FOLLOW US

પ્રેમાંધ તરૂણી અને યુવકનો વિસાવાડા નજીક સજોડે ઝેર પી લઈને આપઘાત

Updated: Feb 9th, 2023


મધ્યપ્રદેશથી ભાગીને પોરબંદર તાલુકામાં ખેતમજૂરી કરતા હતા એમપી પોલીસ શોધખોળ કરવા આવ્યાની ખબર પડતાં બંનેએ ઝેરી દવા પીધાં બાદ યુવાને કૂવામાં ઝંપલાવ્યું

પોરબંદર, : એમ.પી.થી 14 વર્ષની કિશોરી અને 18 વર્ષનો યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ જતા કોઇને કહ્યા વગર મધ્યપ્રદેશથી ભાગીને પોરબંદરના વિસાવાડા ગામે રહેવા આવી ગયા. ત્યારે તેની શોધમાં પોલીસ સગીરાના પિતાને સાથે રાખીને તપાસ કરવા આવ્યા. તેની માહિતી મળતા આ કિશોરી અને યુવાને ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ યુવાને તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ છે. 

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવા તાલુકાના દશેરા મેદાનમાં રહેતા રઘુભાઇ હુકુમભાઇ પ્રજાપતિ નામના 39  વર્ષીય યુવાન દ્વારા મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમની દીકરી પ્રિયાંશી પ્રજાપતિ (ઉ.વ. ૧૪) અને ખરગોન જિલ્લાના બગડા ખુદ્ ગામે રહેતા રાહુલ ઓમકાર ચંદેલા એ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેઓ પરિવારજનો અને અન્ય કોઇને જાણ કર્યા વગર ભાગીને વિસાવાડા ગામે રહેવા આવી ગયા હતા. અઢી મહિના પહેલા તેઓ ખેતમજુરી કરવા માટે અહીં આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

બીજી બાજુ સગીરાના પિતા રઘુભાઇએ મધ્યપ્રદેશ પોલીસમાં પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા લોકેશન મેળવવામાં આવતા તેઓ વિસાવાડા વિસ્તારમાં રહેવા આવી ગયા હોવાનું પોલીસની તપાસમાં જાહેર થયું હતું. તેથી પોલીસ સગીરાના પિતાને સાથે લઇને મધ્યપ્રદેશથી વિસાવાડા તપાસ માટે આવી પહોંચી હતી. પિતા અને પોલીસ વિસાવાડા ગામે આવ્યા હોવાની માહિતી પ્રિયાંશી અને રાહુલને મળી જતા તે બન્નેએ પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી અને સગીરાનું ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના વૃક્ષની નીચે મોત થયું હતું. 

ત્યારબાદ પોલીસે યુવાન રાહુલની શોધખોળ હાથ ધરતા વિસાવાડા ગામે મરસીયા સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલ તળાવમાંથી તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પીધા પછી તળાવમાં ઝંપલાવ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે રાહુલના મૃતદેહને બહાર કાઢ્યા પછી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે લવાયો હતો તથા પ્રિયાંશીની લાશને પણ પી.એમ. અર્થે લાવવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમવિધિ માટે પ્રિયાંશીની લાશને તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રાહુલના પરિવારજનો પણ મૃતદેહનો કબ્જો લેવા પોરબંદર આવવા રવાના થયા છે. 

Gujarat
News
News
News
Magazines