ભીડ મેનેજમેન્ટ માટે NDRF જેવી એજન્સી તૈયાર કરવી જોઇએ
- પુરીમાં રથયાત્રાની ધક્કામુક્કીમાં ત્રણ શ્રદ્ધાળુનાં મોત
- પ્રસંગપટ
- અમદાવાદની રથયાત્રામાં સામેલ થયેલા ત્રણ હાથીની ચિચિયારીઓ ખાડીયાના રોડ પર ગૂંજે છે
આપણે ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને ફાઇવજી ઇન્ટરનેટ સ્પીડનાં ઢોલ પીટતા હોઇએ, પરંતુ જ્યાં સુધી તંત્ર તરફથી પાયાની સવલતો નહીં મળે અને નાગરિકોમાં મૂળભૂત જાગૃતિ નહીં ફેલાય ત્યાં સુધી ભીડ અને ધક્કામુક્કીનું મેનેજમેન્ટ કરવું શક્ય નથી. બેંગલુરૂમાં આઇપીએલની વિજેતા ટીમના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં થયેલાં ૧૧ લોકોનાં મોત આપણા ચિત્તમાં એકદમ તાજાં છે ત્યાં પુરીની રથયાત્રાની ધક્કામુક્કીના ત્રણ શ્રદ્ધાળુઓનાં અપમૃત્યુ ને પચાસેક લોકોના ઘાયલ થવાના સમાચાર આવ્યા.
દેશની બન્ને મોટી રથયાત્રાઓ - જગન્નાથ પુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રા - આ વખતે વિવાદનું કારણ બની. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓ ચિચિયારીઓ પાડતા ભળતી જ દિશામાં દોડી જતાં ગભરાટ ફેલાયો હતો. વાઇરલ થયેલાં તે દ્રશ્યો થથરાવી મૂકે તેવાં હતાં. રવિવારે પુરીમાં રથયાત્રા ગુંડીચા મંદિર ખાતે પહોંચી ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ ને ત્રણ શ્રદ્ધાળુઓ પરધામ સિધાવી ગયા. ડઝનબંધ લોકો ઘાયલ થયા તે વધારમાં.
રથયાત્રાની તારીખ, તેનો રુટ, જ્યાં રથ રોકાવાના છે તે જગ્યાઓ, સન્માનના સ્થળો વગેરે પરંપરાગત રીતે પૂર્વનિશ્ચિત હોવા છતાં આ માર્ગો પર ભીડ નિયંત્રણના મામલામાં ધાંધિયા થાય ને ધક્કામુક્કીને કારણે લોકો મોતને ભેટા તે બાબત આઘાતજનક છે. ભીડમાં થતી દોડધામ પર અંકુશ આણવો આસાન હોતો તે પણ હકીકત છે.
અમદાવાદની રથયાત્રા દરમિયાન હાથી કતાર છોડીને આડશ તોડીને ભળતી દિશામાં ભાગ્યો ને બીજા બે હાથીઓ પણ તેની પાછળ-પાછળ દોડી ગયા ત્યાં સદભાગ્યે ભીડ નહોતી, પણ ધારો કે ભીડ હોત તો ડરના માર્યા ખૂબ ભાગદેાડ મચી જાત. ડીજેના ઘોંઘાટથી ઉશ્કેરાયેલા હાથીઓને કારણે અમદાવાદમાં ધક્કામુક્કી થવાની સંભાવના હતી. સદભાગ્યે હાથીઓને સમયસર અંકુશમાં લઈ લેવામાં આવ્યા ને કોઈને ઇજા ન થઈ.
પુરીના ગુંડીચા મંદિર પાસે હજારો શ્રદ્ધાળુઓ લોકો રથયાત્રાના દર્શન માટે વહેલી સવારે ચાર વાગ્યાથી એકઠા થઈને રથયાત્રાની રાહ જોતા હતા. તે વખતે ભીડને મેનેજ કરવા કોઇ પોલીસ હાજર નહોતા. નજરે જોનારાઓેએ કહ્યું હતું કે ભીડ સતત વધતી જતી હતી, જગ્યા ઓછી હતી ને એમાં મંદિરની ધાર્મિક વિધિઓનો સામાન ભરેલું વાહન ભીડમાં ધૂસતા ધક્કામુક્કી સર્જાઈ હતી.
હવે ઓડીસાની ભાજપ સરકાર કહે છે કે કોઇ સંજોગોમાં વહીવટી બેદરકારી ચલાવી નહીં લેવાય. સત્તાધારીઓની આવી વાતો ઘોડા ભાગી છૂટયા પછી તબેલાને તાળાં મારવા જેવી વાત છે. રથયાત્રામાં હજારો લોકો ઉમટતા હોય છે ત્યારે તેમની સલામતી માટનું પૂરેપૂરું આયોજન એડવાન્સમાં થઈ જવું જોઈએ. જવાબદાર અધિકારીઓની બદલી કરવાની વાતો કરીને લોકોને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે. ખરેખર તો જવાબદાર અધિકારીઓને ત્વરીત નોકરીમાંથી રવાના કરી દેવા જોઇએ. પોલીસતંત્ર માટે શરમજનક વાત એ છે કે ધક્કામુક્કી થયા પછી પણ થોડા કલાકો તે હરકતમાં આવી હતી. એક પોલીસ અધિકારીએ સ્ટાફને સૂચના આપી હતી કે જે કોઈ બેરીકેડ તોડે તેના ટાંટીયા તેાડી નાખજો.
ભીડ એકઠી થઈ હોય ત્યારે એકાદ અફવા પણ નાસભાગનું કારણ બની જાય છે. આ વખતે મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ઉમટયા હતા અને દુર્ઘટના પણ ઘટી હતી, પણ જો તેને અપવાદરુપ ઘટના ગણીએ તો સમગ્રપણે કુંભમાં ભીડનું મેનેજમેન્ટ સારું હતું. અહીં પોલીસ તંત્રને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
જે રીતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-શઘઇખ પૂર કે વાવાઝોડા દરમ્યાન ઉત્તમ કામગીરી કરીને પ્રશંસા પામે છે તે રીતે ભીડના મેનેજમેન્ટ માટે પણ અલાયદી એજન્સી ઊભી કરવાની જરૂર છે. સરકારે પ્રાયોગિક ધોરણે ભીડ મેનેજમેન્ટની જવાબદારી એનડીઆરએફને સોંપવી જોઈએ. જ્યાં પણ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો (રથયાત્રા, જન્માષ્ટમી વગેરે) મોટા સ્તરે ઉજવાય છે ત્યાં એનડીઆરએફ પ્રકારની તાલીબદ્ધ સરકારી એજન્સીને કામે લગાડી દેવી જોઈએ. બે દિવસ પછી અમરનાથ યાત્રા શરૂ થશે. અહીં અસરકારક ભીડ મેનેજમેન્ટ થશે જ એવી ખાતરી સત્તાધારીઓ આપી શકે એમ નથી.