- યુદ્ધ અને ચળકતી ધાતુઓ વચ્ચે સીધો સંબંધ હોય છે
- પ્રસંગપટ
- જેને એક સમયે ગરીબોના સોના તરીકે ઓળખ આપવામાં આવી હતી તેવી ચાંદીને ખરીદવા શ્રીમંતો લાઇનમાં ઊભા છે
૨૦૨૬નો આજે પહેલો દિવસ છે. ૨૦૨૫નો અંત ભાગ ચાંદીના ચમકીલા પ્રકાશમાં પસાર થયો હતો. ૨૦૨૬માં પણ ચાંદી ચમક્યા કરશે કે કેમ તે વિશે ચર્ચા ચાલી રહી છે. આ વર્ષના ગર્ભમાં શું છુપાયું છે તે જાણી શકાય એમ નથી, પરંતુ ૨૦૨૫ના ટ્રેન્ડ પરથી એમ કહી શકાય કે આ વર્ષે ભારતીયો સામે પડકારો વધશે. ગયા વર્ષે ભારતે યુદ્ધ સહિતના પડકારોનો સફળ રીતે સામનેા કર્યો. અમેરિકાના આકરા ટેરિફને આપણે પચાવી ગયા. ૨૦૨૬માં આ બધા અનુભવ કામમાં લાગી શકે છે.
ઓપરેશન સિંદૂરના દિવસોમાં યુદ્ધ લાંબુ ચાલશે તો રશિયા-યુક્રેન જેવી દશા થશે એમ મનાતું હતું, પરંતુ ભારતે ધૂંઆધાર હુમલા કરીને યુદ્ધ મોરચે શાંતિ પેદા કરી દીધી હતી. પાકિસ્તાન વળતો પ્રહાર કરી શક્યું નહીં એ જ ભારતની જીત હતી. યુદ્ધ અને ચળકતી ધાતુઓ વચ્ચે સીધા સંબંધ હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.
ચાંદી આજકાલ ઘેર ઘેર ચર્ચાતો મુદ્દો છે. જેને એક સમયે ગરીબોના સોના તરીકે ઓળખ આપવામાં આવી હતી તેનેે ખરીદવા આજેે હાઇ નેટવર્થ ધરાવતા લોકો લાઇનમાં ઊભા રહે છે. શુભ પ્રસંગોએ શ્રીમંતો સોનું ખરીદતા, જ્યારે મધ્યમવર્ગના લોકો ચાંદી ખરીદતા, કારણ કે સોના કરતાં ચાંદી ઘણી સસ્તી રહેતી હતી. સોનાનો ભાવ મધ્યમવર્ગને પરવડે એવો નહોતો. ૨૦૨૫ના વર્ષે ટ્રેન્ડ બદલી નાખ્યો છે. સોના કરતાં ચાંદી મોંધી થઇ ગઇ છે. એવું નથી કે લોકો ચાંદીની ખરીદી વધુ કરી રહ્યા છે માટે એટલા માટે તે મોંધી થઈ ગઈ છે, પણ ઇલેકટ્રીક કન્ડક્ટર તરીકે તેનો ઉપયોગ કરતા ઉદ્યોગો વધ્યા છે તેથી તેની ડિમાન્ડ વધી છે. કેટલીક મેડિકલ ડિવાઇસમાં ચાંદીનું ઇલેકટ્રીક કોટીંગ થાય છે.
એક સમય હતો કે જ્યારે એક્સરે ફિલ્મ ધોવાના દ્વાવણમાં ચાંદીનો ઉપયોગ દેખાતો હતો. સિલ્વરનો સૌથી વધુ ઉપયોગ આજે સોલાર એનર્જીના ઇકિવપમેન્ટ બનાવવામાં તેમજ ઇલેકટ્રીક વ્હીકલ બનાવવામાં બહુ મોટા પાયે વાપરી રહ્યા છે.
સોના કરતાં ચાંદીની બજાર વેલ્યૂમાં વધારો કરનારાં મુખ્ય પરિબળોમાં હવે સોલાર ઇક્વિમેન્ટ અને ઈવી કાર ઉત્પાદકોનો સમાવેશ થાય છે. જેવા ચાંદીની ભાવ વધ્યા તે સાથે જ બજારમાંથી ચાંદી લગભગ અદ્રશ્ય થઇ ગઇ હતી. ચાંદીનો ભાવ અઢી લાખને વટાવી ગયો હતા. બજારમાં ચાંદી ખરીદવા નીકળેલા લોકોને નિરાશ થવું પડયું હતું. છેલ્લી દિવાળી દરમિયાન, ખાસ કરીને ધનતેરસના રોજ દુકાનોમાં સોના કરતાં ચાંદી વધુ ખરીદાઇ હતી. ચાંદીની વેલ્યુએ સમયની માંગે બદલી નાખી છે.
મધ્યમવર્ગ હવે સોનું અને ચાંદી બંને ખરીદી શકે એમ નથી, કેમ કે તેના ભાવો પરવડે એવા નથી. લગ્ન સમારંભોમાં થતા સોના ચાંદીના વ્યવહારોની જગ્યાએ હવે રોકડના વ્યવહારો વધી શકે છે. વર્ષોથી સોના પછી ચાંદીની ગણત્રી કરાતી આવી છે. ૨૦૨૫માં ચાંંદી સોનાને ટક્કર મારીને આગળ નીકળી ગઇ છે તે ટ્રેન્ડ ૨૦૨૬માં પણ ચાલુ રહેશે એવો અંદાજ છે. ૨૦૨૫ની શરૂઆતમાં કોઇએ કલ્પ્યું પણ નહોતું કે ચાંદીના ભાવો ઉછળશે પરંતુ ૨૦૨૫ના અંત સુધીમાં તો તે અઢી લાખ રુપિયાને વટાવી ગઇ હતી.
જેને મધ્યમવર્ગનું સોનું કહેવાતું તે ચાંદી ૨૦૨૫ના અંતે મધ્યમ વર્ગ માટે સપના સમાન બની ગઇ હતી. આ લખાય છે ત્યારે ચાંદીના ભાવો ઘટયા છે, પરંતુ રૂપિયા ૨,૪૦,૦૦૦નો ભાવ પણ મધ્યમ વર્ગને પરવડે એવો નથી.
હવે જ્યારે ચાંદીના મુખ્ય ઉત્પાદક દેશો મેક્સિકો, પેરૂ અને ચીન પણ જો ૨૦૨૬માં ઉત્પાદન પર કાપ મુકશે તો ચાંદીના ભાવોમાં મોટોે ભડકો જોવા મળી શકે છે. ચાંદીની ખાણો પર્યાવરણની સમસ્યા તેમજ સરકારે ઊભા કરલા કડક નિયમોનો સામનો કરી રહી છે.
વૈશ્વિક સ્તરે, અલબત્ત, ચાંદીની ડિમાન્ડ છે જ. ચાંદીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. નવા ક્ષેત્રોમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. ૨૦૨૬ પણ ચાંદીની ચમક સાથે પસાર થવાનું છે તેવું દેખાઇ રહ્યું છે.


