સસ્તી પ્રસિધ્ધિ માટે કોરોનાની દવા શોધી હોવાનો દાવો કરનાર શખ્સની ધરપકડ
- વિસાવાડાના શખ્સે સોશ્યલ મિડિયામાં વિડિયો કર્યો હતો વાયરલ
- 'ભારત સરકાર મારી શરતે ખરડો પસાર કરે તો જ દવા હું આપીશ' તેવા બણગાં ફુંકનાર શખ્સને કાયદાનું ભાન કરાવાયું
પોરબંદર, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ઘરમાં નવરા બેઠા અનેક લોકો સોશ્યલ મીડીયામાં અવનવા ગતકડા વાયરલ કરતા હોય છે. ત્યારે પોરબંદરના વિસાવાડા ગામે રહેતા યુવાને ૫ મીનીટ અને ૪૬ સેકન્ડનો એવો એક વિડીયો વાયરલ કર્યો હતો કે, પોતે કોરોનાની દવા શોધી લીધી છે અને ભારત સરકાર પોતાની શરતે ખરડો પસાર કરે તો જ દવા આપીશ તેવા બણગા ફુંકતો હતો. આથી આ પોલીસે આ શખ્સની ધરપકડ કરીને શાન ઠેકાણે લાવી દીધી છે.
પોરબંદરના એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિસાવાડાના ધારી સીમ વાડી વિસ્તારમાં રહેતા રાજુ કેશવ કેશવાલાએ એવો વિડીયો વાયરલ કર્યો હતો કે, પોતે કોરોના વાયરસની દવા શોધી લીધી છે! આથી પાંચ મીનીટ અને છેતાલીસ સેકન્ડના આ વિડીયોનું ઉંડાણથી નિરીક્ષણ કર્યા બાદ એસ.પી.એ આ શખ્સ સામે ગુન્હો નોંધવા માટે સુચના આપતા મીંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુન્હો નોંધી દેવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. રાજેન્દ્ર મેઘજીભાઇ કાથડે એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે, હાલમાં કોરોના વૈશ્વિક મહામારી સંબંધે સોશ્યલ મીડીયા પણ કોઇ ખોટી પોસ્ટ કે વિડીયો અપલોડ કરી અફવા ફેલાવે તો તેની ઉપર નજર રાખવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તે અનુસંધાને વિસાવાડાના રાજુ કેશવાલાએ પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયોમાં તેણે એવો દાવો કર્યોહતો કે, પોતે કોરોનાની દવા શોધી છે. પરંતુ તે સરકારને પોતાની શરતોના આધીન આપવા માંગે છે જે લોકોની હીત માટેની કેટલીક યોજના સરકારને જણાવશે અને આ યોજના અંગે પાર્લામેન્ટમાં ખરડો પસાર થાય તો જ તે સરકારને સોંપશે.
આ પ્રકારના વિડીયોને તેણે સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા પોલીસે વિસાવાડા ગામે વાડીએ જઇને દરોડો પાડયો હતો અને રાજુનો મોબાઇલ જપ્ત કરતા તેની ફોન ગેલેરીમાં, કેમેરા ફોલ્ડરમાંથી વિડીયો કબ્જે થયો હતો અને તેણે તા. ૨૬-૪ના રાત્રે ૧૧ વાગ્યા બાદ અલગ - અલગ વોટસએપ કોન્ટેક ઉપર આ વિડીયો વાયરલ કર્યો હતો. આથી પોલીસે તેની આકર પુછપરછ કરતા પોતાનીપાસે આવી કોઇ દવા નહીં હોવાનું કબુલ્યું હતું અને પોતાની સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે ખોટા દાવા સાથેનો વિડીયો વાયરલ કર્યો હોવાનું પંચો રૂબરૂ જણાવતા પોલીસે ફોન કબ્જે કરીને ધરપકડ કરી હતી અને તેની સામે ગુન્હો નોંધીને પુછપરછ હાથ ધરી હતી.
વિશ્વના વૈજ્ઞાાનિકો મારા શરીરમાં કોરોનાના વાયરસ દાખલ કરે, હું સ્વસ્થ બની બતાવીશુ!
અંદાજે પોણા છ મીનીટના આ વિડીયોમાં રાજુ કેશવાલાએ એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે, ભારત અને વિશ્વના વૈજ્ઞાાનિકો રાજુના શરીરમાં કોરોના વાયરસ દાખલ કરે અને પછી પોતે પોતાની દવા વડે સંપૂર્ણપણે સ્વસ્થ થઇને બતાવશે! પોતે વિનામુલ્યે આ દવા આપવાનો હોવાનું અને બીસીએનો અભ્યાસ કરી ચુકેલ આ યુવાન પાંચ વર્ષથી યોગ અને સાધના મારફતે કોરોનાની દવા શોધી લીધી હોવાનું જણાવ્યું હતું.