Updated: Mar 1st, 2023
ઉપરનો હિસ્સો જર્જરિત હોવાથી અઢી વર્ષથી તાળા 'વર્ક ઇન પ્રોગ્રેસ'નું બોર્ડ મુકવા સિવાય સમારકામની અન્ય કોઇ કામગીરી હાથ ન ધરાતા વ્યાપક રોષ
પોરબંદર, : પોરબંદરમાં ગાંધીજીનો જે ઘરમાં જન્મ થયો હતો તે મકાનનો ઉપરનો ભાગ ભારે જર્જરિત હોવાથી અઢી વર્ષથી તેમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે. પરંતુ હવે તેનો નીચેનો હિસ્સો પણ ખંડેર જેવો બની ગયો છે અને જમીન ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, ત્યારે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતો માત્ર 'વર્ક ઇન પ્રોગ્રેસ'નો બોર્ડ મુકીને સંતોષ માન્યો છે પણ નક્કર કોઇ કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસે ભારે આક્રોશ સાથે આ મુદ્દે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતાને ઢંઢોળીને તાત્કાલિક સમારકામ કરાવવા માંગ કરી છે.
રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે વર્ષભેર દેશ - વિદેશના હજારો પ્રવાસીઓ આવતા હોય છે. ગાંધીજીનો જન્મ થયો તે ત્રણ માળની ઇમારત છે. જ્યાં નીચેના માળે તેઓનો જન્મ થયો એ ઓરડોને ઉપરના માળે વિવિધ ઓરડાઓની દિવાલોમાં દુર્લભ પેઇન્ટિંગ તથા દશાવતારના ચિત્રો દોરવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીજીનો સ્ટડી રૂમ, પુજા રૂમ સહિત કુલ ૨૨ ઓરડા આવેલા છે.
પરંતુ ઉપરના બન્ને માળ બિસ્માર હોવાથી પુરાતત્વ ખાતાએ અઢી વર્ષ પૂર્વે ઉપર જવાના રસ્તે પાર્ટીશન મુકી તાળા લગાવી દીધા હતા અને પાર્ટીશન પર ઉપરના બન્ને માળના ફોટા મુક્યા હતા. જેથી પ્રવાસીઓએ ઉપરના માળના માત્ર ફોટા જોઇ નિરાશ થઇ ફરવું પડે છે. અને એક માત્ર ઓરડો કે જેમાં ગાંધીજીનો જન્મ થયો હતો તે જ જોઇને પ્રવાસીઓએ પરત ફરવું પડે છે. પરંતુ હવે એ ઓરડામાં પણ મસમોટા ગાબડા પડી ગયા છે. કોઇના પગ ખાડામાં આવી જાય તો અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમછતાં પુરાત્વ ખાતાના પેટનું પાણી પણ હલતું નથી. ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી સહિત આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ આવવાના હોવાથી તેમના આગમન પહેલ પુરાતત્વ ખાતાએ વર્ક ઇન પ્રોગ્રેસનો બોર્ડ મુક્યું હતું. પરંતુ હજુ સુધી કોઇ કામ શરૂ થયું નથી. હાલમાં પ્રવાસીો ત્રણ ગણા વધ્યા છે. મહામાનવના જન્મસ્થળની જાળવણી કરવામાં પણ જવાબદાર તંત્ર ઉણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે.