લંગર તૂટતાં જૂની દીવાદાંડી નજીક બોટ ખેંચાઈ આવી
પોરબંદરમાં ભારે પવનને લીધે તોફાની મોજાંએ બોટને આમતેમ ફંગોળી પણ તમામ ખલાસીઓનો બચાવ થયો
પોરબંદર, : પોરબંદરમાં ભારે પવનને લીધે લંગર તુટતા જુની દીવાદાંડી નજીક બોટ ખેંચાઈ આવી હતી. જો કે આ બોટના તમામ ખલાસીઓ સહી સલામત છે. અરબી સમુદ્રમાં તોફાની પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે તેની અસર પોરબંદર જેવા કાંઠાના વિસ્તારમાં જોવા મળી છે. પોરબંદરના બંદર નજીક લોઢ લોઢ મોજા ઉછળી રહ્યાં છે ત્યારે ત્યાં લાંગરવામાં આવેલી ફીશીંગ બોટો પૈકી શીતલ સાગર બોટનું લંગર તુટી જતા તોફાની મોજા સાથે ફંગોળાઈને આ બોટ જુની દીવાદાંડી સામે નવી ચોપાટી બની રહી છે ત્યાં ખેંચાઈ આવી છે.
તેમાંથી ખલાસીઓ હેમખેમ બહાર આવી ગયા હતાં પરંતુ દરીયાના તોફાની મોજા બોટને આમ તેમ ફંગોળી રહ્યાં હોવાથી દોરડા બાંધીને તેને વધુ નુકશાન થાય નહી તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. બોટમાંથી માલ કાઢવા સહિત દરીયો શાંત થાય તો તેને તરતી કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.