ધંધા-રોજગાર, બજારો પુનઃ ખુલતાં બે કરોડ લોકો કામ પર પરત ફર્યા
- બેરોજગારીના મોરચે રાહત
પ્રસંગપટ
- માર્ચ અને એપ્રિલમાં ૧૨.૪ કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવ્યા બાદ મે મહિનામાં થોડી રાહત
ગત માર્ચ મહિનાના મધ્ય ભાગ બાદ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર તેમજ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. બીજીતરફ દેશભરમાંથી શ્રમિકોએ પોતાના વતન પરત જવા માટે દોટ મૂકી હતી. ઉદ્દભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે લોકોના રોજગાર પર મોટું સંકટ ઉભુ થયું છે. જો કે આ પ્રતિકૂળતા બાદ મે મહિનામાં થોડી રાહત જોવા મળી છે.
ઉપલબ્ધ ડેટા મુજબ માત્ર માર્ચ અને એપ્રિલ માસમાં જ દેશમાં ૧૨.૪ કરોડ લોકોએ પોતાના રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે.
લોકડાઉનના કારણે ઉદ્દભવેલ પ્રતિકૂળ સ્થિતિના કારણે જે લોકોએ રોજગાર ગુમાવ્યા છે તેમાં મોટા ભાગે એવા લોકો છે કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે કે પછી નીચલા સ્તરે કામ કરે છે. આ સમય દરમિયાન ખાસ કરીને સેલ્ફ એમ્પલોયઝ તેમજ સેલરી ક્લાસના લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તમામ ધંધા રોજગાર તેમજ ઉદ્યોગો ઠપ થઈ જતા સેલ્ફ એમ્પલોયઝ વર્ગની આવક પર તો પૂર્ણવિરામ જ મુકાઈ ગયું હતું. જ્યારે ઓફિસો, દુકાનો કે પછી અન્ય સ્થળોએ કાર્યરત સેલરી ક્લાસના લોકોને પણ મોટાપાયે સહન કરવાનો વારો આવ્યો હતો. આવા વર્ગના લોકોમાંથી બહુ ઓછા લોકોને નિયમિત પગાર મળ્યો હતો. સંખ્યાબંધ લોકોને તો પગાર જ મળ્યો નથી. તો કેટલાક લોકોના પગારમાં કાપ જોવા મળ્યો હતો.
સીએમઆઈઈએ તાજેતરમાં જાહેર કરેલા ડેટા મુજબ, માર્ચમાં ૧૦.૧ મિલિયન એટલે કે લગભગ ૧ કરોડ લોકોને પોતાનો રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યાંજ એપ્રિલ મહિનામાં ૧૧૩.૬ મિલિયન એટલે કે ૧૧.૩ કરોડ લોકોએ પોતાની આજીવિકા ગુમાવી દીધી હતી. એપ્રિલ મહિનામાં વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલા ૨ કરોડ જેટલા લોકોએ પોતાની રોજગારી ગુમાવી દીધી હતી. તો બીજીતરફ લગભગ ૧.૫ કરોડ સેલરીડ એમ્પલોયઝ પર જોબ લોસનું સંકટ ઉભું થયું હતું.
સૌથી વધારે મુશ્કેલી નાના વેપારીઓ અને મજૂરોને પડી હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું છે. લોકડાઉનના કારણે ઉદ્દભવેલ પ્રતિકૂળ સ્થિતિના કારણે ૭.૮ કરોડ મજૂર અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને એપ્રિલ મહિનામાં ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડયો હતો. મે માસમાં પણ તકલીફ પડી હતી પરંતુ તેનું પ્રમાણ ઓછું હતું. એકતરફ લોકડાઉનના કારણે ઉદ્દભવેલ પ્રતિકૂળ સ્થિતિના પગલે ધંધા રોજગાર અને ઉદ્યોગો ઠપ થઈ જવાની બીજીતરફ આવક પણ બંધ થઈ જતા દેશભરમાં શ્રમિકોએ પોતાના વતન ભેગા થવા રીતસરની દોટ મૂકી હતી. જેના કારણે ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
જો કે મે માસના મધ્ય ભાગ બાદ લોકડાઉનમાં રાહતો જાહેર થતા સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે તબક્કાવાર છૂટછાટો મળતા વિવિધ ધંધા રોજગાર અને ઉદ્યોગો પુનથ શરૂ થતાં અંદાજે ૨.૧ કરોડ જેટલા લોકો કામ પર પરત ફર્યાના અહેવાલ સાંપડે છે. જે લોકો કામ પર પરત ફર્યા છે તેમાં મોટાભાગે નાનામોટા શહેરોના બજારો ફરીથી ખુલતા સ્થાનિક લોકો પુનઃ નોકરી ધંધે પરત ફર્યા છે. ઉદ્યોગો તો આજે પણ શ્રમિકો વગર ઠંડાગાર જ છે.
કોવિડ-૧૯ને પરિણામો કામદારોની અછતનો ભારે સામનો કરી રહેલા દેશની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ વતન ચાલી ગયેલા કામદારોને ફરી કામે બોલાવવા માટે તેમને વિવિધ સવલતો ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. લોકડાઉન ખૂલી જવા છતાં કર્મચારીઓના અભાવે ઉદ્યોગો હાલમાં લોકડાઉન જેવી જ સ્થિતિ અનુભવી રહ્યા છે.
કામદારો ફરી કામ પર આવે તે માટે તેમને રહેવાની સગવડતા ઉપરાંત તેમના આરોગ્યની સંભાળની કંપનીઓ દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે એટલું જ નહીં તેઓ ઝડપથી કામ પર ચડે તે માટે તેમને વિમાન મારફત શહેરોમાં લઈ આવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.
એપ્રિલ-મેમાં તળિયે ગયેલી ઉત્પાદન પ્રવૃત્તિને ફરી પાટે ચડાવવી હશે તો અનુભવી કામદારો કામ પર પાછા ફરે તે અત્યંત જરૂરી છે એમ ઉત્પાદન ક્ષેત્રની એક કંપનીએ જણાવ્યું હતું. રિઅલ એસ્ટેટ, કન્ઝયૂમર પ્રોડકટસ, ઓટો, બાંધકામ તથા ટેકસટાઈલ ક્ષેત્રો શ્રમલક્ષી ઉદ્યોગો છે માટે આ ક્ષેત્રોમાં મોટી માત્રામાં કામદારોની આવશ્યકતા રહે છે.
લોકડાઉન હળવે હળવે ખૂલી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની કંપનીઓ આગામી બે મહિનામાં કામદારો પરત આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. પોતાના પ્લાન્ટસ જુલાઈથી સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતા થાય તેવા ઉદ્યોગોના પ્રયાસો છે.