Updated: May 4th, 2023
વીસથી વધુ ગામોના લોકોની આરોગ્ય સુખાકારી માટે ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સવલત, દાંત, ફિઝિયોથેરાપી લેબોરેટરી, સગર્ભા સ્ત્રીઓની તપાસ સહિતની વ્યવસ્થા
પોરબંદર, : પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂા.૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતાવાળુ અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ તકે સાંસદે જણાવ્યું હતું કે, રાજય સરકાર નાગરિકોના આરોગ્યની ચીવપૂર્વક કાળજી લઈ રહી છે. જેને પગલે માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પહેલા સારવાર માટે પોરબંદર તેમજ જૂનાગઢ સુધી જવું પડતું હતું. પરંતુ હવે સારવારની સુવિધાઓ હવે માધવપુરમાં મળી રહેશે.
વધુમાં કહ્યું કે માધવપુર તેમજ આજુબાજુના ગામના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ભેટ મળી છે જેનો નાગરિકોને ખૂબ લાભ થવાનો છે. તેમજ બિલ્ડીંગમાં સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી આપણા સૌ લોકોની છે. અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખેજણાવ્યું હતું કે, સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારી વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે આજરોજ માધવપુર ખાતે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરતા માધવપુરના આજુબાજુના 20 કરતા વધારે ગામના લોકોની આરોગ્ય સેવા સારવાર માટેની મુશ્કેલીઓનો અંત આવશે. તેમજ પહેલા લોકોએ સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું. અહીંયા ડાયાલિસિસ જેવી સેવા માટે દૂર દૂર સુધી જવું પડતું જે હવે ભૂતકાળ બની જશે. જેને કારણે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.