અખાત્રીજની પવિત્રતા સોનાના માર્કેટિંગે આંચકી લેતા નારાજગી
- ગંગા સ્નાન અને ત્રણ રથની પૂજાનું મહાત્મ્ય વિસરાયું
- પ્રસંગપટ
- અખાત્રીજ પર સોનાની ખરીદી એવી હાવી થઈ ગઈ છે કે આ દિવસે પરશુરામ જ્યંતી પણ છે તે સાવ ભૂલાઈ જવાયું છે
સોનાના ખૂબ ઊંચા ભાવની અસર હેઠળ ગઇ કાલ બુધવારે અખાત્રીજ પર થઇ છે. ૯૭,૦૦૦ રૂપિયે તોલો સોનું ખરીદવું હાઈ નેટવર્થ ધરાવતા શ્રીમંતોને જ પોસાય. મધ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગ માટે સોનુ અને ચાંદી બંનેની ખરીદી સપનાં સમાન બનતી જાય છે. કોઇ ગૃહિણીએ હાથમાં પહેરવાની સોનાની બે તોલની બંગડી બનાવવી હોય તો એણે ઘડામણ સાથે બે લાખ રૂપિયા ચૂકવવા પડે. એક તોલાની બંગડી સાવ પાતળી હોવાની, તેથી મોટા ભાગે ગૃહિણી બે તોલાની એક બંગડી ખરીદવાનું વિચારતી હોય છે. આ સ્થિતિમાં એણે ઘડામણ સાથે ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયા ચૂકવવા પડે.
અખાત્રીજનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતિયા છે. અખાત્રીજને સોનાની ખરીદી સાથે જોડી દઈને લોકોને આ દિવસની પવિત્રતાથી દૂર રાખવામાં સોનાનાં આભૂષણોનું માર્કેટિંગ કરતી કંપનીઓ સફળ થઇ છે. અખાત્રીજનું પર્વ ક્યારે સાનાનાં આભૂષણોનું માર્કેેટિંગ કરનારાના હાથમાં સરી પડયું તે જ સમજાતું નથી. માર્કેટિંગ એજન્સીઓએ આ આખો ઉત્સવને હાઇજેક કરી લઈને તેને સોનાની ખરીદી સાથે જોડી દેવામાં સફળતા મેળવી છે તે હકીકત છે. નામંકિત કોર્પોરેટ કંપનીઓએ પણ સોનાની બ્રાન્ડ ઊભી કરીને શોરૂમ ખડા કરી દીધા છે. જેમ કે, ટાટાની બ્રાન્ડ તનિષ્ક છે, તો રિલાયન્સ કંપનીની રિલાયન્સ જ્વેલ્સ છે. કલ્યાણ જ્વેલર્સ, જોયાલુકાસ, ઇન્દ્રિયા જેવી બ્રાન્ડ્સ પણ લોકમુખે ચઢેલી છે.
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાની લાઇન લાગતી હોય એવું આ લખનારે જોયું છે, પણ ગઇ કાલે બુધવારે જાણે કે ફક્ત લકઝરી કાર ધરાવનારાઓ જ સોનું ખરીદતા હતા. શુકનનું સોનુ ખરીદતો એક વર્ગ છે, તે પણ આ વખતે ખરીદી કરવા નીકળ્યો નહીં. વર્તમાન મોંધવારીમાં મધ્યમવર્ગીય લોકો ભાગ્યે જ બચત કરી શકે છે. મધ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગ તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. તેમના ઘરખર્ચનું માસિક બજેટ મહિનાના ૨૫ દિવસમાં જ ખલાસ થઇ જાય છે. આવી સ્થિતિમાં તેઓે બચત ક્યાંથી કરી શકવાના? સામાન્ય શાકભાજી-અનાજથી માંડીને પેટ્રોલ-ડિઝલથી લઈને સંતાનોના શિક્ષણ સહિતનું બધું જ જ્યારે મોેંઘુંદાટ થઈ ચૂક્યું હોય બચત કેવી ને વાત કેવી.
સોનુ એક લાખને સ્પર્શી ગયું ત્યારે જ મધ્યમવર્ગ સમજી ગયો હતો કે એમના માટે સોનાનો સંગ્રહ અને સોનાની ખરીદી ભૂતકાળ બની જવાનાં છે. આવા સંજોગોમાં અખાત્રીજનો દિવસ સોનાના માર્કેટમાં મંદી છવાયેલી જોવા મળે તો તેમાં નવાઇ પામવા જેવું કશું જ નથી.
સોના પ્રત્યે મહિલાઓને સહજ આકર્ષણ હોય છે. ગુજરાતની મહિલાઓ કરતાં દક્ષિણની મહિલાઓને સોનાનો સંગ્રહ કરવાનો અને સોનાનાં ઘરેણાં પહેરવાનો વધુ શોખ હોય છે.
ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજે થયો હતો, પરંતુ આ તહેવાર પર સોનાની ખરીદી એવી હાવી થઈ ગઈ છે કે કે આ દિવસે પરશુરામ જ્યંતી પણ છે તેવું લગભગ ભૂલાઈ જ ગયું છે. અત્યંત ક્રોધ કરનારા બ્રાહ્મણના પરશુરામની ઉપમા આપવામાં આવે છે.
અખાત્રીજના આ પવિત્ર દિવસ સાથે સંકળાયેલા અન્ય તહેવારોમાં ગંગા અવતરણ મહત્ત્વનું છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર ભાગીરથની તપશ્ચર્યા પછી ગંગા પ્રચંડ વેગથી પૃથ્વી તરફ આવી ત્યારે જો તેની ગતિ રોકવામાં આવી ન હોત તો તે સીધી જ પાતાળમાં પહોંચી જાત. તેથી ભગવાન મહાદેવે પોતાની જટામાં ગંગાને રોકી અને અક્ષય તૃતીયાના દિવસે મુક્ત કરી. તેથી જ આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે.
અખાત્રીજે ભગવાન જગન્નાથના મંદિરે ત્રણેય રથનું પૂજન કરવાની પરંપરા છે. આદિગુરૂ શંકરાચાર્યેે આ દિવસે કનકધરા સ્તોત્રની રચના કરી હતી. ભાવનગરનો સ્થાપના દિવસ પણ અખાત્રીજ છે.
અખાત્રીજ સાથે જોડાયેલી ગંગા અવતરણ તથા અન્ય કથાઓ આજના લોકોને સમજવી મુશ્કેલ છે. પ્રાચીન કથાઓમાં સમાયેલા ગૂઢાર્થોને આધુનિક સંદર્ભો સાથે સમજાવવાનું કામ ખરેખર તો ધાર્મિક કથાકારોનું છે. તેઓ પોતાની ફરજ ચૂક્યા એટલે અખાત્રીજને સોનાની ખરીદી સાથે જોડી દેવામાં માર્કેટિંગ કરનારાઓ સફળ થયા.