Get The App

કપાસના ટેકાના ભાવમાં વદ્ધિ પછી બજારમાં પોઝિટીવ અસરોના સંકેત

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
કપાસના ટેકાના ભાવમાં વદ્ધિ પછી બજારમાં પોઝિટીવ અસરોના સંકેત 1 - image


- પ્રસંગપટ

- ચોમાસાની ચાલ પર ખેડૂતોની નજર

- પાકનો અંદાજ વધારાયો: નવા ઉચ્ચ પ્રાપ્તી આપતા બિયારણો કપાસ માટે વિકસાવવા જરૂરી હોવાનું મંતવ્ય

દરમિયાન, કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસના ટેકાના ભાવમાં ખાસ્સી વૃદ્ધી કર્યાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે બજારમાં પણ તેની પોઝીટીવ અસર દેખાઈ છે ઉપરાંત આના પગલે કોટન કોર્પોરેશને પણ ભાવમાં વૃદ્ધી કર્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  જોકે કપાસના ટેકાના ભાવ વધારાતાં એક બાજુ કપાસ ઉગાડતા ખેડૂતોમાં આનંદની લાગણી દેખાઈ છે ત્યારે બીજી તરફ રૂના ઉંચા ભાવ ચુકવવા પડશે એવી ભીતિ વચ્ચે ટેક્સટાઈલ ક્ષેત્રમાં વસવસો પણ જોવા મળ્યો  છે. સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર વધારો કરાતો હોતાં છેલ્લા ૪ વર્ષમાં આવા ટેકાના ભાવમાં કિવ.દીઠ આશરે રૂ.૧૫૦૦ની વૃદ્ધી થઈ ગઈ હોવાનું ટેક્સટાઈલ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.  ટેકાના ભાવ વધ્યા પછી સીઆઈઆઈએ રૂના ભાવમાં ખાંડીદીઠ રૂ.૫૦૦થી ૬૦૦ની વૃદ્ધી કર્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. કપાસના ટેકાના ભાવ વધારાતાં હવે કપાસ ઉગાડતા ખેડૂતો કપાસનું વધુ વાવેતર કરશે એવી આશા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં હેકટરદીઠ કપાસની સરેરાશ પેદાશ-ઉપજ આશરે ૪૪૬થી ૪૪૭ કિલો આસપાસ રહી છે તે વધારી ૯૫૦થી ૧૦૦૦ કિલો સુધી લઈ જવામા આવે તો ઘરઆંગણે રૂનું વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેમ છે. રૂની આયાત જકાત ઘટાડવાની માગણી પણ ટેક્સટાઈલ ઉદ્યોગ કરતો થયો છે. કપાસ ઉગાડતાં ખેડૂતોની નજર ચોમાસાની પ્રગતિ-ચાલ પર રહી છે. તેલંગણામાં કપાસના વાવેતરનો વિસ્તાર ૨૮થી ૨૯ લાખ હેકટર્સનો અંદાજાઈ રહ્યો છે. તેલંગણામાં કપાસ તથા ડાંગરનું વાવેતર વધતાં શાકભાજીની ખેતી ઘટી હોવાના તથા શાકબાજીના ભાવ ઉંચા ચુકવવા પડતા હોવાની ફરિયાદો  ત્યાંની ગૃહિણીઓ કરતી થઈ છે. દરમિયાન અમુક રાજ્યોમાં કપાસ ઉગાડતા ખેડૂતો કઠોળ તથા મકાઈ તરફ વળતાં તેના પગલે પણ કપાસના વાવેતરના વિસ્તાર પર અસર દેખાઈ હતી. ગયા વર્ષે દેશવ્યાપી ધોરણે કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર ૧૨૪થી ૧૨૫ લાખ હેકટર્સનો નોંધાયો હતો તથા એ દરમિયાન મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર ૪૨થી ૪૩ લાખ હેકટર્સમાં તથા ગુજરાતમાં ૨૬થી ૨૭ લાખ હેકટર્સમાં થયું હતું.

૨૦૨૩-૨૪ની મોસમનો આરંભ ઓકટોબર-૨૦૨૩માં થયો હતો અને એ વખતે પાછલી મોસમનો સિલ્લક સ્ટોક ૨૮ લાખ ૯૦ લાખ ગાંસડીનો નોંધાયો હતો જે આંકડો પાછલી મોસમના આરંભ વખતે ૨૪ લાખ ગાંસડી નોંધાયો હતો. વર્તમાન મોસમમાં આયાતનો અંદાજ ૧૨ લાખ ૫૦ હજાર ગાંસડીથી વધી ૧૬ લાખ ૪૦ હજાર ગાંસડી થતાં તથા ૩૧૭ લાખ ૭૦ હજાર ગાંસડીના પાકનો અંદાજ ઉમેરતાં ૨૦૨૩-૨૪ની વર્તમાન રૂ મોસમમાં દેશમાં આયાત સાથે રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૬૩ લાખ ગાંસડી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ આંકડો પાછલી મોસમમાં ૩૫૫ લાખ ૪૦ હજાર ગાંસડીનો નોંધાયો હતો. દેશમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર જો કે ઉંચો રહ્યો છે છતાં તેની સરખામણીએ રૂના ઉત્પાદનમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધી થતી નથી તથા આ માટે હેકટરદીઠ રૂની નીચી પેદાશ-ઉપજ જવાબદાર હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. નવા બિયારણો વિકસાવાય તો આ બાબતમાં ફેરફારો મેળવી શકાય તેમ છે. એવી ગણતરી બજારમાં બતાવાઈ રહી છે.

દરમિયાન, વર્તમાન રૂ મોસમમાં ઓકટોબરથી મે મહિનાના ૮ મહિનાના ગાળામાં દેશના બજારોમાં નવા રૂની કુલ આવકો આશરે ૨૯૬થી ૨૯૭ લાખ ગાંસડી આવી ગઈ છે. તથા આ ગાળામાં કોટન ઈમ્પોર્ટ આશરે ૫થી ૬ લાખ ગાંસડી થઈ છે.જો કે સામે આ ગાળામાં કોટન નિકાસ પણ આશરે ૨૨થી ૨૩ લાખ ગાંસડી નોંધાઈ છે. આ ૮ મહિનામાં દેશમાં રૂનો સ્થાનિક વપરાશ ૨૧૨થી ૨૧૩ લાખ ગાંસડી તથા મેના અંતે સ્ટોક ૯૫થી ૯૬ લાખ ગાંસડી અંદાજાયો છે. વર્તમાન મોસમ સપ્ટેમ્બરમાં પુરી થશે ત્યારે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક ૨૦ લાખ ગાંસડીનો રહી જવાનું અનુમાન પણ બજારમાં બતાવાઈ રહ્યું છે.

દેશમાં કોટન બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. કોટનના ઉત્પાનદમાં ચડઉતર થયા કરે છે. બીટી ટેકનોલોજી જૂની થઈ છે એ જોતાં હવે નવા ઉચ્ચ પ્રાપ્તી દર આપતા બિયારણો વિકસાવવાની આવશ્યકતા વધી હોવાનું બજારના જાણકારો જણાવતા થયા છે. દરમિયાન, દેશમાં રૂની નવી વર્તમાન મોસમ ૨૦૨૩-૨૪માં ઘરઆંગણે રૂના પાકનો અંદાજ જે આ પૂર્વે ૩૦૯ લાખ ૭૦ હજાર ગાંસડીનો અંદાજવામાં આવ્યો હતો.

Prasangpat

Google NewsGoogle News