Get The App

છપ્પનીયા દુષ્કાળ સમયે પ્રજા પ્રત્યેની ઉદારતાથી મળ્યો 'દુલ્લા-ભાવ'નો ઇલ્કાબ

- પોરબંદરનાં રાજવી શ્રી ભાવસિંહજી સાહેબની આજે 153મી જન્મજયંતી

- એકાંતપ્રિય મહારાણાએ અનેક ઐતિહાસિક ઇમારતોની ભેટ આપી; કલા, શિક્ષણ અને વેપાર - ઉદ્યોગનાં વિકાસ માટે પણ આપ્યો સિંહફાળો

Updated: Dec 25th, 2019

GS TEAM

Google News
Google News
છપ્પનીયા દુષ્કાળ સમયે પ્રજા પ્રત્યેની ઉદારતાથી મળ્યો 'દુલ્લા-ભાવ'નો ઇલ્કાબ 1 - image


પોરબંદર, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર

પોરબંદર શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટ આપનાર અને આજે પણ શહેર મધ્યે આવેલી બે મહત્વપૂર્ણ ઇમારતો જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ અને હાઇસ્કૂલ જેના નામથી ઓળખાય છે તેવા પોરબંદર નરેશ મહારાણા શ્રી ભાવસિંહજી સાહેબની આજે તા. ૨૬મી ડિસેમ્બરે ૧૫૩મી જન્મજયંતિ છે. 

યુવરાજપણામાં સ્વર્ગવાસી થયેલા પાટવી કુમાર શ્રી માધવસિંહજીના લગ્ન ત્રણ સ્થળે ગયા હતા. એમાનાં રાજનપુરવાળા રાણીશ્રીને ખોળે મહારાણાશ્રી ભાવસિંહજીનો જન્મ તા. ૨૬-૧૨-૧૮૬૭ પોષ સુદને દિવસે થયો હતો. પરંતુ એ જન્મ દાતા જનેતા સ્વર્ગવાસી થતાં કુમારનું પાલન - પોષણ તેમના સાવકાં માતા સાયલાવાળા માતુશ્રીએ કર્યું હતું. 

નાનાપણથી જ એકાંતપ્રિય અને ઓછાબોલા ભાવસિંહજીને સૌથી મોટો શોખ પશુ - પંખીઓ જોવાનો અને એમના ચિત્રો દોરવાનો હતો. રાણા વિકમાતજીના સ્વર્ગવાસ પછી લગભગ પાંચેક મહિના પછી એટલે કે તા. ૧૫-૮-૧૯૦૦ ભાદરવા સુદ સાતમ ને શુભ દિવસે રાણાસાહેબ શ્રી ભાવસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો. જ્યારે રાજ્યની લગામ રાણાશ્રીના હાથમાં મુકવામાં આવી તે સમયે દેશમાં મહાભયંકર ઠપ્પનીયો દુષ્કાળ ચાલી રહ્યો હતો.

અન્ન વિના પ્રજા અને ખડ - પાણી વિના પશુ - પક્ષીઓ ભયંકર મુશ્કેલીઓ ભોગવતા હતા. એવે વિકટ પ્રસંગે રાજ્ય સંભાળવાની જવાબદારી રાણાશ્રીના હાથમાં આવી, પણ એ ફરજ એમણે ઘણી જ ઉદારતા બતાવી. તન, મન, ધનથી ખેડૂતો, મજુરો, પશુપાલન કરનારની ખુબ મદદ કરી, સેવા કરી. નવા કૂવા ખોદવા માટે રૂપિયા તથા બળદ, કોશ અને બીયારણ માટે પુષ્કળ તગાવી આપવાની વ્યવસ્થા કરી. જે વર્ગ  ખેતી કરતો ન હોય તેમની માટે ખંભાળાનું તળાવ કરવાનું કામ શરૂ કર્યું અને આ સદકાર્યોથી રાણાશ્રી ભાવસિંહજીને 'દુલ્લા ભાવ'નો પ્રજાના પ્રેમાળ અંતઃ કરણે વગર માંગ્યે આપેલો ઇલ્કાબ જગવિખ્યાત કર્યો હતો. 

ઉદ્યોગ માટે નવી ટેકનોલોજીમાં તેઓ સારો ભાગ લેતા. દિલ્હી અને અમદાવાદમાં ભરાયેલા ઉદ્યોગમેળામાં તથા ખેતી વાડીના પ્રદર્શનોમાં પોરબંદરના રાણાશ્રી ભાવસિંહજીએ ઘણી મદદ કરી હતી. પ્રજાની પ્રગતિનો આધાર શિક્ષણ છે. તે વાત આ રાજાના ધ્યાન બહાર નહોતી. આથી તેમણે ત્યાં જગજીવન પાઠકને મુંબઇ, પુના, વડોદરા વગેરે સ્થળોએ ત્યાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ જોવા માટે રાજ્યના ખર્ચે મોકલ્યા હતા.

