For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રીકૃષ્ણને પરણાવવા લોકો ગાડાં જોડીને આવતા, ઊંટ અને અશ્વ દોડ યોજાતી

Updated: Mar 16th, 2023

Article Content Image

શલ્યપર્વમાં માધવતીર્થ અને સ્કંદપુરાણમાં પ્રભાસક્ષેત્ર માધવપુરનો ઉલ્લેખ છે, જે મુજબ આ વર્ષનો માધવપુર મેળો 5225મો ગણાય છે શ્રીકૃષ્ણનો સૌરાષ્ટ્ર નિવાસ અને રૂકમણી અરૂણાચલના હોવાથી બંને પ્રદેશને જોડીને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે માધવપુરના મેળાનો ભાતીગળ ભૂતકાળ અને ભવ્ય વર્તમાન ભારતના સાંસ્કૃતિક ઐક્યનું દર્શન કરાવે છે : 'ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રીભગવાન'. 

પોરબંદર, : તરણેતર અને શિવરાત્રિ જેટલું જ મહત્વ ધરાવતો માધવપુરનો મેળો હવે ઢુકડો છે. તા. ૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી યોજાનારા આ લોકમેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની વાત હૈયામાં સંઘરીને બેસેલી ઐતિહાસિક નગરીમાં લાખો લોકો ઉમટશે. એ સાથે જ, બુઝૂર્ગોને આ મેળાના ભાતીગળ ભૂતકાળનાં સ્મરણો તાજાં થશે, તો નવી પેઢીને આ મેળાના વધેલાં મહત્વથી અવગત થવાનો અવસર મળે છે.

પ્રાકૃતિક સૌન્દર્યથી વીંટળાયેલ પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ અને ચોરવાડ જેટલું જાણીતું પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે. ઘેડમાં વહેતી મુખ્ય ત્રણ નદીઓ ભાદર, ઓઝત અને મધુવંતીનું સંગમસ્થાન માધવપુર છે. લોકગીતમાં ગવાય છે, 'ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રીભગવાન'. આ મેળા અંગે 'માધવપુરનો માંડવો, જાદવકુળની જાન, પરણે રાણી રૂકમણિ શ્રી માધવરાય ભગવાન' કહેવત પણ ખૂબ પ્રચલિત છે. પૌરાણિક ગ્રંથોમાં જોઇએ તો મહાભારતના શલ્યપર્વમાં (૧૩-૫૨)માં પણ માધવતીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. 10મીથી 14મી સદી સુધી લખાયેલા સ્કંદપુરાણમાં પ્રભાસક્ષેત્ર માધવપુરનો ઉલ્લેખ છે. એમ જોઇએ તો આ વર્ષનો માધવપુર મેળો ૫૨૨૫મો છે. 

હવે કૃષ્ણ-રૂકિમણી વિવાહ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે લઇ જવાયો છે. રૂકમણી અરૂણાચલ પ્રદેશના હોવાથી ગુજરાત અને અરૂણાચલ પ્રદેશને જોડીને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો આ લોકમેળામાં યોજવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને ઓરિસ્સાના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરે છે.

પોરબંદરના શિક્ષિણવિદ ડો. ઈશ્વરલાલ ભરડાએ માધવપુરના આ મેળા વિશે માહિતી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર-માંગરોળ મધ્યે ઘેડના નાકા અને નાકું એવા માધવપુરમાં પૌરાણિક અને ધામક તેમજ સાંસ્કૃતિક દર વર્ષે ચૈત્ર સુદ 9થી 13 સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઇ જાય છે. અહીં મેળામાં ભાતીગળ વો- ચોરણા અને સફેદ પાઘડી પરિધાન કરી મૂછે વળ ચડાવી વાંકલડી પાઘડી માથે વેંત એકનું છોગું ફરકાવતા જવામર્દ મહેર, કોળી, રબારી, આહિર જુવાનો અનોખી ભાત પાડતા જોવા મળે છે. અહીં મેળામાં ભાતીગળ વાલંકારો પહેરીને મેળામાં ફરતી ગાતી અને રાસડે રમતી મેરાણીઓ, રબારણો, કોળણ, આયરાણીઓ અને ખારવણો સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું સાચું દર્શન કરાવે છે.

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસના રાત્રે પૂરબહાર ખીલે છે. વર્તમાન યુગમાં મોટર, મોટરસાઇકલો, બસો, ટ્રેકટરો, ખટારાઓ જેવા વાહનો આવ્યાં તે પહેલાં ખેતી કરનારી તમામ કોમના લોકો ગાડાં જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણતા અને શ્રીકૃષ્ણને પરણાવવા દોઢસો-બસ્સો ગાડાં જોડીને ત્રણ-ત્રણ દિવસના ભાતા પોતાની સાથે લઇને મેળામાં આવતા. ગામના પાદરથી લઇને સીમાડા સુધી રાવટીઓ નંખાતી જતી. જૂના કાળે મેળામાં મનોરંજન કરનારા વાદી ને મદારીઓ આવતા. રાવણહથ્થાવાળા'ય આવતા. ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા અશ્વો અને ઊંટોને લઇને પણ મેળો માણવા ઉમટી પડતા. અહીં મેદાનમાં ઊંટ અને અશ્વની દોડની હરિફાઇઓ થતી. જાનવરોના પાણી મપાતા.

ભારતના બે પ્રદેશો- પશ્ચિમમાં ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજ્યો મુખ્યત્વે અરૂણાચલ પ્રદેશ વચ્ચેના અનુબંધ થકી આ માધવપુર (ઘેડ)નો લોકમેળો રાષ્ટ્રીય સ્તરનો બની ભારતના સાંસ્કૃતિક ઐક્યનું દર્શન કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભૂલા નહોતા પડયા. સોરઠની પ્રજાના નિર્મળ હૃદયના પારદર્શક પ્રેમ અને ભક્તિભાવ ભાળી જાણી જોઇને ભૂલા પડયા હતા. અને રૂકમણી સાથે લગ્ન કરીને સોરઠની ધરા ધન્ય બનાવી હતી. 


Gujarat