For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાસકોની અલ્પદ્રષ્ટિઃ રોજનું 80 કરોડ લિટર ઝેરી પાણી દરિયામાં ઠાલવશે

Updated: Mar 2nd, 2023

Article Content Image

સાડી ઉદ્યોગનું ગંદું પાણી શુધ્ધ કરીને ખેતી કે ઉદ્યોગોને આપવાને બદલે  પોરબંદરનો દરિયો દૂષિત કરનારી યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠયો, 667 કરોડના પ્રોજેક્ટનું કામ સોંપાયાનો સરકારનો જવાબ

 પોરબંદર, : જેતપુરના સાડી ઉદ્યોગના ઝેરી કેમિકલયુક્ત કચરાને પાઇપલાઇન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠવા પામ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછેલ પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે જેતપુર પ્રોજેક્ટને તારીખ 18-1-20221ના રોજ રૂપિયા 667 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવેલ છે,  જેના વર્કઓર્ડર જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઇપલાઇન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિ. તા. 28-10-2021 ના રોજ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપેલ છે. આ અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી અત્યાર સુધી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી-નાળામાં છોડી દેવામાં આવતું હતું અને તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સુધીના ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ અને ખેતીને ભારે નુકશાન થયુ છે ત્યારે હવે આ કેમિકલયુક્ત પાણીને ટ્રીટમેન્ટ કરી શુધ્ધ કરી સ્થાનિક ખેડૂતોને સિંચાઇ માટે કે ઉદ્યોગોને વપરાશ માટે આપવાની જગ્યાએ પાઇપલાઇન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના બનાવી છે, આ યોજના અનેક રીતે વિનાશકારક છે.

અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલયુક્ત પાણીનું જેતપુરમાં જ શુધ્ધિકરણ કરીને ખેતીકામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે પરંતુ રાજ્યની ભાજપ સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજનું 80  કરોડ લિટર કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી 105 કિ.મી. લાંબી પાઇપલાઇન નાખવાની યોજનાને મંજુરી આપી છે. 80 કરોડ લિટર પાણી એટલે એક આખા  ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઇ તે જ રીતે જુનાગઢ જિલ્લાના માંગરોળ, માણાવદર સહિત પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં  જશે એટલે દરિયાઇ જીવ સૃષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગરગ બની જશે. તેમણે ઉમેર્યું હતું કે આ પાઇપલાઇનથીત સૌથી મોટું નુકશાન માછીમાર ભાઇનો થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ થવાથી માછીમારી શક્ય બનતી નથી તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિત સર્જાશે. આ દરિયાનું પાણી જમીનમાં જવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી અને પશુપક્ષીઓનો નાશ થશે અને દરિયાકાંઠાના લોકોને રહેવું પણ વિકટ બની જશે. જેતપુરનો સાડી ઉદ્યોગ આપણું ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઇ ઇરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. આ માટે આ કેમિકલ યુક્ત પાણીને ત્યાં શુધ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જોઇએ. રૂપિયા 667  કરોડનો ખર્ચ પાઇપલાઇન માટે થઇ શકતો હોય પછી આટલા ખર્ચમાં પામી શુધ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે અને શુધ્ધ થયેલ પાણીને સ્થાનિક ખેડૂતોને અને ઉદ્યોગોને આપીને આ સમસ્યાને નિવારી શકાય તેમ છે.

Gujarat