યુરોપ, અમેરિકામાં મંદીના પગલે ભારત ખાતેથી કોફીની નિકાસ પર અસર પડશે

Updated: Jan 8th, 2023


- પ્રસંગપટ

- 2022માં કોફીની નિકાસ 1.70 ટકા જેટલી જ વધી

- દેશમાં નવી મોસમમાં કોફીનું ઉત્પાદન પાછલી મોસમની સરખામણીએ વધુ થવાની બતાવાતી શક્યતાઃ દુબઈમાં કોફી પરિષદ યોજાશે

દેશમાં કોફી તથા ચા બજાર અને ઉદ્યોગમાં  તાજેતરમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. વિતેલા ૨૦૨૨ના વર્ષમાં કોફી ક્ષેત્રે  પોઝીટીવ પરિબળો  જોવા મળ્યા હતા અને હવે  નવા વર્ષ ૨૦૨૩ માટે  પણ કોફી બજારમાં આશાવાદ ઉંચો રહ્યો છે.  કોફી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨માં  દેશમાંથી કોફીની નિકાસમાં  ધીમી ગતિની વૃદ્ધી દેખાઈ  છે.  વિતેલા  વર્ષમાં કોફીની નિકાસ આશરે  બે ટકા વધી ચાર લાખ ટનને આંબી ગઈ હોવાનું  સૂત્રોએ જણાવ્યું  હતું.   એશિયામાં  ભારતની ગણના કોફીના ઉત્પાદક તથા  નિકાસકાર દેશોમાં ત્રીજા  નંબરે થાય છે.  દેશમાંથી  વિતેલા વર્ષમાં  ખાસ કરીને  ઈન્સ્ટન્ટ કોફીની તથા  રિ-એક્સપોર્ટના સ્વરૂપમાં  કોફીની નિકાસ વધી છે.  હવે નવા વર્ષમાં  આવી નિકાસવૃદ્ધી  કેવી રહે  છે તેના પર બજારના ખેલાડીઓની નજર  રહી છે.  સરકાર હસ્તકના  કોફી બોર્ડના  સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨માં કોફીની નિકાસ ૧.૬૫  થી ૧.૭૦ ટકા જેટલી જ વધી છે. તથા નિકાસ ૪ લાખ ટનના  નજીક પહોંચી છે. ૨૦૨૧ના વર્ષમાં  આવી નિકાસ આશરે ૩ લાખ ૯૨થી ૯૩ હજાર ટન જેટલી થઈ હતી. નિકાસ મુલ્યના સંદર્ભમાં  જોઈએ તો જોકે  ૨૦૨૨માં  કોફીની નિકાસમાં  નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી છે. ૨૦૨૧માં કોફીની નિકાસનું કુલ મુલ્ય આશરે રૂ.૬૯૮૪થી ૬૯૮૫ કરોડ જેટલું  થયું હતું તે ૨૦૨૨માં  વધી આશરે  રૂ.૮૭૬૨થી  ૮૭૬૩  કરોડ જેટલું  નોંધાયું છે. ભારતમાંથી  રોબસ્ટા  તથા અરેબિકા  કોફી ઉપરાંત ઈન્સ્ટન્ટ કોફીની પણ નિકાસ થતી  હોય છે. ૨૦૨૨ના વિતેલા વર્ષમાં  દેશમાંથી જોકે  રોબસ્ટા તથા અરેબીકા કોફીની નિકાસમાં  ઘટાડો  થયો છે  પરંતુ  સામે ઈન્સ્ટન્ટ કોફીની નિકાસમાં ખાસ્સી વૃદ્ધી થતાં રોબસ્ટા તથા  અરેબિકા કોફીની નિકાસનો ઘટાડો સરભર થતાં થતાં એકંદરે  નિકાસમાં  સાધારણ વૃદ્ધી જોવા  મળી છે.૨૦૨૩માં યુરોપમાં રિલેશનની ભીતિ વચ્ચે ભારતથી યુરોપ તરફ કોફીની નિકાસને અસર થવાની ભીતિ પણ બતાવાઈ રહી છે.

