Updated: Mar 20th, 2023
કુતિયાણા પાસે હીટ એન્ડ રનનો બનાવ છત્રાસા ગામે ધાર્મિક પ્રસંગમાં જતા હતા ત્યારે અકસ્માત કરી કાર ચાલક નાસી છૂટયો
પોરબંદર, : પોરબંદર - રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા નજીક સર્જાયેલા વાહન અકસ્માતમાં બાવળાવદર પંથકના કિશોરનું મોત નીપજયું છે. અને અકસ્માત સર્જીને નાસી છુટેલ કારચાલક સામે ગુન્હો નોંધાતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોરબંદરના બાવળાવદર ગામે કાલીન્દ્રી નદીના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ મેરામણભાઈ ભેટારીયા નામના 40 વર્ષીય યુવાન દ્વારા એવા પ્રકારની પોલીસ ફરીયાદ કુતિયાણા પોલીસ મથકમાં નોંધાવાય છે કે, છત્રાસા ગામે એના માસીના દિકરાને ત્યાં ધાર્મિક પ્રસંગ હોવાથી વાસુદેવભાઈ તથા તેનો નાનો દીકરો અમન તેના બાઈકમાં અને તેના મામા ભીખુભાઈ ગોવિંદભાઈ કરંગીયા અને મોટો પુત્ર દેવ ઉવ.. 13 તેના બાઈકમાં પ્રસંગમાં હાજરી આપવા જવા નીકળ્યા હતાં. અને વાસુદેવભાઈ સરાડીયા પાસે પહોંચ્યા ત્યારે તેમના સબંધી ગોપાલભાઈ દેવાયતભાઈનો ફોન આવ્યો હતો કે તમારા મામાના મોટરસાઈકલ પાછળ કાર અથડાઈ જતા કુતિયાણાની ગૌશાળા પાસે અકસ્માત થયો છે. જેમાં ઘવાયેલા ભીખુભાઈની સારવાર ચાલુ હતી, સફેદરંગની અજાણી કિયા ફોરવ્હીલના ચાલક દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું, અને ડોકટરે એવું જણાવ્યું હતું કે દેવની સ્થિતિ વધુ ગંભીર છે તેથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવો પડશે, તેથી તેને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ વજાયો હતો ત્યારે ગોંડલ અને વીરપુર વચ્ચે પહોંચ્યા ત્યાં સુધીમાં દેવનું મોત નીપજયું હતું. તેથી તેના મૃતદેહ કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુતિયાણા પોલીસ મથકે આવીને વાસુદેવભાઈ ભેટારીયાએ અજાણી કારના ચાલસ સામે ગુન્હો નોંધાવ્યો છે. કુતિયાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.