FOLLOW US

પાંડવકાલીન ખીમેશ્વર મંદિરે તસ્કરો ત્રાટક્યા: ચાંદીના આભૂષણોની ચોરી

Updated: Apr 11th, 2023


પોરબંદરના દરિયાઈ પટ્ટી પરના કુછડી ગામે  છત્તર, જલાધારી, નાગદાદા, માળા, થાળું મળી 10  કિલો ચાંદીની ચીજવસ્તુઓની ઉઠાંતરી: સીસીટીવી કેમેરા ફૂટેજની મદદથી તપાસ

પોરબંદર, : પોરબંદરના દરિયાઈ પટ્ટી પરના કુછડી ગામે પાંડવકાલિન ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જયાં ગત રાત્રે ભગવાન શિવજીને ચડાવેલા ચાંદીના આભૂષણો સહિત અંદાજે દસ કિલો ચાંદીના દાગીના અને મંદિરમાં શિવજીને ધરેલ ચાંદીની વસ્તુઓની ઉઠાંતરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

કુછડી ગામે ઐતિહાસિક ખીમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કે જયાં પાંડવોએ વર્ષો પહેલા વસવાટ કર્યો હતો ત્યાં હાલ પણ પાંચ પાંડવોની ડેરી અને ભીમનો ખાંડણીયો મોજુદ છે. આ શિવમંદિરે ગત રાત્રે શૃંગારદર્શન કરવામાં આવ્યા હતા. 

પૂજારી સવારે જયારે પાંચ વાગ્યે મંદિર ખોલવા માટે સોમવારે આવ્યા. ત્યારે મંદિરના તાળા તૂટેલા દેખાયા હતા. અને શિવમંદિરના ગર્ભગૃહમાંથી ભગવાન શિવજીને ચડાવેલ ચાંદીના ત્રણ નાના અને એક મોટું સહિત ચાર છત્ર, જલાધારી, નાગદાદા, ચાંદીની માળા, ચાંદીનું થાળુ વગેરે મળી અંદાજે દસ કિલો જેટલું ચાંદી ચોરાયું હોવાનું જણાવયું હતું. પૂજારી દ્વારા સવારે જ તાત્કાલિક ગામના સરપંચ સહિત આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને આગેવાનો મંદિરે દોડી ગયા હતા તથા પોલીસને પણ જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ડોકસ્કવોડ સહિતની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. 

મંદિરના વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા પણ આવેલા હોવાથી તેના ફૂટેજ પણ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. તો બીજી બાજુ ડોગ સ્કવોડ પણ મંદિરની બહારથી લઈને દરિયાકાંઠાના વિસ્તારમાં આંટા મારતો હોવાથી તસ્કરો નજીકના જ કોઈ વિસ્તારમાંથી આવ્યા હતા કે કેમ ? તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. 

ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ બપોર બાદ ફરી દોડી ગયા હતા. અને આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવાની સાથોસાથ અમુક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

Gujarat
IPL-2023
Magazines