- પ્રસંગપટ
- ઓયો કંપનીના ફાઉન્ડર રિતેશ અગરવાલની સલાહ
- એનવિડીયાના ફાઉન્ડર જેન્સેન હુઆંગ પણ પોતાનાં વાસણો અને વોશરૂમ જાતે જ સાફ કરે છે
હોસ્પિટાલીટી ચેઇન ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલે તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજે પણ હું ક્યારેક અમારી ઓયો હોટલના રૂમો સાફ કરૂં છું, અને તેના વોશરૂમ-ટોયલેટ પણ ક્લીન કરૂં છું. તેઓ કહે છે કે આ રીતે હું મારામાં રહેલા નેતૃત્વના ગુણોને વધુ મજબૂત કરવા માંગુ છું.
જે કંપનીની આવક વર્ષે દહાડે ૫૩૦૦ કરોડ કરતાંય વધારે હોય તેના સીઇઓ ટોઈલેટ સાફ કરવાની ક્રિયા બદલ ગૌરવ અનુભવે ત્યારે આશ્ચર્ય તો થાય જ. તેઓ ટોઈલેટ સાફ કરવાની વાતની કબૂલાત જાહેરમાં બિલકુલ નિખાલસપણે કરે છે.
પરંપરાગત રીતે પાયખાનું સાફ કરવાની ક્રિયા આપણે ત્યાં ઉતરતાં કામની યાદીમાં આવે છે. સમયની સાથે પાયખાનાની ડિઝાઇન બદલાતી ગઈ. અગાઉનું જાજરૂ અથવા સંડાસ પછી બાથરૂમ બન્યું ને હવે તે વોશરૂમમાં રૂપાંતરિત થઇ ગયું છે. ડિઝાઇન ભલે આધુનિક થઈ, પરંતુ જાજરુની સફાઇક્રિયાને આજે પણ સૂગ સાથે જોવામાં આવે છે.
રિતેશ અગરવાલે કહ્યું હતું કે તમે ટોઈલેટ સાફ કરવાનો નિર્ણય કરો તો પહેલા દિવસે લોકો શું કહેશે તેનો ડર લાગશે,તમારૂં અભિમાન હણાશે, તમારો ધમંડ તમને આ કામ કરતાં રોકશે... પરંતુ આ બધું તમે રૂમની બહાર હશો ત્યારે અનુભવશો. તમે જેવું હાથમાં ઝાડુ પકડશો કે કે સાથે જ તમારો કહેવાતો ઘમંડ ચકનાચૂર થઇ જશે. વોશરૂમની બહાર અને વોશરૂંમની અંદર - આ બંને સ્થિતિ વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે તેની ખબર પડશે.
ભારતના યુવા ઉદ્યોગપતિઓમાં રિતેશ અગરવાલ બહુ નામ કમાયા છે. તેમનું જીવનકથામાંથી અનેક લોકોને પ્રેરણા મળી છે. એમના કહેવાનો સૂર એ છે કે ઉદ્યોગસાહસિકે મનમાંથી તમામ પ્રકારના ડર કાઢી નાખવો જોઇએ અને કોઇ પણ કામમાં નાનમ ન અનુભવવી જોઇએ. વ્યક્તિ નાનું-મોટું કોઇ પણ કામ કરી શકે છે તે ભાવના નવોદિત ઉદ્યોગસાહસિકોએ સમજવી પડશે. આવી સમજણ કોઇ પુસ્તમાંથી નથી મળતી. તેના માટે જાતે કમરથી વળવું પડે છે.
પોતાના આશ્રમના અંતેવાસી બનવા માગતા લોકોને ગાંધીજી સૌથી પહેલાં પાયખાનું સાફ કરવાનું કામ સોંપતા. માણસ કાં તો કંટાળીને આશ્રમ છોડી દેતા અથવા તો ઉત્સાહભેર કામ ચાલુ રાખેતા. આશ્રમમાં રોજ સવારે દરેકે હાથમાં ઝાડુ લઇને સફાઈકાર્ય કરવા જોડાવું પડતું. એ કમનસીબ બાબત છે કે ગાંધીજીના સ્વચ્છતાનો આગ્રહ ભાગ્યે જ કોઇ રાજકારણીમાં ઉતર્યો છે.
રિતેશ અગ્રવાલે ૨૦૧૨માં ઓયો નામની ગ્લોબલ હોસ્પિટાલિટી ચેઇન શરૂ કરી હતી. આજે ૮૦ દેશોમાં ઓયોના કુલ ૧૦ લાખ જેટલા રૂમો છે. રિતેશ અગરવાલ જેવી જ વાત વિશ્વની સૌથી મોટી ચિપ મેકિંગ કંપની એનવિડિયાના ફાઉન્ડર જેન્સેન હુઆંગે પણ કરી છે. તેઓ કહે છે કે હું કોઇ પણ કામને નાનું સમજતો નથી. હું મારા ઘેર કપ-રકાબી, ડિશ વગેરે જાતે ધોઈ લઉં છું, એ તો ઠીક, મારૂં ટોઈલેટ પણ હું જાતેજ સાફ કરૂં છું. સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા જેન્સેન સ્પષ્ટપણે કહે છે કે નાનાં-મોટાં તમામ કામની પોતાની મહત્તા હોય છે. જો તમે તમારા ટોઇલેટની જાતસફાઇ કરી શકો તો દુનિયાનું કોઈ કામ કરવામાં નાનમ નહીં અનુભવો તે નક્કી છે.
એનવિડિયા એટલે બે ટ્રિલિયન ડોલરની કંપની, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ટેકનિકલ જાયન્ટ કહેવાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાર્જ લેંગ્વેજ મોડલ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની કમ્પ્યુટર ચિપ્સની જરુર પડે છે, જેના પર એનવિડીયાની મોનોપોલી છે. આ કમ્પ્યુટર ચિપ્સ ખાસ્સી મોંઘી હોય છે. વચ્ચે ચીનનું ડીપસીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ વિસ્ફોટની જેમ ફૂટયું ત્યારે એનવિડીયાના શેરના ભાગ જોરદાર ગગડી ગયો હતો.
કોરાનાના લોકડાઉન દરમિયાન અનેક સેલિબ્રિટી પોતાના ઘરની સફાઇ જાતે કરીને તેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. આપણે ત્યાં શહેરોમાં ઝાડુ-પોતાં-રસોઈ-બાગકામથી લઈને જાજરુ અને કાર-બાઇકની સફાઈ સુધીનાં કામ માટે લોકો માણસો રાખે છે.
સૌ વાતની એક વાત. અહંકારને કાબૂમાં રાખવા માટે જાજરુની સફાઈ કરવાની રિતેશ અગરવાલની વાતમાં વજન છે ને તે અજમાવવા જેવી છે.


