- આઇપીએલની મેચોનો સટ્ટેા થાઇલેન્ડથી ચાલતો હતો
- પ્રસંગપટ
- ગેરકાયદે ચાલતી 8,400 જેટલી વેબસાઇટો અને એપ સરકારે બ્લોક કરી
આઇપીએલ મેચનો જંગ શરૂ થઇ ગયો છે ત્યારે બીજી તરફ આ મેચો પર રમાડાતો સટ્ટો પણ બજારમાં ચર્ચાઇ રહ્યો છે. ક્રિકેટ સત્તાવાળાઓ માટે આ સટ્ટો ડામવો અને તેના સેન્ટરો ચલાવતા લોકોને પકડવા પડકાર સમાન હતું. લગભગ દરેક ક્રિકેટ જંગ વખતે સટ્ટો રમાડનારા પોલીસ તંત્ર સામે પડકાર ઉભો કરતા હોય છે. આઇપીએલ જંગની મેચો પર રમાડાતો સટ્ટો જગ જાહેર હોય છે પરંતુ તેના એજન્ટોના મૂળ સુધી પહોંચી શકાતું નહોતું.
આ સટ્ટા ગેંગ વિદેશમાંથી ઓપરેટ થતી હોઇ તપાસ અધિકારીઓ માટે તે પડકાર સમાન હતું. ઓનલાઇન બેટીંગનું નેટવર્ક આઇપીએલ સિઝનમાં ધમધમતું હોય છે જેમાં અનેક લોકો પૈસા ગુમાવતા હોય છે. બેટીંગ નેટવર્ક ચલાવનારા સુધી પહોંચવાના પ્રયાસોને બહુ સફળતા મળતી નહોતી.
પોલીસે થાઇલેન્ડના પતાયા ખાતે એક ભાડાના મકાનમાં ચાલતું બેટીંગ નેટવર્ક પકડી પાડીને ૬૮ જેટલા ભારતીયોને પકડી પાડયા હતા. પતાયા ભારતના લોકો માટે ટુરીસ્ટ સ્પોટ છે. ગુજરાતીઓ પતાયાની મુલાકાત પસંદ કરતા હોય છે.
થાઇલેન્ડના પતાયામાં લો પ્રોફાઇલ રહીને ભાડાના મકાનમાં રહીને બેટીંગ નેટવર્ક જ્યારે પકડાયું ત્યારે તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. પતાયામાં બેઠા બેઠા આ ગેંગે એવું નેટવર્ક ગોઠવ્યું હતું કે તેના મૂળ સુધી પહોંચી જ ના શકાય. તેમના પેટા એજન્ટોને પણ ખબર નહોતી કે પૈસાનો વ્યવહાર કેવી રીતે થાય છે.
આખું નેટવર્ક કોઇરીતે જવાબદેહી નહોતું. સટ્ટો રમનારાને કોઇ ભરોસો બેસતો નહોતો. થતાં સટ્ટાના શોખીનો તેમાં નસીબ અજમાવતા હતા.
પતાયામાંથી પકડાયેલા લોકો ટુરીસ્ટ વિઝા પર આવ્યા હતા અને પછી ત્યાંજ રોકાઇને બિઝનેસનું નેટવર્ક ગોઠવતા હતા. પોલીસે તેમને પકડયા ત્યારે મોટાભાગનાએ વિઝાના કાયદાનો ભંગ કરીને રહેતા હતા.પોલીસે બે મકાનો પર રેડ પાડી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે બધા જ ઇન્ડિયન હતા અને બેટીંગ નેટવર્ક મકાનમાં બેસીને ચલાવતા હતા.
શરૂઆતમાં જ્યારે બે મકાનો પર રેડ પડાઇ ત્યારે જાણવા મળ્યું હતું કે આખું નેટવર્ક વર્ષે દહાડે ૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરી કરે છે.
વિદેશથી ઓપરેટ કરાતી ૨૩ જેટલી ગેમ્બલીંગ સાઇટ પર પોલીસે વોચ રાખી હતી. એમ મનાતું હતું કે કોઇ વિદેશની ગેંગ તે ચલાવી રહી છે. પરંતુ ગેમ્બલીંગ વેબસાઇટનું પગેરૃં થાઇલેન્ડના પતાયા સુધી પહોંચ્યું હતું.
બેટીંગ નેટવર્ક ચલાવનારા એક સાઇટ પરથી રોજના છ લાખ રૂપિયાની હેરાફેરી કરતા હતા. એક જ રૂમમાં બેસીને આ લોકો ૨૩ ગેમ્બલીંગ સાઇટ ચલાવતા હતા.
રોજની ૫૬ લાખ રૂપિયાની હેરાફરી કરનારા મેઇન એજન્ટે ૩૫થી ૫૦,૦૦૦ પગારના ૫૦ જેટલા ઓપરેટરો રાખ્યા હતા. તેમાંથી ૨૫ તો ઇન્ડિયન હતા. તેમને રોટેશનમાં ડયૂટી સોંપાતી હતી.
ગેરકાયદે બેટીંગ નેટવર્ક ચલાવનારા પર સરકારે કડક કાર્યવાહી કરી છે. ગેરકાયદે ચાલતી ૮,૪૦૦ જેટલી વેબસાઇટો અને એપ સરકારે બ્લોક કરી છે.
જેમાં બહુ જાણીતી એવી પારીમેચ,ડેફા બેટ,ફેરપ્લે વગેરેનો સમાવેશ થાય છે. બ્લોક કરેલી વેબસાઇટો ઓનલાઇન ગેમીંગ એક્ટ ૨૦૨૫નો ભંગ કરતી હતી. આ વેબસાઇટો વિદેશથી ઓપરેટ કરાતી હતી.
સત્તાવાળાઓએ ઓનલાઇન બેટીંગ સાઇટોનો ઉપયોગ કરતા લોકોને ચેતવ્યા છે અને કહ્યું છેકે આવી સાઇટો ફ્રોડ નેટવર્ક અને મની લોન્ડરીંગ જેવી પ્રવૃત્તિ કરતી હોય છે.


