પોતાની પ્રજાને જે બચાવી શકશે તે વિશ્વની મહાસત્તા બની જશે
- કોરોના વાઇરસે નવા સમીકરણો ઉભા કર્યા
- પ્રસંગપટ
- માનવ જાત સામે હાલમાં નવું અદ્રશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે : દરેક દેશે પોતાનો પક્ષ નક્કી કરવો પડશે
વિશ્વની મહાસત્તા વર્ષ ૨૦૨૦ પછી કોણ હશે, તેનો નિર્ણય એકાદ રાષ્ટ્ર કે વિવિધ રાષ્ટ્રોના બનેલા જૂથની જૈવિક (બાયોલોજીકલ) શસ્ત્રોને વિકસાવવાની અને સ્વયંના તેમજ શત્રુઓના જૈવિક શસ્ત્રોથી તેમની પોતાની પ્રજાને બચાવી શકવાની ક્ષમતાને આધારે થશે.
અત્યાર સુધીના મોટાભાગના યુદ્ધોમાં હરીફ પક્ષો વચ્ચે સાંસ્કૃતિક, નાણાંકીય અને સામાજિકની સરખામણીમાં ચડિયાતી ટેકનોલોજીએ કંઇક અંશે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.
પ્રાચીનકાળથી તમામ દસમાંથી નવ યુદ્ધોમાં મોટાભાગે જીત ચડિયાતી ટેકનોલોજી અને વિજ્ઞાાનની સમજણ ધરાવનાર પક્ષની થઇ છે. આ સંદર્ભમાં, યુરોપની સત્તાઓ વચ્ચે શરૂ થયેલા અને લડાયેલા બીજા વિશ્વ યુદ્ધમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
બીજું વિશ્વ યુદ્ધ અમુક રીતે, પ્રથમ વિશ્વ યુદ્ધ અને સ્પેનિશ ફલૂનું વિલંબિત પરિણામ હતું, જેનાથી પાછળથી મહાહતાશા, અમેરિકાના નવા અભિગમ, બીજું વિશ્વ યુદ્ધ અને પછીથી વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું. યુરોપિયન સત્તા માળખામાં અસમતુલા અને અમેરિકા અને જાપાન જેવી નવી સત્તાઓના ઉદ્ભવને વિશ્વની વ્યવસ્થાએ પચાવ્યો હતો.
જોકે, મહત્વ એ છે કે બીજું વિશ્વ યુદ્ધ અદ્વિતીય એ રીતે હતું કે તે વિજ્ઞાાન અને ટેકનોલોજી યુદ્ધ હતું. તેમાં, મોટરવાહનો, રણગાડીઓ (ટેન્કો), સબમરીનો, શસ્ત્ર સરંજામ હેરફેરના (લોજિસ્ટિકસ) આધુનિક સંસાધનો, દરિયાઇ જહાજો, બોમ્બ, લડાકુ વિમાનો વગેરેનો ભરપૂર ઉપયોગ માત્ર આ યુદ્ધ દરમિયાન થયો હતો. જર્મની અને યુ.કે. વગેરે જેવા રાષ્ટ્રોએ પોતાની તમામે તમામ ઔદ્યોગિક ક્ષમતા શસ્ત્રોના ઉત્પાદનમાં પલ્ટી નાખી હતી. લગભગ દરેક ઉત્પાદકીય માનવબળ યુદ્ધ પ્રવૃત્તિઓ પાછળ કાર્યરત હતું.
જોકે, યુદ્ધમાં ભાગ લેનાર દેશો અને તેમના ઘટકોમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીનો પ્રસાર મોટાપાયે એકસમાન ધોરણે થયો હતો. જેમાં, યુરોપિયન રાષ્ટ્રોનું મોટું પ્રમાણ હતું. તેમના સમાજો પહેલેથી જ એકીકૃત હોઇ તેમને ટેકનોલોજી વ્યાપકપણે ઉપલબ્ધ બની હતી. બીજું વિશ્વ યુદ્ધ સમાન બળ સાથે લડાવા છતાં અગાઉની સદીઓથી વિશ્વભરના અનેક રાષ્ટ્રો પરાધીન હોઇ યુ.કે. અને તેના સાથી રાષ્ટ્રો જંગી લશ્કરી તાકાત ધરાવતાં હતાં.
