Get The App

શેરબજારમાં નવાં રોકાણ ખેંચી લાવતું મહારાષ્ટ્રનું ઉત્તમ પગલું

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારમાં નવાં રોકાણ ખેંચી લાવતું મહારાષ્ટ્રનું ઉત્તમ પગલું 1 - image

- મહારાષ્ટ્રનાં મંદિરો શેરબજારમાં પૈસા રોકી શકશે

- પ્રસંગપટ

- મહારાષ્ટ્ર સરકારે ભરેલા કદમનું અનુકરણ ધીરે ધીરે દેશનાં અન્ય રાજ્યો પણ કરશે તે નક્કી છે 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી ટેરિફની અસર શેરબજારના સેન્સેક્સ પર ધાર્યા પ્રમાણેની થઈ નથી. બજારનાં સૂત્રોને ડર હતો કે ગુરૂવારનું બજાર ધબડકા સાખે ખુલશે અને સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો બોલશે. સદભાગ્યે બજારે ટેરીફ બાબતે હળવો પ્રતિભાવ આપ્યો છે. ગઈ કાલે થોડી ઉછળકૂદ બાદ શેરબજારમાં સ્થિર રહ્યું હતું. વ્યક્તિગત સ્તરે રોકાણ કરનારાઓ, સંસ્થાકીય રોકાણકારો તેમજ વિદેશી રોકાણકારોની એકબીજા પર  નજર હોય છે. જો વિદેશી રોકાણકરો તેમની મૂડી પાછી  ખેંચવા લાગે તો તેની સીધી અસર બજારના સેન્સેક્સ પર થાય છે. 

શેરબજારમાં સંસ્થાકીય રોકાણો જેવો એક નવો મજબૂત સોર્સ મહારાષ્ટ્ર સરકાર મારફતે ઊભો કરાયો છે, જે ધીરે ધીરે અન્ય રાજ્યો સુધી પહોંચશે તે નક્કી છે.

મહારાષ્ટ્રનાં મંદિરો હવે તેને દાનમાં મળતી રકમોને શેરબજારમાં રોકી શકશે. ભારતના મંદિરોમાં દાનની સરવાણી સતત વહેતી હોય છે. મંદિરોની આવકને મોટા ભાગે બેંકોમાં સલામત ડિપોઝીટ તરીકે મુકવામાં આવે છે. મંદિરોની ખુદની ગૌશાળા, ભોજનશાળા કે શિક્ષણસંસ્થાઓ જેવા પ્રોજેક્ટ્સમાં નાણું વપરાતું હોય છે. 

 મહારાષ્ટ્ર ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ મંદિરો રાષ્ટ્રીય બેંકો, કોઓપરેટીવ બેકો અને પોસ્ટ ઓફિસમાં પૈસા રોકી શકતાં હતાં. જુદાં જુદાં કામોમાં પૈસા ખર્ચવા હોય તો ખાસ એપ્રૂવલ લેવી પડતી હતી. કેટલાક શ્રીમંત મંદિરો શ્રદ્ધાળુઓના લાભાર્થે માંડ ૫ાંચેક ટકા ખર્ચી શકતાં હોય છે.

 મહારાષ્ટ્રના સૌથી વધુ આવક ધરાવતાં ત્રણ મંદિરોમાં મોખરે શિરડીના સાંઇબાબાનું મંદિર છે. છેલ્લા ફાયનાન્શિયલ યરમાં તેણે અંદાજે ૯૦૦ કરોડ રૂપિયાની આવક કરી હતી. બીજા નંબર પર સિદ્ધિવિનાયક મંદિર (અંદાજે ૧૩૩ કરોડ રૂપિયા) અને ત્રીજે સ્થાને પૂણેના દગડુ શેઠ ગણેશ મંદિર (૪૫ કરોડ રૂપિયા) આવે છે. આ મંંદિરો તેમની આવકના ૫૦ ટકા શેરબજારમાં રોકે તો માર્કેટ વધુ સધ્ધર બની શકે છે. દેશમાં સૌથી વધુ આવક ધરાવતું તિરૂપતિ બાલાજી મંદિર છે. ૨૦૨૪-૨૫ દરમિયાન તેની અંદાજિત આવક ૫૧૪૧ કરોડ રૂપિયા જેટલી છે. 

મહારાષ્ટ્ર રાજ્યના ચેરિટી કમિશનર કાર્યાલયના ડેટા અનુસાર, રાજ્યમાં ૫૯,૧૪૩ જાહેર ટ્રસ્ટ નોંધાયેલાં છે. તેમના સામૂહિક ભંડોળના સત્તાવાર આંકડા ઉપલબ્ધ ન હોવા છતાં, બજાર નિરીક્ષકો સૂચવે છે કે આ સંસ્થાઓ સામૂહિક રીતે કેટલાક હજાર કરોડ રૂપિયાના ભંડોળનું સંચાલન કરે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, આ સુધારાથી સમય જતાં રોકાણયોગ્ય સંપત્તિમાં રૂ. ૫,૦૦૦-૧૦,૦૦૦ કરોડનું વિસ્તરણ થઈ શકે છે. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈ્ખ અને ડેટ માર્કેટ માટે એક નવો અને મોટો આધાર પૂરો પાડશે. આ પરિવર્તનમાં ચેરિટેબલ મૂડીનું સંચાલન કેવી રીતે થાય છે તે જોવાનું રહ્યું. 

મહારાષ્ટ્ર દ્વારા આ સીમાચિહ્નરૂપ નીતિ પરિવર્તન જાહેર ટ્રસ્ટો માટે એક વળાંક બની શકે છે. નિયમનકારી સ્પષ્ટતા, જોખમ નિયંત્રણો અને બજાર ઍક્સેસ સાથે, રાજ્યમાં ચેરિટેબલ ટ્રસ્ટો સંતુલિત રોકાણ વ્યૂહરચનાઓ અપનાવી શકે છે. 

મહારાષ્ટે્ર આગેવાની લીધી છે, ભારતનાં અન્ય રાજ્યો ટૂંક સમયમાં તેનું પાલન કરી શકે છે. શ્રદ્ધા અને નાણાંનો સંગમ ભારતના મૂડી બજારો માટે નજીકના ભવિષ્યનો મોટો વિષય હોઈ શકે છે.

આ પગલું પ્રગતિશીલ છે. મંદિરોની મૂડી ફિક્સ ડિપોઝીટ તરીકે પડી રહે તો તેના પર મહત્તમ સાત ટકા જેટલું વ્યાજ મળે. મંદિરો પાસે પડી રહેલી મૂડીને શેરબજારમાં રોકવાની દિશામાં પહેલ કરીને મહારાષ્ટ્ર નવો ચીલો ચાતરી રહ્યું છે. મહારાષ્ટ્ર જેવું પગલું અન્ય રાજ્યો ભરે તો શેરબજારમાં રોકાણનું એક પોઝિટીવ ચેપ્ટર શરૂ થઇ શકે છે. શેરબજારમાં નવાં રોકાણોનો પ્રવાહ વહે તે જરૂરી છે.