Updated: Apr 9th, 2023
પોલીસ પહોંચે તે પહેલાં બકરાની બલી ચડાવી દેવાઈ આજુબાજુના CCTV કેમેરાના ફટેજ તપાસીને તેને મહત્વનો પુરાવો ગણી નિર્દોષ પશુને મોતને ઘાટ ઉતારનારાઓ સામે નિયમ અનુસાર ગુન્હો નોંધવા માંગ
પોરબંદર, : પોરબંદરના જયુબેલી વિસ્તારમાં ગુરૂકુળના ગેટ નજીક બકરાની બલી ચડાવવાની છે.તેવી માહિતી પોલીસને વહેલી સવારે અપાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પરંતુ પોલીસ પહોંચે તે પહેલા રાત્રીના સમયે જ બકરાની બલી ચડાવી દેવાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.ત્યારે આ બનાવમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થઇ નથી તેવું ઉદ્યોગનગરના પી.એસ.આઈ.એ જણાવ્યું છે.
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂકુળના ગેટ પાસે ડેરીવાળી ગલીમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અંધશ્રધ્ધાપ્રેરક કાર્યક્રમનું આયોજન કરીને બકરાની બલી ચડાવવાની છે.તેવી ચોક્કસ માહિતી પોરબંદરના એસ.પી.સહિત ગૃહરાજય મંત્રી વગેરેને અપાતા પોલીસ કંટ્રોલરૂમ ખાતેથી આ માહિતી મુજબ ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરી દેવાઈ હતી.આથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે વહેલી સવારે પહોચી ગયો હતો.પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ બકરાની બલી ચડાવી દેવાઈ હતી.
અમુક જ્ઞાાતિ સિવાય પશુબલી ચડાવવી તેના ઉપર કાયદામાં પ્રતિબંધ છે.આમ છતાં પોરબંદરમાં બકરાની બલી ચડાવી દેવામાં આવી છે.ત્યારે પોલીસે આ બનાવમાં ઘટના સ્થળેથી ચોક્કસ પુરાવાઓ એકત્ર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવી જ જોઈએ.આજુબાજુના સી.સી.ટી.વી.કેમેરાના ફટેજ તપાસીને તેને મહત્વનો પુરાવો ગણી નિર્દોષ પશુને મોતને ઘાટ ઉતારનારાઓ સામે નિયમ અનુસાર ગુન્હો નોધવો જોઈએ.તેવી માંગ જીવદયાાપ્રેમીઓ દ્વારા કરાઇ છે.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કવિતાબેન ઠાકરીયાએ એવી માહિતી આપી હતી કે,વહેલી સવારે પોલીસ કાફલો પહોંચ્યો તે પહેલા રાત્રેજ બધી વિધિ કરી નાખવામાં આવી હતી. અને કોઈ જ પ્રકારના અન્ય પુરાવાઓ જે-તે સમયે નજરે ચડયા નહોતા.