યુ.કે. અને સાથી પક્ષોની તાકાત કાગળ પર ધરખમ દેખાવા છતાં ઘણા વર્ષો સુધી યુદ્ધ ગતિરોધક કે સ્થગિત જણાયું હતું. યુદ્ધમાં લાખો લોકો ખપી ગયાં હતાં અને છતાં સ્પષ્ટપણે વિજેતા કોણ તે કળી શકાયું નહીં.
યુદ્ધમાં ઉતરવાના સમયે અને યુદ્ધ દરમિયાન એવી પરિકલ્પના વહેતી થઇ હતી કે અણુના (એટમ) ગર્ભનું (ન્યુક્લિયસ) પરમાણુ (પાર્ટિકલ) અપાર શક્તિ ધરાવતું હોય છે. આધુનિક પરમાણુ (ન્યુક્લિયર) વિજ્ઞાાનો વિચાર અને પાયાનું કામ યુરોપની દેન હતી. વૈજ્ઞાાનિક સમાજમાં એવી માન્યતા વ્યાપક હતી કે જો કોઇ ગર્ભની (ન્યુક્લિયસ) શક્તિને છૂટી કરી શકતો કાયમી કડીબદ્ધ પ્રત્યાઘાત ઉત્પન્ન કરે તો એવો વિસ્ફોટ થાય કે જે અગાઉ માનવજાતે ક્યારેય અનુભવ્યો ના હોય. આ એક રેસ હતી. આ રેસ વૈજ્ઞાાનિક વિચારો અને સપનાઓની હતી. એમાંની ઘણી ખરી પૂરવાર થઇ નથી અને ધૂની વૈજ્ઞાાનિકોના ભેજાની ઉપજ બનીને રહી ગઈ છે.
જર્મનીએ ઉપલબ્ધ જ્ઞાાનના આધારે અણુબોંબ બનાવવાનો આરંભ કર્યો હતો. રશિયા, યુ.કે. અને અન્યોએ પોતાના પ્રોજેક્ટો પર કામ શરૂ કર્યાં હતાં. જર્મની દ્વારા પોતાને ત્યાં અને અન્ય રાષ્ટ્રોમાં યહૂદીઓની સામૂહિક કત્લેઆમથી યહૂદીઓ અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને દૂર-દૂરના અન્ય સ્થળો ખાતે પ્રયાણ કરી ગયા હતા. અમેરિકા એક ઉભરતી સત્તા હતું અને બીજા વિશ્વ યુદ્ધના પ્રારંભમાં તેની કોઇ સીધી મુખ્ય ભૂમિકા હતી નહીં. અમેરિકાને અમુક તબક્કે પોતાના પક્ષે યુદ્ધમાં સંડોવવા યુ.કે.એ ઘણી મહેનત કરવી પડી હતી. અમેરિકા યુદ્ધથી જોજનો દૂર રહ્યું હતું અને ભૌગોલિક દૂરીને કારણે સ્વાભાવિક જ અન્ય રાષ્ટ્રોના હુમલાઓ સામે સલામત હતું.
આ દરમિયાન, યુદ્ધથી દૂર રહેલા અમેરિકાએ યુરોપ ઉપરાંત ઘણાં યહૂદી વૈજ્ઞાાનિકોને પોતાના દેશમાં આવકારીને તેમને આવાસ સુવિધા, યુનિવર્સિટીઓમાં ભણાવવાની સવલત અને સગવડદાયક જિંદગી જ નહીં પણ પ્રતિષ્ઠા અને તેઓ પ્રયોગ હાથ ધરી શકે તે માટે પ્રયોગશાળાઓની પણ સુવિધા આપી હતી. આ જાણીતા અને અજાણ્યા નવા વૈજ્ઞાાનિકોના ઉમેરાથી અમેરિકાના વિજ્ઞાાન સમાજમાં નવો ગણગણાટ શરૂ થયો હતો.