કોફી બજારના જાણકારોના જણાવ્યા મુજબ  દેશમાંથી  રોબસ્ટા કોફીની નિકાસ ૨૦૨૧માં  ૨ લાખ ૨૦ હજાર ૯૯૭ ટન જેટલી થઈ હતી તે ૨૦૨૨માં ૨ લાખ ૨૦ હજાર ૯૭૪ ટન આસપાસ થઈ છે. આજ રીતે અરેબિકા  કોફીની નિકાસ આ ગાળામાં  ૧૧થી ૧૨ ટકા  જેટલી ઘટી છે. આ ગાળામાં  અરેબીકા કોફીની નિકાસ ૫૦૨૯૨ ટનથી ઘટી  ૪૪૫૪૨ ટન જેટલી થઈ  છે. જોકે આ ગાળામાં  ઈન્સટન્ટ કોફીની  નિકાસ દેશમાંથી ૨૯ હજાર  ૮૧૯ ટન જેટલી થઈ  હતી તે  ૨૦૨૨માં  વધી  ૩૫ હજાર ૮૧૦ ટન જેટલી થઈ હોવાનું  બજારના  જાણકારોએ  જણાવ્યું હતું.   દેશમાં  આયાત થયેલી કોફીનું  વેલ્યુએડીશન  કરી રિ-એક્સપોર્ટ પણ કરવામાં  આવે છે.  કોફીની આવી રિ-એક્સપોર્ટ  ૨૦૨૧માં આશરે ૯૨ હજાર ૨૩૫  ટન જેટલી  થઈ હતી તે ૨૦૨૨માં વદી  ૯૯ હજાર  ૫૧૩ ટન જેટલી થઈ છે. મુલ્યની દ્રષ્ટિએ  આવી નિકાસ  ટનદીઠ રૂ.૧ લાખ  ૭૭ હજાર ૪૦૬થી વધી  રૂ.૨ લાખ ૧૮ હજાર  ૯૨૩ જેટલી નોંધાઈ  છે.  ભારતની કોફીમાં  વિશ્વ બજારમાં  વિશેષરૂપે  ઈટાલી, જર્મની તથા રશિયાની માગ જોવા મળી છે. દરમિયાન, દેશમાં  કોફીનું ઉત્પાદન  ૨૦૨૨-૨૩ની નવી મોસમમાં  વધી આશરે ૩ લાખ ૯૩ હજાર ૪૦૦ ટન જેટલું  થવાની શક્યતા  જાણકારો  બતાવી રહ્યા છે.  દેશમાં  કોફીની નવી મોસમ ઓકટોબરમાં  શરૂ થાય છે  તથા  ત્યાર પછીના વર્ષમાં  સપ્ટેમ્બરમાં પુરી થાય  છે. દેશમાં ૨૦૨૧-૨૨ની  કોફી  મોસમમાં  કોફીનું ઉત્પાદન  આશરે ૩ લાખ ૪૨ હજાર ટન જેટલું  થયું હતું.  આમ ૨૦૨૨-૨૩ના કોફી  વર્ષમાં ગરઆંગણે  ઉત્પાદનમાં  વૃદ્ધી થવાનો  અંદાજ જાણકારો બતાવી રહ્યા છે.  દરમિયાન, દુબઈમાં  ૧૧થી ૧૩  જાન્યુઆરી દરમિયાન કોફીના  જાન્યુઆરી દરમિયાન  કોફી  વિશ્વ  બજારના ખેલાડીઓ  કોફી  પરિષદમાં ભાગ  લેવા દુબઈઆવી  રહ્યાના વાવડ  મળ્યા  છે.  કોફીની આવી વૈશ્વિક પરિષદ  અમેરિકા તથા યુરોપમાં  યોજાતી  હોય છે  અને હવે બેવર્ષથી  દુબઈમાં  પણ આવી કોફી  પરિષદ  યોજવામાં આવી રહી છે. દરમિયાન,  તાજેતરમાં  ચીન તથા  વિવિધ અન્ય દેશોમાં  કોવિડના  કેસો વધતાં  કોફી તથા  ચા બજારમાં  અજંપો  પણ વધ્યો છે.  ચા બજારના  જાણકારોના જણાવ્યા મુજબ  ચાનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે.  ત્યારે ચાના બજાર ભાવ  એટલા ઉપજતા નથી અને હવે  વિશ્વના વિવિધ દેશોમાં કોવિડના  કેસો ફરી  વધતાં ચા બજારના ખેલાડીઓમાં  ચિંતા વધી છે.


    Sports

    RECENT NEWS