ત્યાંની લેવા જેવી શિક્ષણ પધ્ધતિ પોતાના રાજ્યમાં ચાલુ કરવા સારૂં શિક્ષકોની કોન્ફરન્સ ભરી તેમની હૃદયમાં ઉતારવાનો તથા તેમને સમજાવવા ઉપર મુક્યો હતો. ખેડૂત, વસવાયા કે તેવા મજુરો વગર ફી એ શિક્ષણ આપવાનું, કાશી સેન્ટ્રલ હિંદ કોલેજમાં વાર્ષિક  ૫૦૦ રૂપિયાની રકમ આપવાનું ને વેદ શાળા ખોલવાની જાહેરાત પણ એમના સમયમાં જ અને તેને દ્વારા વેપારીઓને લોન આપીને વેપાર કરવા સારૂં પૈસાની વ્યવસ્થા કરી હતી. 

રાજ્યમાં મરકી રોગને ફેલાતો અટકાવવા કરી ઉત્તમ વ્યવસ્થા

ઇ.સ. ૧૯૦૨માં ભારતમાં મરકી એટકે કે પ્લેગ નામના એક જાતના તાવનો ઉપદ્રવ પહેલવહેલો શરૂ થયો. તે સમયે આ રોગત ચેપી છે એવું ડોકટરોનુ ંકહેવું હતું. જેથી આવા સમયે રાણાશ્રી ભાવસિંહજીએ જુદા - જુદા વોર્ડો પાડી તેના પર ડોકટરોને રાખીને, તાત્કાલિક દવા પહોંચાડવાની સગવડ કરીને, મરકીવાળાને રાખવા માટે રાજ્ય તરફથી મોટા કેમ્પ  અને રહેવા માટેના રૂમોની વ્યવસ્થા કરવીને, બહારથી આવનાર માટે સગવડવાળા કવોરેન્ટાઇનો કરાવીને, પ્રજાની સગવડ સાચવવા સાથે તેઓની લાગણી દુભાય નહીં એવી સુઝબુઝવાળી યોજના કરીને આ મહારોગને દૂર કરવા ઘણાં પ્રયત્નો કર્યા હતા. આ પ્રસંગે સૌ બીજા રાજ્યો કરતા મરકી માટે પોરબંદરએ કરેલી વ્યવસ્થા બધાએ વખાણી હતી. 

સંસાર - વ્યવહારનાં અનુભવ સાથેનો કુશળ રાજ વહિવટ

મહારાણાશ્રી ભાવસિંહજી ગંભીર, ઉદાર અને નીડર પ્રકૃતિના તથા દીર્ઘદર્શી વિચારના રાજ્યકર્તા હતા. પ્રૌઢવયે ગાદીએ આવેલા હોવાથી તેઓનો સંસાર - વ્યવહારનો અનુભવ ઘણો વિશાળ હતો. તેમને મોટા અધિકારીથી માંડીને નાના પટ્ટાવાળા સુધીના નોકરીયાતોના ગુણ - દોષ જાણતા. તેમજ કોણ કોનો વિરોધી છે? તે પણ જાણતા. આથી કોઇપણ અધિકારી પોતાના મલબતથી નીચેના અધિકારીઓનું કાંઇ ખરાબ કરી શકતું નહીં. પહેલેથી જ તેઓએ પોતાનું ખાનગી ખાતું ને રાજ્યખાતું અલગ - અલગ પાડી નાંખેલા હતા અને તેમને એક બીજાના કામમાં દખલ દેવાની સખત મનાઇ કરેલી હતી. 

મહારાણાશ્રીનો ક્ષય રોગના કારણે સ્વર્ગવાસ 

પ્રજાવત્સલ મહારાણાશ્રીને શરીરે ક્ષય રોગનો ભયંકર લાગુ પડયો. દેશી અને વિદેશી ઔષધોના અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા, અનેક સ્થળે હવાફેર કરવામાં આવ્યા પણ બધું વ્યર્થ ગયું. એક પણ ઔષધીએ કામ ના હજારો પ્રજાજનોને તથા અનેક સગાસંબંધીજનોને રૂદન કરતા મુકીને તેઓનો આત્મા નાશવંત સંસાર છોડીને ચાલ્યો ગયો! 

Tags :