વ્યક્તિ પોતે જ ગાંધીજી હોય એવા સેલ્ફી પોઈન્ટથી વિવાદ
- મહાત્મા સાથેનો ફોટો તો બરાબર, પણ
- કીર્તિ મંદિરમાં ધરણાંની ચીમકી બાદ હટાવી લેવાયેલ સેલ્ફી પોઈન્ટ ફરી મૂકાતા નારાજગી
પોરબંદર, : એક મહિના પહેલા કોંગ્રેસ સેવાદળે આંદોલનની ચેતવણી આપતા પોરબંદરનાં કીર્તિ મંદિરમાં ગાંધીજીનો સેલ્ફી પોઈન્ટ હટાવી દીધો હતો. જેને તંત્રએ ફરીથી રાખી દેતાં વિવાદ વકરવાના એંધાણ દેખાવા લાગ્યા છે.
એક મહિના પહેલા પોરબંદરમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત આગેવાનોની દ્વિદિવસીય પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન થતાં તેઓએ કીર્તિ મંદિરની મુલાકાત લેતાં ગાંધીજીનો સેલ્ફી પોઈન્ટ જોઈને તેઓ ઉકળી ઉઠયા હતા. કારણ કે, ગાંધીજીની પાસે ઉભીને તસવીર ખેંચાવી શકાય, પરંતુ ગાંધીજીના ચહેરાને કાપીને વ્યક્તિ પોતાનો ચહેરો તેમાં ફીટ કરે તો આ બાબત રાષ્ટ્રપિતાનું અપમાન છે તેમ જણાવીને સાંજ સુધીમાં જો સેલ્ફી પોઈન્ટ દુર નહીં થાય તો ધરણા કરશે તેવી ચેતવણી અપાતા તંત્રએ નમતું જોખીને સેલ્ફી પોઈન્ટને દુર કર્યો હતો.