સ્વામી વિવેકાનંદ પોરબંદર ખાતે ચાર માસ રોકાયા હતા
ભારતનું પરિભ્રમણ કરતી વખતે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે ઈનામ વિતરણ સભાઃ 15મીએ આરતી, પૂજન અને હવન
પોરબંદર, : સ્વામી વિવેકાનંદને ક્રાંતિકારી પરીવર્તન લાવવાનું જ્ઞાાન પોરબંદરની ભુમિ ઉપરથી થયું પ્રાપ્ત હતું. અને તેઓ ચાર મહિના જેટલો સમય પોરબંદરની આ પાવન ભુમિ ઉપર રોકાયા હતાં અને તેમના નામની કાર્યરત રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલની સ્થાપનાને ૭૫ વર્ષ થયા છે ત્યારે તેના રજતજયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત તા. 12નાં ઈનામ વિતરણ તથા સભા યોજાશે.
પોરબંદરની ભૂમિ સ્વામી વિવેકાનંદની ચરણધૂલીથી વિશેષ પાવન બની છે. ભારતનું પરિભ્રમણ કરતી વખતે સ્વામિ વિવેકાનંદ પોરબંદરના એડમિનિસ્ટ્રેશન શંકર પાંડુરંગ પંડિતના નિવાસસ્થાન ભોજેશ્વર બંગલામાં ઈ.સ. 1891-92 દરમિયાન લગભગ ચાર મહિના રોકાયા હતાં. આ ભોજેશ્વર બંગલો આજે રામકૃષ્ણ મિશનની શાખા રૂપે કાર્યરત છે. 12મી જાન્યુઆરી 1997ના રોજ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ગુજરાત સરકારે સ્વામી વિવેકાનંદના સ્મૃતિ મંદિર માટે આ ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કર્યો. ત્યાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના કરવામાં આવી. અને વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ સેવાપ્રવૃત્તિ ચાલી રહી છે. અત્યારે આશ્રમ રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે.
રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ 14 જાન્યુઆરી, 2023 સુધી તેની રજત જંયતિની ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, કાંકુરગાછી, કોલકતાના અધ્યક્ષ પૂજય સ્વામી વિમલાત્માનંદજી મહારાજ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
તા. 12નાં સાંજે 4.30થી 6 રાષ્ટ્રીય યુવા દિવસે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ મહોત્સવ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તા.14નાં આશ્રમના મંદિરમાં સવારે 5.30 કલાકે મંગલ આરતી, 7.30 કલાકે વિશેષ પૂજા, 10.30 કલાકે હવન અને પુષ્પાંજલિ, બપોરે 12.30 કલાકે પ્રસાદવિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.