ખાનગી ટ્રાન્સફોર્મર ઉભુ કરી લંગરીયું નાખી લાખો રૂા.ની વીજચોરીનો પર્દાફાશ
પોરબંદરના બળેજ ગામે પાવર ચોરી પકડાતા રૂા. 91 લાખનો દંડ ફટકાર્યો : ખાણ-ખનિજ વિભાગે પણ ગેરકાયદે ખોદકામ કરી ખનિજ ચોરી કરવા બદલ સ્થળ પરથી 6 ચકરડી, 2 ટ્રક અને બે ટ્રેકટર કબ્જે લીધા
પોરબંદર, : પોરબંદરની દરિયાઈપટ્ટી ઉપર બળેજ ગામે વીજચોરોએ પીજીવીસીએલ સાથે હરીફાઈ કરવી હોય તેમ ખાનગી ટ્રાન્સફોર્મર અને વીજવાયરો બીછાવીને વીજચોરી કરી રહ્યા છે તેવા એક કિસ્સામાં 11 કે.વી.લાઈનમાં 100 કેવીનું ખાનગી ટ્રાન્સફોર્મર મુકી લંગરીયું નાખી ખાણમાં વીજચોરી થતી હતી. ત્યારે પીજીવીસીએલની ટીમે દરોડો પાડી 91લાખ રૂા.નો દંડ ફટકાર્યો છે તથા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા રેકી કરી અને મળેલી માહિતીના આધારે પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા બળેજ ગામમાં વહેલી સવારના સમયમાં ખાણ વિસ્તારમાં 4 વીજ ટુકડીઓ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાલુ મેરામણ કેશવાલાની ખાણમાં વીજ ચેકીંગ કરતા તેઓ પીજીવીસીએલની 11 કે.વી.લાઈનમાં 100 કેવીનું પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર મુકી ડાયરેકટ લંગરીયું નાખી ગેરકાયદેસર વીજ વપરાશ કરતા પકડાયેલ હતા. જેથી કંપનીના નિયમ મુજબ વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી 91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ વીજ ચોરી માટે વપરાશમાં લેેવાયેલ 100 કેવીનું એક પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર તથા 105 મીટરનો વીજ વાયર જપ્ત કરવામાં આવેલ છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ સ્થળ પર તેમની ખાતાકીય કાર્યવાહી કરી અને પથ્થર કટીંગ માટે વપરાતી છ ચકરડી મશીન, બે ટ્રક અને બે ટ્રેકટર જપ્ત કરવામાં આવેલ છે.