FOLLOW US

પોરબંદરમાં પત્ની અને બાળકોની નજર સામે જ યુવાનની ક્રૂર હત્યા

Updated: May 25th, 2023


ખુદ પત્નીએ જ પ્રેમી સહિત ત્રણ શખ્સો સાથે મળીને સંબંધમાં નડતરરૂપ પતિનો કાંટો કઢાવી નાખ્યાની પોલીસ ફરિયાદ દાખલ થતાં ચકચાર : ક્રૂરતાપૂર્વક કરાયેલા હૂમલામાં મૃતક યુવાનની પત્નીને પણ હાથમાં છરી લાગતા ઈજા

પોરબંદર, : ગાંધીભૂમિ અઠવાડિયામાં ચોથી વખત લોહિયાળ બની છે, ગતરાત્રે ખીજડી પ્લોટ પાસે બાઈકમાં લઈ રહેલા યુવાન ઉપર છરી વડે ઘાતક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તેની પત્નીને પણ ઈજા પહોંચી હતી. આ ચકચારી બનાવમાં ચોકાવનારી વિગત એવી બહાર આવી છે કે તેની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવા આ હત્યા કરાવી છે અને તે અંગેની પોલીસ ફરીયાદ મૃતકના ભાઈએ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.

બનાવની વિગત એવી છે કે, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો કાયાભાઈ રામભાઈ ગઢવી (ઉ.વ.૩૫) નામનો યુવાન ગઈકાલે રાત્રે તેની પત્ની નિતા તથા બે બાળકોને લઈને ખીજડી પ્લોટ પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક જ બે શખ્સો છરી લઈને ધસી આવ્યા હતાં. તે કશું સમજે તે પહેલા જ એક શખ્સે સીધી જ તેના પેટના ભાગે છરી ઝીંકી દેતા તે બાઈક ઉપરથી નીચે પડી ગયા હતાં અને આ બનાવમાં પત્ની નિતાને પણ હાથમાં છરી વાગી હતી. બન્ને બાળકો તથા આ મહિલા પણ રોડ ઉપર પડી ગયા હતાં. અચાનક જ છરી લઈને આવેલા શખ્સો કાયાને ક્રુરતાપૂર્વક મારીને નાસી છુટયા હતાં.

બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં રહેલા કાયાભાઈ અને તેની પત્નીને સારવાર માટે ભાવસિંહજી હોસ્પીટલે પહોંચાડવામાં આવતા ફરજ પરના તબીબોએ કાયાભાઈને મૃત જાહેર કર્યા હતાં, જયારે તેની પત્નીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં શહેર ભાજપ પ્રમુખનાં ઘરનાં સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવા સહિત હુમલાખોરોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં જયભારત સોસાયટીમાં રહેતા અને ઓધવજી નથુભાઈ મોઢા વિદ્યાલયમાં કલાર્ક તરીકે નોકરી કરતા વાલાભાઈ રામભાઈ ગઢવી (ઉ.વ.૫૩) દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે કે, ગઈકાલે રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે ઘરે જમતો હતો તેવામાં નાનાભાઈ દેવરાજભાઈનો ફોન આવેલ કે, નાનાભાઈ કાયાભાઈને કોઈએ છરી મારી છે અને તેને દવાખાને સારવારમાં લઈ ગયેલા છે. જેને છરીનાં ૪-૫ ઘા ઝીંકીને રહીમ નામનાં શખ્સે હત્યા કર્યાનું પત્ની નીતાબેને જણાવ્યું હતું.

વધુમાં ફરીયાદમાં જણાવ્યું છે કે, મૃતક ભાઈની પત્ની નીતાબેન છેલ્લા એકાદ વર્ષમાં બે વખત તેના નાની તથા મામાને ત્યાં જવાનું કહીને ઘરેથી જતી રહી હતી. પરંતુ તપાસ કરતાં ખરેખર તે તેના પ્રેમી રહીમને ત્યાં જતી હતી, તે બંન્નેને પ્રેમસંબંધ હોવાથી કાંટો કાઢવા માટે પત્ની નીતાબેને તેના પ્રેમી રહીમ હુસૈન ખીરાણી તથા રહીમના મિત્રો મેરાજ ઈકબાલ પઠાણ તથા તૌફીક અનીશ ભટ્ટી સાથે મળી ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સમયે એમ.જી.રોડ, જુની ટ્રાફીક ઓફીસ પાસે આવી છરી વડે જીવલેણ ઘા મારીને હત્યા કરી નાખી હતી.

Gujarat
IPL-2023
Magazines