પોરબંદરમાં રામકૃષ્ણ મિશનનો કાલથી રજતજયંતિ મહોત્સવ
એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો ભજન સંધ્યા, આધ્યાત્મિક શિબિર, જાહેરસભા, પ્રવચન યુવા દિવસની સ્પર્ધાઓનાં વિજેતાઓનું સન્માન વગેરે યોજાશે
પોરબંદર, : પોરબંદરમાં રામકૃષ્ણ મિશનના રજતજયંતિ મહોત્સવની તા. 7મીથી અઠવાડીક ઉજવણી થનાર છે. જેમાં ભજન સંધ્યા, આધ્યાત્મિક શિબિર, જાહેર સભા, શ્રી રામ ચરિતમાનસ પર પ્રવચન તથા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ વગેરે યોજાશે.
રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ જણાવ્યું છે કે, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ તા. 7થી 14 જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ તેની રજત જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે રામકૃષ્ણ મઠનાં કોલકત્તાના અધ્યક્ષ પૂજ્ય સ્વામી વિમલાત્માનંદજી મહારાજ પધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી, રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી, રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી, રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લુસાકાના સચિવ સ્વામી ગુણેશાનંદજી, રામકૃષ્ણ મઠ આદિપુરના સ્વામી મંત્રેશાનંદજી સહિત અનેક અતિથિઓ ઉપસ્થિત રહેશે.
આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 7 શનિવારે વિવેક હોલ, આશ્રમ કેમ્પસ ખાતે સવારે 9 થી 11.30 યુવા શિબિર તથા સાંજે 6 થી 8 રાજકોટના ભજનિક નિરંજનભાઇ પંડયાની ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, તો તા. 8-1 રવિવારે સવારે 8.30 થી 11.30 સુધી આધ્યાત્મિક શિબિર યોજાશે, જેમાં જપ - ધ્યાન - ભજન, પ્રવચન, પ્રશ્નોતરીનો કાર્યક્રમ યોજાશે. તો સાંજે 5 થી 6 રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુરના સ્વામી દિવ્યવ્રતાનંદજી મહારાજનો ભજનનો કાર્યક્રમ યોજાશે. સાંજે 6 થી 8 પૂજ્ય સ્વામી વિમલાત્માનંદજી મહારાજ અને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા પ્રવચનો યોજાશે. તા. 9અને 10ના સાંજે 4.30 થી 6.30 રામકષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજ શ્રીરામ ચરિત માનસ પર પ્રવચન આપશે. તા.12-1-23ના સાંજે 4.30 થી 6 રાષ્ટ્રીય યુવા દિવસે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ મહોત્સવ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તા.૧૪ના સ્વામી વિવેકાનંદની જન્મતિથિ નિમિત્તે આશ્રમના મંદિરમાં સવારે 5.30 કલાકે મંગલ આરતી, 7.30 કલાકે વિશેષ પુજા, 10.30 કલાકે હવન અને પુષ્પાંજલિ, બપોરે 12.30 કલાકે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.