Updated: Feb 6th, 2023
મૃતકના શરીર ઉપર ઈજાનાં નિશાન, પીએમની કાર્યવાહી
દારૂ પીને આવ્યા બાદ પત્ની સાથે મારામારી થઇ હતી : મૃતક પર અગાઉ પ્રોહિબિશનના 15થી વધુ ગુન્હા નોંધાયા હોવાનું ખુલ્યું
પોરબંદર: પોરબંદર નજીકના ઓડદર ગામે પત્ની સાથે ડખ્ખો થયા બાદ પતિનું રહસ્યમય મોત નીપજયું છે. જેમાં મૃતકના શરીર ઉપર ઈજાના નિસાન હોવાથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃતક શખ્સ સામે અગાઉ અનેક વખત પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પોરબંદરના ઓડદર ગામે વણકરવાસમાં રહેતા કેશુભાઈ ઘેલાભાઈ ચાંચિયા (ઉ.વ.૪૬)નો મૃતદેહ તેની પથારીમાંથી મળી આવતા પી.એમ. માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. તેના પત્ની જસુબેને એવું જણાવ્યુ ંહતું કે, કેશુભાઈને દારૂ પીવાની ટેવ હતી, જેથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતાં. ગઈકાલે સવારે પણ તે દારૂ પીવા માટે ગામના ચોકમાં ગયો હાવાથી તે બોલાચાલી કરી તેને ઘરે લઈ આવ્યા હતાં. કેશુએ ઘરે આવ્યા બાદ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ઝપાઝપી પણ કરી હતી અને લાકડી વડે માર માર્યો હતો તથા હાથમાં બટકું ભર્યું હતું.
પત્ની જશુબેને તેને સમજાવી પથારીમાં સુવડાવી દીધા હતાં. એકાદ કલાક બાદ જસુબેન તેને ચા પીવા માટે ઉઠાડવા જતા તે ઉઠયા ન હતાં. આથી અન્ય લોકોને જાણ કરી પોરબંદરની હોસ્પીટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. જો કે તેઓનું પત્ની સાથે ઝપાઝપી બાદ ઈજાના કારણે મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર થયું તે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. મૃતકના નાક પર ઈજાના નિશાન હોવાનું અને મૃતક પર પ્રોહીબીશનના ૧૫થી વધુ ગુન્હા નોંધાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.