Get The App

માધવપુર (ઘેડ)માં માધવરાયજીનાં પ્રાચીન મંદિરની જીર્ણશીર્ણ હાલત

Updated: Feb 24th, 2023

GS TEAM


Google News
Google News
માધવપુર (ઘેડ)માં માધવરાયજીનાં પ્રાચીન મંદિરની જીર્ણશીર્ણ હાલત 1 - image


ઐતિહાસિક ધરોહરસમી ઇમારતની જાણવણી અને જતન પ્રત્યે પુરાતત્વ ખાતું બેદરકાર  : 12મી સદીના પુર્વાભિમુખ મંદિરની જર્જરિત હાલત અને ગર્ભ ગૃહમાં ગંદકી જોઇને પ્રવાસીઓ આક્રોશ ઠાલવે છે 

 પોરબંદર, : કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદર નજીકના પ્રાચીન માધવપુર ગામે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન ગત વર્ષની જેમ ફરી કરવામાં આવનાર છે. ગત વર્ષે રાષ્ટ્રપતિથી માંડીને દેશના આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને માધવરાયની નગરી માધવપુરના વિકાસ માટે વાતો કરી હતી. પરંતુ નક્કર હકીકત એ છે કે, મેળા પછી માધવપુરમાં એક પણ રૂપિયાનો વિકાસ કરવામાં આવ્યો નથી. માધવપુરમાં માધવરાયજીના પ્રાચીન મંદિરની પણ જીર્ણશીર્ણ હાલત છે ત્યારે પુરાતત્વ ખાતાની બેદરકારીની ઝાટકણી સાથે લોકચર્ચા વ્યાપી છે કે, આ સ્થળના વિકાસની વાત તો દૂર રહી પરંતુ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં તેની જાળવણી પણ કરવામાં આવતી નથી અને એક વર્ષનો સમયગાળો વિતી જવા પામ્યો છે. 

દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે, તેથી તંત્રએ આ આયોજન કરવાની સાથોસાથ માધવરાયજીના જૂના મંદિરના વિકાસ માટે પણ આગોતરૂ આયોજન કરવું પણ જરૂરી બન્યું છે. 

પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત વર્ષે જ કેન્દ્ર સરકારે માધવપુરના મેળાને રાષ્ટ્રીય કક્ષાનો મેળો બનાવીને ભવ્યાતિભવ્ય આયોજન હાથ ધર્યું હતું પરંતુ સ્થાનિક કક્ષાએ જે પર્યટન ધામો છે તેના વિકાસ માટે ફૂટી કોડી પણ ફાળવી નથી અથવા ફાળવાઇ હોય તો પણ હજુ સુધી નક્કર વિકાસ થયો નથી. કારણ કે જે ભૂમિ ઉપર ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા ત્યાં માધવરાયજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ૧૨મી સદીના આ ઐતિહાસિક મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા ભાગી-તૂટી ગઇ છે. તેમ છતાં ઐતિહાસિક ધરોહરસમી આ ઇમારતની જાણવણી અને જતન કરવામાં આવ્યા નથી. તેથી બહારથી અહીં આવતા પ્રવાસીઓ પણ આ સ્મારકની જીર્ણશીર્ણ હાલત જોઇને આક્રોશ ઠાલવે છે. રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાએ માત્ર રક્ષિત સ્મારકનું બોર્ડ મુકવા સિવાય અહિંયા કોઇ કામગીરી કરી નથી તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે. 

પુરાતત્વ ખાતાએ આ સ્મારકને નુકસાન પહોંચાડનારાઓ સામે પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સાદી કેદની સજા થશે તેવું બોર્ડ મુકેલું છે. પરંતુ અહીં આવતા એવું જણાય રહ્યું છે કે, પુરાતત્વ ખાતું જ બેદરકાર છે. આ સ્મારકને વધુ જર્જરિત થતું અટકાવી તેની વ્યવસ્થિત જાળવણી થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ, અને મેળાનું આયોજન થાય તે પહેલા અહિંયા સાફસફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. 

Tags :