમાન હોય છે
ભારતીય રાજકારણમાં ચૂંટણીની રંગત મતદાન પછી પણ ચાલુ રહે છે. મતદાન પુરૃં થયા પછી કરવામાં આવતા એક્ઝિટ પોલ આમ તો નર્યું નાટક છે, પણ તોય જનતાને એમાં રસ પડે છે. એક્ઝિટ પોલ ચ્યુંઇંગ ગમ સમાન હોય છે. લોકો અને મિડીયા તેને ચગળ્યા કરે છે અને પરિણામો આવે ત્યારે કેટલીય વાર ભોંઠા પડે છે. અનુભવી રાજકારણીઓ પોતાના પક્ષના ઉમેદવારોની તાકાત જાણતા હોય છે. બધા પક્ષોને અંદરખાને ખબર હોય છે કે તેમના ઉમેદવારમાં કેટલો દમ છે, તેમ છતાં પોઝિટિવ એક્ઝિટ પોલ જોઇને તેઓ હરખાયા કરે છે. એક્ઝિટ પોલે અનેક વાર રાજકીય પક્ષોને કડવો ઘૂંટ પીવડાવ્યો છે. એક્ઝિટ પોલનાં પરિણામો રાજકીય પક્ષો અને તેમના સમર્થકોને સપનાં જોતાં કરે છે. એક્ઝિટ પોલ ગમે તે એજન્સીએ કન્ડક્ટ કર્યો હોય, પરંતુ કોઇ તેના પર ભરોસો મુકતું નથી. સૌની નજર અંતિમ પરિણામો પર જ હોય છે.
એક્ઝિટ પોલ આમ કો આંકડાકીય સાયન્સ છે. લાખો મતદારોમાંથી મુઠ્ઠીભર લોકોને પૂછીને, સોશિયલ મિડીયા પર થઈ રહેલી ધમાધમને તાગીને અને સમગ્રપણે ઊભી થતી અસરના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરાતા હોય છે. જે એજન્સીનો એક્ઝિટ પોલ ખોટા પડે છે તે ક્યારેય લોકોની માફી માગતી નથી. સૌ પોતપોતાના ગણિતને ટકોરાબંધ માનીને બહુ આત્મવિશ્વાસ સાથે એક્ઝિટ પોલ બહાર પાડતા હોય છે. અનેક યુટયુબ ચેનલો તો વળી ટેબલ પર જ આંકડા તૈયાર કરીને પોતાની રીતે કોણ જીતશે તે બતાવવા ટેબલસ્ટોરી ઘસડી મારે છે. અનેક ચેનલો પોતાને ગમતા પક્ષને કે આર્થિક સહાય કરતા પક્ષને 'જીતાડતા' હોય છે. તેઓ અમુક ચોક્કસ પાર્ટીના વિજય માટે હવા ઊભી કરવા માગતા હોય છે.
ટીવી ચેનલો એક્ઝિટ પોલ માટે પુષ્કળ સમય ફાળવે છે, પણ સવાલ એ છે કે શું ખરેખર એક્ઝિટ પોલની કશી જરૂર હોય છે ખરી? મતદાન પુરૃં થાય કે કલાકમાં એક્ઝિટ પોલના વર્તારા ટીવી સ્ક્રીન પર આવતા થઇ જાય છે. ખરેખર તો આ બધી આંકડાની આતશબાજી હોય છે. તેમ છતાં ખાસ કરીને રાજકારણ સાથે સંકળાયેલા લોકો તેની રાહ જોઇને બેઠા હોય છે. એક્ઝિટ પોલના આંકડા અને આ લોકોની આશા ખોટા એટલા માટે પડે છે કે ભારતના મતદાતાને પોતે કોને વોટ આપ્યો તે સાચેસાચું કહી દેવાની આદત નથી.
૨૦૨૪ની લોકસભામાં એક્ઝિટ પોલે એનડીએને ૩૮૦થી ૪૦૦ બેઠક પર વિજય મળશે એવી ભવિષ્યવાણી કરી હતી, પરંતુ પરિણામો આવ્યાં ને એનડીએને ઓછી બેઠકો મળી એટલે જનતા દળ (યુ)નો ટેકો લેવો પડયો હતો. એવું જ હરિયાણા વિધાનસભાનાં પરિણામોમાં થયું હતું. અહીં કોંગ્રેસે બહુમતી સાથે સરકાર બનાવી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો જાણે છે કે એક્ઝિટ પોલ જવાબદાર હોતા નથી. જોકે સોશિયલ મિડીયા પર તો એક્ઝિટ પોલ સંબંધિત પોસ્ટ્સનું પૂર આવી જતું હોય છે.
એક્ઝિટ પોલમાં જે પક્ષને જીતતો વિજય બતાવાય છે તે અંતિમ પરિણામો આવે ત્યાં સુધી જીતનો આનંદ લૂંટતો રહે છે. તેઓ એક્ઝિટ પોલને આવકારે છે. રાજકીય સત્તા હાંસલ કરવા માગતા રાજકારણીઓ માટે એક્ઝિટ પોલની જીત અમૃત સમાન હોય છે. અંતિમ પરિણામો આવતાં પહેલાંનાં પરિણામો જાણવાની ઉત્કંઠા આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. એક્ઝિટ પોલ લોકોનો સમય બગાડે છે અને ભ્રમણામાં વધારો કરે છે. અનેક ઉમેદવારો જીતવા માટે વિવિધ ગુરૂ-બાવાઓ-ભુવાઓના આશીર્વાદ લેતા ફરે છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના લોકો રાજકારણમાં વધુ રસ લઇ રહ્યા છે. અમિત શાહ અને મોદી જેવા બે ગુજરાતીઓ દેશના રાજકારણમાં સૌથી ટોપ પર છે તેથી ગુજરાતની પ્રજા અન્ય રાજ્યોના રાજકારણમાં રસ લેતી થઈ છે. રાજકીય હૂંસાતૂંસી, પક્ષપલટાના આટાપાટા ઇત્યાદિ યુવા પેઢીએ, ખાસ કરીને આ ક્ષેત્રમાં પગ મૂકવા માગતા નવોદિતોએ સમજવા જેવું હોય છે.
અનેક રાજકીય ઘટનાઓ અચાનક વિજળીની ઝડપે બને છે અને લોકો આંચકો અનુભવે છે. તાજેતરની ચૂંટણીમાં તમિળનાડુના પક્ષ ટીએમકેનો અભિનેતા-કમ-નેતા ડાર્ક હોર્સ સમાન છે.
એક્ઝિટ પોલ પહેલાં તમાશો ઊભો કરે છે અને પછી લોકોને અંતિમ પરિણામોની રાહ જોવાનું કહે છે.


