Get The App

ગાંધીજી 79 વર્ષ જીવ્યા એટલે કીર્તિ મંદિર બનાવાયું 79 ફુટ ઉંચુ

- પોરબંદરનાં કીર્તિ મંદિરનો આજે 69મો લોકાર્પણ દિન

Updated: May 26th, 2019

GS TEAM


Google News
Google News
ગાંધીજી 79 વર્ષ જીવ્યા એટલે કીર્તિ મંદિર બનાવાયું 79 ફુટ ઉંચુ 1 - image


- ગાંધી જન્મસ્થાનના જુના મકાન પાસે બનાવાયેલા કીર્તિમંદિરનું ૧૯૫૦ની ૨૭મી મેના સરદાર પટેલનાં હસ્તે થયું હતું લોકાર્પણ

પોરબંદર,તા.  26 મે 2019, રવિવાર

આવતીકાલે ૨૭મી મે છે. ૧૯૫૦ની સાલમાં ૨૭મી મેના રોજ પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન જુના મકાન પાસે બનાવાયેલ કીર્તિમંદિરનું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. તેનો આજે ૬૯ મો લોકાર્પણ  દિન છે.

સુદામાપુરી પોરબંદરમાં જન્મ લઈને સમગ્ર વિશ્વને  ભગવાન શ્રી કૃષ્ણે પ્રબોધેલા કર્મયોગનો મહિમા પ્રસ્થાપિત કરનાર મહાત્મા ગાંધી આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે. તેની પ્રતિતિ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે. ઉત્તરોતર તેમાં વધારો થઈ રહ્યો છે. તેના પરથી થઈ રહી છે.

૧૯૫૦ની ૨૭મી મેના રોજ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પોરબંદરના સ્વ.નાનજી મહેતાએ ગાંધીજીની સંમતિ મેળવીને તેની રચના કરી હતી. અંધારીયા ઓરડામાં સમગ્ર માનવજાતને નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો અને દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવવંતુ બન્યુ. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમુનો ગણાતુ આ કીર્તિમંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફુટ ઊંચુ બનાવવામાં આવ્યું છે. તેની વિશિષ્ટ ઇમારતની બાંધણીમાં સર્વધર્મના વિવિધ ધર્મચિન્હોનો ઉત્કૃષ્ટ રીતે 

સાંકળી લેવામાં આવ્યા છે. મૂર્તિને સ્થાને અહિંસાના પરવીર બાપુ અને બાના પુરા કદના તૈલીચિત્રો ગોઠવાયા છે. ઉપરના ભાગે ૭૯ દિપકો કંડારાયેલા છે. તેનું અનોખુ આકર્ષણ રહે છે.

આ સ્થળે મહાત્મા ગાંધીજીની ઇચ્છા અનુસંધાને મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવૃત્તિઓ ઉપરાંત રચનાત્મક પ્રવૃતિઓ ફેલાવવામાં આવે છે અને દરેક ઓરડામાં ગાંધીજીનો લાક્ષણિક તસ્વીરો મુકવામાં આવી છે. કીર્તિમંદિરના પટાંગણમાં આરસથી મઢેલા વિવિધ સ્તંભો ઉપર ગીતાના શ્લોકો, ગાંધી સંદેશ, ભજનો તથા શ્લોકો અને ગાંધીવાણી તથા તેમના જીવનના મહત્વના પ્રસંગો કોતરવામાં આવ્યા છે. 

Tags :